અમદાવાદ: (Ahmedabad) બિહારના (Bihar) ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejasvi Yadav) ‘દો ગુજરાતી ઠગ હૈ’ ટિપ્પણી મામલે ભેરવાયા છે. ગુજરાતીઓના અપમાન સામે એક સામાજિક કાર્યકરે માનહાનિની ફરિયાદ મેટ્રો કોર્ટમાં કરી હતી. જેમાં અમદાવાદની મેટ્રો કોર્ટે (Metro Court) આજે તેજસ્વી યાદવ વિરૂદ્ધ ઇન્કવાયરીના (Inquiry) આદેશ આપ્યા છે. આ અંગેની સુનવણી 20 મે ના રોજ હાથ ધરાશે.
ગુજરાતીઓ માટે અભદ્ર ટિપ્પણી કરનાર બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેજસ્વી યાદવ ગુજરાતીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરી બરાબરના ભેરવાયા છે. આ મામલાની સુનાવણી 20 મેના રોજ નક્કી કરવામાં આવી છે. જણાવી દઈએ કે મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે ગુજરાતીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
આ અંગે અગાઉ પહેલી મેએ કોર્ટ દ્વારા મેટ્રો કોર્ટમાં ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ મામલે આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ મામલે કલમ 202 અંતર્ગત કોર્ટ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે. ઇન્કવાયરી બાદ કોર્ટ નક્કી કરશે કે તેજસ્વી યાદવને સમન્સ મોકલવું કે નહીં.
જણાવી દઈએ કે તેજસ્વી યાદવ પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે બદનક્ષીના કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે. આ મામલે રાહુલ ગાંધીએ સાંસદ પદ પણ ગુમાવ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી છે. હવે તેજસ્વી યાદવ વિરૂદ્ધ ગુજરાતીઓ પર ટિપ્પણી કરવા મામલે અમદાવાદની કોર્ટ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.