મુંબઈ: NCPના પ્રમુખ શરદ પવારે મંગળવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે તેઓ એનસીપીનું અધ્યક્ષ પદ છોડી દેશે. શરદ પવારે પોતાની આત્મકથાના વિમોચન પ્રસંગે આ જાહેરાત કરી હતી. બીજી તરફ પવારના રાજીનામાની જાહેરાત બાદ કાર્યક્રમમાં હાજર કાર્યકરો ભાવુક થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા અને ધરણા પર બેસી ગયા હતા.
ત્યાર બાદ અજિત પવાર કાર્યકરોને મળ્યા હતા અને વિનંતી કરી હતી કે બધા કાર્યકરો ઘરે પાછા ફરે . તેમણે હડતાલ સમાપ્ત કરવા વિનંતી કરી હતી. અજિત પવારે કાર્યકર્તાઓને કહ્યું કે અમે બધા આજે શરદ પવારને મળ્યા અને તેમને કાર્યકરોની માંગણીઓ પર વિચાર કરવા વિનંતી કરી હતી. અજિતના જણાવ્યા અનુસાર આ બેઠકમાં શરદ પવારે રાજીનામું આપવાના નિર્ણય પર વિચાર કરવા માટે 2-3 દિવસનો સમય માંગ્યો છે.
કાર્યકરોએ કહ્યું કે અમે ફક્ત 2 દિવસ રાહ જોઈશું અને જો રાજીનામું પરત નહીં લેવામાં આવે તો અમે ધરણા પર પાછા ફરીશું. અજિત પવારે કહ્યું કે હું એમ ન કહી શકું કે રાજીનામું બે દિવસમાં પરત મળી જશે. કાર્યકર્તાઓ અને નેતાઓ તેમને પદ પર ચાલુ રાખવા માટે અપીલ કરી રહ્યા છે.
82 વર્ષીય મરાઠા સત્રપ શરદ પવારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે NCPમાં ભાગલાના સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલ હતા કે શરદ પવારના ભત્રીજા અજિત પવાર એનસીપીના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ સરકારમાં સામેલ થઈ શકે છે.
શરદ પવાર 24 વર્ષથી NCPના અધ્યક્ષ છે
1999માં NCPની રચના બાદ શરદ પવાર અધ્યક્ષ બન્યા હતા. આજે એ વાતને 24 વર્ષ થઈ ગયા. પવારે પોતાની આત્મકથાના પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું કે, 1 મે, 1960થી શરૂ થયેલી જાહેર જીવનની આ યાત્રા છેલ્લા 63 વર્ષથી અવિરતપણે ચાલુ છે. આ દરમિયાન મેં મહારાષ્ટ્ર અને દેશમાં અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે. પવારે કહ્યું, મારો રાજ્યસભાનો કાર્યકાળ ત્રણ વર્ષનો બાકી છે. આ દરમિયાન હું કોઈપણ પદ લીધા વિના મહારાષ્ટ્ર અને દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપીશ.