વડોદરા: વડોદરામાં એકાએક ગરમીનો પારો વધતાં અસહ્ય ગરમીને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.બીજી તરફ બપોરના સમયે આકરા તાપથી શહેરના માર્ગો પર ચાલતા ટ્રાફિકને પણ ભારે અસર થઇ છે.આ વર્ષે ગરમી અનેક રેકોર્ડ તોડશે તેમ લાગી રહ્યું છે.તો બીજી તરફ ગરમીના તાપમાનમાં વધારો થવાની સાથે સાથે શહેરમાં આગજનીના બનાવોમાં પણ વધારો જોવા મળ્યો હતો.શહેરમાં ચારથી વધુ આગની ઘટનાઓ બની હતી.
વડોદરા 42 ડિગ્રી તાપમાને વડોદરામાં માર્ચ મહિનામાં જેવી ગ૨મી નગરજનો સહન કરી રહ્યા છે.અસહ્ય ગરમીને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.બીજી તરફ બપોરના સમયે આકરા તાપથી શહેરના માર્ગો પર ચાલતા ટ્રાફિકને પણ ભારે અસર થઇ છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આ વર્ષે ગરમી અનેક રેકોર્ડ તોડશે તેમ લાગી રહ્યું છે.શહેર – જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીના પ્રથમ રાઉન્ડમાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે.
સૂર્ય દેવતાના રોદ્ર સ્વરૂપને કારણે તાપમાનનો પારો પણ 40 ડિગ્રીને પાર કરી ગયો છે.બપોરના સમયે હિટવેવને કારણે હિટ સ્ટ્રોકની પણ શક્યતાઓ વધી છે.જેમાં બુધવારે શહેરમાં લઘુતમ તાપમાન 43 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે.જેમાં હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની છે.તથા ભેજનું પ્રમાણ 16 ટકા જેટલું નોંધાયું હતું.દિવસે અને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. શહેરીજનો પણ હવે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળતા હોય છે.નોંધનીય છે કે બુધવારે ફરી તાપમાન 43 ડિગ્રી નોધાયું હતું.
ધોમધખતા તાપમાં બપોરના સુમારે શહેરના રોડ રસ્તાઓ સુમ સામ ભાસી રહ્યા હોવાના જણાયા હતા.કામ વગર લોકો બહાર નીકળવાનું હવે ટાળી રહ્યા છે.હવામાનખાતાના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાનમાં ગઇકાલ કરતા તાપમાન 4 ડિગ્રી વધ્યું હતું તેમજ ન્યૂનત્તમ તાપમાન 1.6 ડિગ્રી ઘટીને 27.6 નોંધાયું હતું.આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ દિશાના 11 કિલોમીટરની ઝડપે ગરમ પવનોના કારણે ગરમીનો અહેસાસ લોકોને વધુ થતો હતો. હવામાં સવારે 54 અને સાંજે 24 ટકા ભેજનું પ્રમાણ જણાયું હતું.હજી પણ બે દિવસ શહેરીજનોએ આકરી ગરમી સહન કરવી પડશે.
વિશ્વામિત્રીની ઝાડીઓમાં આગ લાગતા દોડધામ
કમાટી બાગ બાલ ભુવન પાસે વિશ્વામિત્રી ઝાડીયોમાં આકસ્મિક આગ ભભૂકી ઊઠી હતી.જેના તણખલા ઉડતાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની છતમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.ધુમાડા ના ગોટેગોટા ફેલાતા તુરત જ ફાયર એલારામ વાગતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ થતા તુરંત જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને ફર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર 25 થી વધુ દર્દીઓને અન્યત્ર બોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.જ્યારે કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી બીજી તરફ વિશ્વામિત્રી કોતરમાં લાગેલી આગ બે કાબુ બની હતી. વિશ્વામિત્રીની બંને તરફ કોતરોમાં આગ લાગતાં પોલીસ દ્વારા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
વાઘોડીયા ચોકડી નજીક ગોડાઉનમાં આગ
શહેર નજીક વાઘોડિયા ચોકડી પાસે ગૃહ ઉદ્યોગને લગતા પ્લાસ્ટિકના રો-મટીરીયલ સહિતનો જથ્થો નાના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો.સવારે એક ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગ્યા બાદ પ્લાસ્ટિકને કારણે આગ ઝડપથી બાજુના ગોડાઉન સુધી પહોંચી હતી.આગના ધુમાડા દૂર દૂર સુધી ફેલાતા લોકોમાં દહેશતનો માહોલ છવાયો હતો.ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. જ્યારે નિઝામપુરા જુના બસ ડેપો ની સામે આવેલ આર્ય રેસીડેન્સીમાં એક મકાનમાં ગેસના બોટલમાં આગ લાગી હતી જેને લઇને રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.જોકે બંને ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ ન હતી.