Editorial

કર્ણાટકની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ કરતાં ખુદ રાહુલ ગાંધી માટે ભારે મહત્ત્વની છે

જો આખા દેશમાં હાલમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોમાં કોઈ ચર્ચા હોય તો તે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની છે. દક્ષિણ ભારતમાં એકમાત્ર કર્ણાટક જ એવું રાજ્ય છે કે જેમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર છે. દક્ષિણ ભારતમાં ભાજપની સ્થિતિ નબળી છે. વર્ષો બાદ કર્ણાટકમાં ભાજપને યારી મળી હતી અને હવે ફરી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતવા માટે ઈચ્છી રહ્યો છે. જો કર્ણાટકમાં ભાજપ હારી જાય તો દક્ષિણ ભારતમાંથી તેનો એકડો નીકળી જાય તેવી સ્થિતિ છે.

કર્ણાટકની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ, બંને પક્ષ દ્વારા ભારે જોર લગાડવામાં આવ્યું છે. રાજ્યના વિકાસ અને ભ્રષ્ટાચારથી શરૂ થયેલો પ્રચાર છેલ્લે બજરંગબલી પર આવી ગયો છે. બુધવારે કર્ણાટકની જનતા વોટિંગ કરવા માટે નીકળી ગઈ છે અને બપોર સુધીની પેટર્ન જોતાં એવું લાગી રહ્યું છે કે, મતદાનની ટકાવારી ઊંચી હશે. મતદાનનો ટ્રેન્ડ જોઈને ભાજપ અને કોંગ્રેસ, બંને પક્ષના આગેવાનો દ્વારા પોતપોતાની જીતના દાવાઓ કરવામાં આવ્યા છે પરંતુ કોનો દાવો સાચો પડ્યો તેની ખબર તા.13મી મે ના રોજ મતગણતરી થશે ત્યારે જ પડશે.

કર્ણાટક દક્ષિણ ભારતનું એવું રાજ્ય છે કે જેમાં કોંગ્રેસ અને ભાજપ, બંનેની પૂર્ણ બહુમતની સરકારો બની ચૂકી છે. બાકી વર્ષોથી વિપક્ષ જ કર્ણાટક પર રાજ કરતું આવ્યું છે. છેલ્લાં 38 વર્ષમાં કર્ણાટકમાં દર 5 વર્ષે સત્તાપરિવર્તન થતું રહ્યું છે અને આ વખતે પણ સત્તાપરિવર્તન થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. કર્ણાટકમાં 1985માં રામકૃષ્ણ હેગડેએ જનતા પાર્ટીની સરકાર બનાવી હતી. આ સિવાયના સમયમાં કોંગ્રેસની સરકારો બની હતી. 2004, 2008 અને 2013માં ભાજપની સરકાર બની હતી. 2018માં ભાજપને માત્ર 104 જ બેઠક મળી હતી.

જ્યારે કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠક મળી હતી. આ સમયે ભાજપના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ બાદમાં બહુમતી સાબિત નહીં કરી શકતા રાજીનામું આપી દીધું હતું. જેને પગલે કોંગ્રેસ તેમજ જેડીએસની સરકાર બની હતી. જો કે, બાદમાં કોંગ્રેસ તેમજ જેડીએસના કેટલાક ધારાસભ્યો દ્વારા બળવો કરવામાં આવતાં ભાજપે સરકાર બનાવી હતી. ભાજપે અન્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. કર્ણાટકમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત દેવગોવડાની જનતાદળ એસ પાર્ટીનો પણ નોંધપાત્ર દેખાવ રહ્યો છે.

ભૂતકાળમાં કોંગ્રેસ અને જનતાદળ એસએ ભેગા થઈને સરકાર બનાવી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ એકલા હાથે કર્ણાટકમાં લડી રહી છે. આ વખતે ત્રણેય પાર્ટી મેદાનમાં છે. કોંગ્રેસ જેડીએસ પર એવો આક્ષેપ કરી રહી છે કે તેણે ભાજપ સાથે જવાની તૈયારીઓ કરી લીધી છે. આ વખતે મતદાન પહેલાં જેટલા પણ પોલ આવ્યા તે તમામે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે તેવી આગાહી કરી છે અને તેને કારણે કોંગ્રેસ જોરમાં છે. જ્યારે ભાજપે આ ચૂંટણી જીતવા માટે મોદીથી માંડીને અમિત શાહ અને પાર્ટીના તમામ નેતાઓનો ઉપયોગ પ્રચારમાં કરી લીધો છે.

છેલ્લા કેટલાક સમયમાં દેશમાં જાતિવાદ જોર પકડી રહ્યો છે. દરેક રાજ્યની ચૂંટણીમાં જાતિવાદની ચર્ચા થાય છે. કર્ણાટકની ચૂંટણીમાં પણ આ સ્થિતિ છે જ. કર્ણાટકમાં બે જાતિ, લિંગાયત અને વોક્કાલિંગાનું ભારે વર્ચસ્વ છે. કર્ણાટકમાં 17 ટકા લિંગાયત મતદારો છે. જ્યારે વોક્કાલિંગા 14 ટકા છે. બંને જાતિનું અનુક્રમે 75-80 અને 50-55 બેઠક પર વર્ચસ્વ છે. આ ઉપરાંત રાજ્યમાં 10 ટકા કુબા મતદારો છે. જ્યારે 32 ટકા એસસી અને 17 ટકા મુસ્લિમ મતદારો છે. જો હાલની વાત કરવામાં આવે તો ભાજપના 104 ધારાસભ્યમાંથી 49 લિંગાયત અને વોક્કાલિંગા સમુદાયના છે. આ કારણે જ ભાજપે આ વખતે આ બંને સમુદાયના 109 ઉમેદવારોને મેદાનમાં ઊતાર્યા છે.

ભાજપે 37 એસસી અને કોંગ્રેસે 35, જેડીએસએ 31 ઉમેદવારને મેદાનમાં ઊતાર્યા છે. મુસ્લિમ ઉમેદવારોમાં કોંગ્રેસના 12 અને જેડીએસના 23 છે. ભાજપે એકપણ ઉમેદવાર મુસ્લિમ રાખ્યો નથી. આ વાત થઈ ત્રણ મોટી પાર્ટીની પરંતુ કર્ણાટકમાં અનેક નાની પાર્ટીઓ છે અને તે વોટકટાઉ એટલે કે મત કાપવા માટેની પાર્ટી છે. ભાજપ અને કોંગ્રેસ, બંનેને સૌથી વધારે ડર આ પાર્ટીઓનો છે. આ પાર્ટીઓ મતો કાપીને ચૂંટણીનાં આખાં પરિણામોને ફેરવી શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ માટે આપ પાર્ટીએ અત્યાર સુધીની સૌથી મોટી નામોશીભરી હાર સર્જી હતી. કર્ણાટકમાં પણ આ ડર છે. ગત ચૂંટણીમાં અપક્ષો અને નાની પાર્ટીના ઉમેદવારોએ 4 ટકાથી પણ વધારે મત લીધા હતા.

કર્ણાટક રાજ્યની ચૂંટણી એ ભાજપ અને કોંગ્રેસ માટે એ રીતે પણ મહત્ત્વની છે કે જો આ રાજ્યની ચૂંટણી ભાજપ હારે તો તેના માટે આગામી લોકસભાની જીત માટેનો માર્ગ કપરો બનતો જાય. જ્યારે કોંગ્રેસ માટે એવી સ્થિતિ છે કે જો ચૂંટણી હારી જાય તો રાહુલ ગાંધીએ કરેલી ભારત જોડો યાત્રાની કોઈ અસર પડી નથી તેવું સાબિત થાય. ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધીએ પોતાની અલગ જ ઈમેજ ઊભી કરી હતી. આ ઈમેજને જાળવી રાખવા માટે કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી જીતવી જરૂરી છે. આ વખતની કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસે રાહુલ ગાંધીના નેજા હેઠળ જ લડી છે.

કોંગ્રેસને ડીકે શિવકુમાર જેવા ઘડાયેલા નેતાનો સાથ મળ્યો છે. જો આ ચૂંટણી કોંગ્રેસ જીતે તો રાહુલ ગાંધી માટે લોકસભાની ચૂંટણી જીતવાનો માર્ગ સરળ બનતો જશે. રાહુલ ગાંધીને હજુ સુધી અન્ય વિપક્ષોએ સર્વમાન્ય નેતા તરીકે માન્યતા આપી નથી. અન્ય વિપક્ષી નેતાઓને વિશ્વાસ નથી કે રાહુલ ગાંધીના નેજા હેઠળ લોકસભાની ચૂંટણી જીતી શકાશે. કર્ણાટક જીતીને રાહુલ ગાંધી અન્ય વિપક્ષી નેતાઓને આ વિશ્વાસ અપાવી શકે છે. કર્ણાટકની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ કરતાં વધુ મહત્ત્વની રાહુલ ગાંધી માટે છે. જો કર્ણાટક જીતી જશે તો રાહુલ ગાંધી વડા પ્રધાનપદ માટે વિપક્ષોના નેતા બની શકશે. અન્યથા કોંગ્રેસ માટે પતનનો માર્ગ વધુ પહોળો બનશે તે નક્કી છે.

Most Popular

To Top