નવસારી : નવસારીના (Navsari) ફૂટવેર વેપારી સસરાને ત્યાંથી રોજો ખોલી નમાજ પઢી ઘરે જાય ત્યાં સુધીમાં ચોરટાઓ સોના-ચાંદીના દાગીના અને રોકડા (Cash) રૂપિયા મળી કુલ્લે 9.52 લાખની ચોરી (Stealing) કરી નાસી ગયાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
નવસારી વિરાવળ જકાતનાકા રિંગરોડ પર ઓર્નેટ-5 એપાર્ટમેન્ટમાં રહેતા ઈમરાન ઇકબાલ મીઠાવાલા નવસારી કંસારવાડના નાકે મોટા બજારમાં સ્ટાર ફૂટવેર નામની દુકાન ચલાવે છે. ગત 5મીએ ઈમરાનભાઈ તેમના પરિવાર સાથે રોજો ખોલવા માટે સાસરે ગયા હતા. જ્યાંથી તેઓ દુકાને ગયા હતા અને રાત્રે દુકાન બંધ કરી નમાજ પઢવા ગયા હતા. દરમિયાન કેટલાક અજાણ્યા ચોરે તેમના ફ્લેટના દરવાજાનો લોક કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
ચોરે બેડરૂમમાં જઈ કબાટ તોડી તેમાં મુકેલા 1.40 લાખ રૂપિયાના 3 સોનાના સેટ, 1.60 લાખના 8 સોનાની બંગડીઓ, 40 હજાર રૂપિયાના સોનાનો કડો, 20 હજાર રૂપિયાનો સોનાનો બ્રેસલેટ, 60 હજાર રૂપિયાના 4 સોનાના પેન્ડલ સેટ બુટ્ટી સહીત, 60 હજાર રૂપિયાના 8 નંગ સોનાની નાની-મોટી બુટ્ટીઓ, 80 હજાર રૂપિયાની 10 નંગ સોનાની નાની-મોટી વીંટીઓ, 80 હજાર રૂપિયાની 4 સોનાની ચેન, 12 હજાર રૂપિયાની 2 નંગ સોનાની નાની-મોટી ગીની તેમજ રોકડા 3 લાખ રૂપિયા મળી કુલ્લે 9.52 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયા હતા.
ઈમરાનભાઈ નમાજ પઢી ઘરે જતા તેઓના ફ્લેટના દરવાજાનો લોક તૂટેલો જોતા ઘરમાં તપાસ કરી હતી. જ્યાં બેડરૂમના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ચોરી થયા હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે ઈમરાનભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ કે.એચ. ચૌધરીએ હાથ ધરી છે.
પારડીમાં L&Tના કિંમતી પિત્તળનો સામાન ચોરતા બે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયા
સુરત : પારડી રેલવે સ્ટેશન નજીક એલ એન્ડ ટી કંપનીની સાઇટ પરથી બે સિક્યુરિટી ગાર્ડે સામાન ચોરી કરી મોપેડ પર જતી વેળા પોલીસે પકડી પાડતા રક્ષક જ ભક્ષક બન્યા જેવી કહેવત સાચી જોવા મળી હતી. પારડી પોલીસે રેલવે સ્ટેશન નજીક એક્સેસ મોપેડ નં.જીજે-15 -ડીસી-9508 ને અટકાવી બે મોપેડ સવારની પૂછપરછ કર્યા બાદ થેલામાંથી ૧૮ નંગ પિત્તળનો સામાન મળી આવ્યો હતો. બન્નેએ પોલીસને ગોળગોળ જવાબ આપ્યા બાદ સામાન ચોરીનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે માલસામાન અને મોપેડ જપ્ત બે આરોપી અનિકેત તુકારામ (રહે. હરિયા અતુલ, વલસાડ) અને સુરેશ જગુ હળપતિ (રહે. પારડી પોણિયા)ની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓ એલ એન્ડટી કન્ટ્રક્શન કંપનીમાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. બન્ને સાઇટ પરથી માલસામાનની ચોરી કરી વેચવા નીકળ્યા હતા. પોલીસે કંપનીના મેનેજરને જાણ કરતા કંપનીના એચઆર પ્રેમ પ્રશાંત મિથેલેશકુમાર સિંહે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બંને સિક્યુરિટી ગાર્ડે કિંમતી પિત્તળની ધાતુ સિંગલ અને ડબલ સસ્પેન્સ, થ્રિ પુલી સેટ નંગ 2, ક્લેમ્પ, ફાઈલ પુલી સહીત અન્ય સામાન મળી કુલ પાર્ટ 18 નંગ જેની કુલ કિં.રૂ.56 હજાર અને બાઈક મળી કુલ રૂ.86,808 નો મુદ્દામાલ ચોરી લઇ જતા પોલીસે કબ્જે કર્યો હતો.