નવી દિલ્હી: એશિયા કપ 2023 (Asia Cup-2023) કયાં રમાશે તેનાં સ્થળ માટે છેલ્લાં કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારતે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જવાની પહેલા જ ના પાડી દીધી હતી ત્યારે સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડે (Indian Cricket Board) આ અંગે નિર્ણય લઈ લીધો છે. હવે એશિયા કપ પાકિસ્તાનમાં નહીં રમાય. આ બાબતને બાંગ્લાદેશ અને શ્રીલંકા તરફથી પણ સમર્થન મળ્યું છે. પાકિસ્તાન (Pakistan) એશિયા કપ પોતાના ઘરઆંગણે રમવાની તક ખોઈ ચુક્યું છે ત્યારે હવે 6 ટીમોની ક્રિકેટ શ્રેણીમાં પાકિસ્તાન શામેલ થાય છે કે નહીં તે જોવું રહ્યું..એશિયા કપ હવે શ્રીલંકામાં રમાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
એક રિપોર્ટ અનુસાર એશિયા કપ 2023 પાકિસ્તાનની જગ્યાએ શ્રીલંકામાં રમાશે. યજમાની પરત લઈ લેવાના કારણે પાકિસ્તાન આ મેચ ન રમે તેવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ભારતમાં વન ડે વર્લ્ડકપ રમાવાનો છે અને તેને ધ્યાને લઇને એશિયા કપને પણ 50 ઓવરના ફોર્મેટમાં આયોજીત કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર-ઓકટોબરનો મહિનો આ માટે પસંદ કરવામાં આવ્યો છે.
જો કે એશિયા કપની યજમાની બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. શ્રીલંકામાં ડામ્બુલા અને પલ્લેકલમાં એશિયાકપ રમાઈ શકે છે. કોલંબોમાં સપ્ટેમ્બરમાં વરસાદની સીઝન શરૂ થતી હોય આ બે શહેરને હાલ ફાઈનલ કરવામાં આવ્યાં છે. જો પાકિસ્તાન એશિયા કપમાં રમશે તો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ વચ્ચે મેચો રમાશે પણ જો પાકિસ્તાન આ મેચમાં ભાગ ન લે તો પાંચ દેશો વચ્ચે જ મેચ રમાવાની પણ શક્યતા છે.
શું હતો વિવાદ?
આ પહેલા અહેવાલ હતાં કે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં જ થશે પણ ભારતની મેચો અન્ય સ્થળે રમાશે. BCCI સચિવ જય શાહે T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન પાકિસ્તાનાં પ્રવાસ માટે ના પાડી દીધી હતી. આ પછી વિવાદ વધી ગયો હતો. પીસીબીના તત્કાલીન વડા રમીઝ રાજાએ ODI વર્લ્ડ કપ 2023 માટે ભારત નહીં આવવાની વાત કરી હતી. પીસીબીના વડાનાં પદ પર નજમ સેઠી આવતા તેઓએ આ ટુર્નામેન્ટ ન્યુટ્રલ વેન્યુ પર ન રમાઈ તેવો આગ્રહ કર્યો હતો. પાકિસ્તાને હાઇબ્રિડ મોડલ વિશે વાત કરી, જેના હેઠળ ભારત સામેની મેચો ન્યુટ્રલ વેન્યુ પર અને બાકીની ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલે (ACC) આને મંજૂરી ન આપતા વિવાદ વધુ વધ્યો હતો.
પાકિસ્તાન પોતાના ઘરઆંગણે જ મેચ રમાય તેવું ઈચ્છતું હતું પણ સુરક્ષા અને રાજકીય મતભેદોને કારણે ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. ટુર્નામેન્ટ રદ્દ થવાની અટકળો વચ્ચે ભારતીય બોર્ડે પાંચ દેશો વચ્ચે ODI ટૂર્નામેન્ટ કરાવવાનું મન બનાવી લીધું છે. જો પાકિસ્તાન રમવાની ના પાડશે તો પાંચ દેશો વચ્ચે આ મેચ રમાશે.
જો પાકિસ્તાન મેચ ન રમે તો કેટલું નુકશાન થઈ શકે?
પાકિસ્તાન બોર્ડના ચેરમેન નજમ શેઠીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે જો તેઓ આ વર્ષે એશિયા કપ નહીં રમે તો ટુર્નામેન્ટમાંથી લગભગ ત્રણ મિલિયન ડોલરની કમાણીનું નુકસાન થઈ શકે છે. પાકિસ્તાન નુકસાન સહન કરવા તૈયાર છે કારણ કે તે સિદ્ધાંતની બાબત છે.