બેંગ્લોર: આજે રિલિઝ થયેલી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ હવે રાજકારણનો વિષય બની ગઈ છે. આજે કર્ણાટકના બેલ્લારીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં આ ફિલ્મનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું.
આજે બેલ્લારી (Ballari)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બીજેપીની એક જનસભાને સંબોધિત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાર ફરી બજરંગ દળ પર પ્રતિબંધ લાદવાની સાથે જ ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) ફિલ્મનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાનો સાધ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘આતંકવાદી ષડયંત્ર પર બનેલી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. કહેવાય છે કે ધ કેરલા સ્ટોરી માત્ર એક રાજ્યમાં થયેલા આતંકવાદી ષડયંત્રો પર આધારિત છે. દેશનું આટલું સુંદર રાજ્ય, જ્યાંના લોકો આટલા મહેનતી અને પ્રતિભાશાળી હોય છે, તે કેરળમાં ચાલી રહેલી આતંકવાદી ષડયંત્રોનો ખુલાસો આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. બોમ્બ-બંદૂક અને પિસ્તોલની અવાજ તો સંભળાય છે પણ સમાજને અંદરથી ખરાબ કરતી આતંકવાદી ષડયંત્રનો કોઈ અવાજ હોતો નથી. કોર્ટે પણ આતંકવાદના આ સ્વરૂપ પર ચિંતા વ્યક્ત કરી છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશનું દુર્ભાગ્ય તો જુઓ કોંગ્રેસ આજે સમાજનો વિધ્વંસ કરતી આ આતંકવાદી પ્રવૃત્તિની સાથે ઊભી રહી છે. આટલું જ નહીં, આવી આતંકવાદી પ્રવૃત્તિ કરનાર સાથે કોંગ્રેસ પાછળના દરવાજાથી રાજકીય સોદાબાજી પણ કરી રહી છે. કર્ણાટકના લોકોને આ જ કારણે સાવધાન રહેવાની જરૂર છે.
આ લોકો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે હું કોંગ્રેસને આવું કરતાં જોઉં છું તો મને આશ્ચર્ય થાય છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કર્ણાટકને દેશનું નંબર-1 રાજ્ય બનાવવા માટે કાયદા વ્યવસ્થાની સૌથી વધુ જરૂર છે. કર્ણાટકને આતંકવાદથી મુક્ત રહેવું એટલું જ જરૂરી છે. ભાજપાએ હંમેશા આતંકવાદના વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે પણ જ્યારે આતંકવાદના વિરૂદ્ધ કાર્યવાહી થાય છે. કોંગ્રેસના પેટમાં દુ:ખાવો થવા લાગે છે.
આજે રિલીઝ થઈ ‘ધ કેરળા સ્ટોરી’
‘ધ કેરલા સ્ટોરી’ આજે દેશભરમાં રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મને લઈને અનેક પાર્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ ફિલ્મને બેન કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે કોર્ટે સુનાવણી કરી ન હતી. કોર્ટે અરજીકર્તાઓને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું હતું. કેરળ હાઈકોર્ટે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની રિલીઝ પર બેન કરવાની અરજીને ફગાવી દીધી હતી. આટલું જ નહીં કોર્ટે કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ વિશેષ ધર્મ, સંગઠનના વિરૂદ્ધ કંઈ પણ આપત્તિજનક નથી.