ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં (Office) ગઈકાલે આગ (Fire) લાગી હતી. ગૌણ સેવા પસંદગી મંડળમાં આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી ?. આ ઘટનાની તપાસ થવી જોઈએ, તેવો વેધક પ્રશ્ન કોંગ્રેસના (Congress) ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યો હતો.
અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં યુવાનો તનતોડ મહેનત કરી મોંઘુ શિક્ષણ લીધા પછી પણ તેઓને રોજગારી મળતી નથી. સરકારી નોકરીઓમાં ફોર્મ ભરવામાં આવે છે. પરીક્ષાઓ યોજાય ત્યારે વારંવાર પેપર ફૂટે છે, સર્ટી ચોરીકાંડ, સહિતના અનેક કૌભાંડો બહાર આવતા હોય છે. ગુજરાતમાં ભરતી કૌભાંડની તપાસ કરવામાં આવે તો મધ્યપ્રદેશના વ્યાપમ કાંડ કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. શું આ કૌભાંડોને બચાવવા માટે ઓફિસમાં આગ લગાવવામાં આવી છે. ગુજરાતના યુવાનોને લાગી રહ્યું છે કે શું આગ લાગી છે કે લગાવવામાં આવી છે ?
અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે અમારી માંગણી છે કે, સરકાર દ્વારા સીટની રચના કરી હાઇકોર્ટ જજના નેતૃત્વમાં છેલ્લા 27 વર્ષમાં થયેલી તમામ ભરતીની તપાસ કરાવી જોઈએ. જો યોગ્ય રીતે તપાસ થશે તો સાચી હકીકત બહાર આવશે.
ભાજપ સરકાર ઓબીસી વિરોધી છે
અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપની સરકાર ઓબીસી વિરોધી છે. ઓબીસી સમાજના મત લઈ લીધા બાદ ઓબીસી સમાજનું સતત અપમાન કરનારી આ સરકારે ઓબીસી સમાજની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા અનામત ખતમ કરી નાખવાનો નિર્ણય કર્યો છે. એ જ બતાવે છે કે, ભાજપ સરકારની માનસિકતા ઓબીસી વિરોધી છે. રાજ્યમાં 52 ટકા વસ્તી ધરાવતા ઓબીસી સમાજને 27 ટકા અનામત મળવી જોઈએ.