અમદાવાદ: વર્લ્ડ થેલેસેમિયા ડે અને વર્લ્ડ રેડ ક્રોસ (World Red Cross) રેડ ક્રેસેન્ટ ડે (Red Crescent Day) પ્રસંગે અમદાવાદમાં (Ahmedabad) થેલેસેમિયા મેજર બાળકો અને તેમના માતા-પિતાને નિષ્ણાત તજજ્ઞો દ્વારા જુદા જુદા વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત થેલેસેમિયા મેજર બાળકોને નિષ્ણાત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન મળી રહે તે આશરે તૈયાર કરવામાં આવેલી થેલેસેમિયા સાથી એપ્લિકેશનને ગુજરાત રેડક્રોસના ચેરમેન અજય પટેલ દ્વારા લોન્ચ કરાઈ હતી.
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીયલ સોસાયટી ખાતે યોજાયેલા પ્રસંગે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે થેલેસેમિયા મેજર બાળકોને તજજ્ઞ ડોક્ટર મારફતે માર્ગદર્શન મળી રહે તે હેતુથી થેલેસેમિયા સાથી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 40 જેટલા નિષ્ણાત હિમેટોલોજીસ્ટ, પીડિયાટ્રિશ્યન, ગાયનેકોલોજિસ્ટ, ફિઝિશિયન, જીનેટીશ્યન, તથા જીનેટિક કાઉન્સેલર પેરેન્ટ્સને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે, તથા આ એપ્લિકેશન મારફતે બાળકોના માતા-પિતા પોતાની હેલ્થ સંબંધી સારવાર માટે જરૂરી માર્ગદર્શન ઘરે બેઠા બેઠા વિના મૂલ્ય મેળવી શકશે.
અજય પટેલે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેડ ક્રોસની મુખ્ય પ્રવૃત્તિ છે. દરેક જિલ્લામાં કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિ સમયે પહોંચી વળવા ડોક્ટર, વકીલ, એન્જિનિયર વગેરેની એક ટીમ તૈયાર કરવાનું આયોજન છે. જે આપત્તિના સમયે લોકોને સહાય રાહત પહોંચાડી શકે આ ઉપરાંત જુનિયર-યુથ રેડ ક્રોસ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડી શકાય. લોકોનો જીવ બચાવી શકે તે માટે પ્રાથમિક સારવાર તાલીમ પણ રેડ ક્રોસ દ્વારા આપવામાં આવે છે.
અજય પટેલે વધુમાં કહ્યું હતું કે, હાલ રાજ્યમાં રેડ ક્રોસની 21 બ્લડ બેન્ક કાર્યરત છે. બીજી વધારે પાંચ બ્લડ બેન્ક રાજ્ય સરકારના સહયોગથી શરૂ થનાર છે. કુલ 26 બ્લડ બેન્ક અને 25 સ્ટોરેજ સેન્ટર આગામી દિવસોમાં શરૂ કરવાનું આયોજન છે. જેના થકી છેવાડાના ગામોમાં પણ કોઈપણ વ્યક્તિ બ્લડથી વંચિત ન રહે અને એક કલાકના અંતરમાં જરૂરિયાતમંદ વ્યક્તિને બ્લડ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે રાજ્ય સરકાર તરફથી સિવિલ હોસ્પિટલ અને અન્ય જગ્યાએ માળખાકીય સુવિધાઓ મળી રહે તો આ બધી સેવાઓ ખૂબ જ સહેલાઈથી જરૂરિયાતમંદને મળી રહેશે.
આ ઉપરાંત થોડાક સમયમાં ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા પેથોલોજી લેબોરેટરી, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ વિભાગ અને જેનેરીક મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવનાર છે. જે અંગેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. દરેક જિલ્લાઓમાંથી 365 દાતાઓને રેડ ક્રોસ સાથે જોડવામાં આવ્યા છે. જેઓ આ અંગે આર્થિક મદદ પણ કરશે.
વર્લ્ડ થેલેસેમિયા ડે પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના હેલ્થ વિભાગના નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રમ્યા મોહન અને જીએસએસસીબીટીના ડાયરેક્ટર ડૉ. રાજેશ ગોપાલ સહિત નિષ્ણાત તજજ્ઞ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.