SURAT

ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા સુરતમાં 25 વર્ષના યુવકનું મોત

સુરત: સચીન વિસ્તારમાં સુડા સેક્ટર- 1માં રહેતો 25 વર્ષનો યુવક રાત્રે ઊંઘ્યા બાદ સવારે ઉઠ્યો જ ન હતો. ડોક્ટરને બતાવતા તેને મૃત જાહેર કરાયો હતો. પોસ્ટ મોર્ટમમાં ખબર પડી કે હાર્ટ એટેક (Heart Attack) આવવાથી તેનું મોત નિપજ્યું હતું.

પોલીસ અને નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનસુાર સચીન વિસ્તારમાં આવેલ સુડા સેક્ટર-1માં રહેતા વિજય રામાનંદ શર્મા( 25 વર્ષ) સ્થાનિક સચીનની એક મિલમાં નોકરી કરે છે. મૂળ બિહારના મધુવની જિલ્લાના ખમેલી ગામના વતની વિજય શર્માનું નજીકનું કોઈ સગું અહીં રહેતું નથી. રાત્રે વિજય સુઈ ગયો હતો. સવારે ઉઠ્યો ન હતો. તેની સાથે રહેનારા તેના રૂમ પાર્ટનરોએ ડોક્ટરને બતાવતા તેને મૃત જાહેર કર્યો હતો. સચીન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમમાં જણાયું કે હાર્ટ એટેક આવવાથી વિજય શર્માનું મોત નિપજ્યું હતું.

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક હદે વધારો થયો છે. દુ:ખની વાત એ છે કે હાર્ટ એટેકના લીધે યુવાનોના મોત થઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલાં રાજકોટમાં ફોઈના દીકરાના લગ્નમાં નાચ્યા બાદ એક યુવાનનું મોત થયું હતું. તે પહેલાં  દૂધ સાગર ડેરીના ટેમ્પોના અબ્દુલ બેલીમ નામના ડ્રાઈવરને ચાલુ ગાડીએ છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેમનું હાર્ટ એટેકથી દુ:ખદ મોત થયું હતું. આ પહેલાં  રાજકોટમાં 19 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. સુરતમાં પણ 42 વર્ષના આધેડને રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો. જેની ઘટના CCTV માં કેદ થઈ હતી. પૂણેમાં પણ એક 21 વર્ષિય યુવાનને ક્રિકેટ રમીને આવ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો.

Most Popular

To Top