SURAT

માથે 2 કરોડનું દેવું ધરાવતો વેડરોડનો જાણીતો જ્વેલર્સ ગાયબ થઈ જતા લેણદારો દોડતા થયા

સુરત: વેડ રોડનો જાણીતો જ્વેલર્સ (Jewelers) દુકાનને તાળાં મારીને ચાલ્યો જતાં ચોક બજાર પોલીસ (Police) દોડતી થઇ ગઇ છે. તેમાં ચોક પોલીસે જણાવ્યું કે, ધનમોરા કોમ્પ્લેક્સ, વેડ રોડ પાસે પ્રશાંત જ્વેલર્સ (Prashant Jewelers) આવેલી છે. આ દુકાનના માલિક પ્રવીણ સોની હાલમાં તેમની માતાનું અવસાન થતાં દુકાન બંધ કરી હતી.

  • પ્રશાંત જ્વેલર્સનો માલિક ગુમ થઈ ગયો
  • પોલીસ કહે છે અઢી કિલો ગોલ્ડ વેપારીઓને પરત આપવાનું હતું
  • પ્રશાંત સોનીનો ફોન બંધ આવતાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યુ

દરમિયાન પંદર દિવસ બાદ ગુરુવારે બપોરે દુકાન ખોલી હતી. બાદ ફરીથી દુકાન બંધ કરી દીધી હતી. પ્રશાંતભાઇએ તેમના પરિવારજનોને દુકાનમાં માલ આપવા માટે જાઉં છું તેમ કહ્યું હતું. બાદ તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જ્યારે ચોક પોલીસે તપાસ કરતાં શહેરના વિવિધ જ્વેલર્સોને અઢી કિલો સોનું પ્રવીણભાઇએ આપવાનું રહેતું હતું.

આથી આ લોકો દ્વારા તેઓ પાસે સતત ઉઘરાણી કરવામાં આવી હતી. ચાર વાગ્યે જ્વેલર્સ પ્રશાંત સોની ગુમ થઇ ગયા પછી પરિવારજનો દ્વારા દુકાનમાંથી માલ ગાયબ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ચેક કરતાં દસ ટકા માલ જ દુકાનમાં ઓછો હોવાની વિગત જાણવા મળી છે. જ્યારે બાકીનો સામાન સ્થળ પર જોવા મળ્યો છે. પીઆઇ અસુરિયાએ જણાવ્યું કે, હાલમાં તેઓ સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છે. ત્યારબાદ તેઓને શું ઘટના ઘટી છે તે ખબર પડશે.

સોના-ચાંદીના ભાવ ઓલટાઈમ હાઈ સપાટીએ: જ્વેલર્સનો 70 ટકા વેપાર ઠપ્પ
સુરત: સોના અને ચાંદીના ભાવો ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી જતાં જવેલર્સનો 70% વેપાર ઠપ થઈ ગયો છે. સોનુ 10 ગ્રામે 24 કેરેટ રૂ. 64,000 અને પ્રતિ કિલો ચાંદીનો ભાવ રૂ. 79,000ની સપાટીએ પહોંચતા લગ્નસરાની સીઝનની ઘરાકીને વ્યાપક અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધ લાંબુ ચાલવા સાથે યુરોપિયન દેશોમાં મંદીનો માહોલ ઊભો થતાં ડાયમંડ, જવેલરીનાં એક્સપોર્ટને પહેલેથી જ વ્યાપક અસર થઈ છે. મંદીમાં સોના ચાંદીના ભાવો વધતાં હોવાથી મે-જૂન માસની ટૂંકી લગ્નસરા માટે હજી ખરીદી નીકળી નથી. મધ્યમ વર્ગના પરિવારો ભાવ તૂટશે એવી આશાએ રાહ જોઈ રહ્યાં છે.

રિટેલ, એક્સપોર્ટ, નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, ડાયમંડ-ગોલ્ડ જવેલરી બધાં જ સેક્ટરમાં મંદી છવાઈ છે. મેરેજ સિઝનની ઘરાકી માંડ 30% થઈ ગઈ છે. અક્ષય તૃતીયાનાં શુભ દિવસે સુરતમાં સોનાનો ભાવ 62,200 અને ચાંદીનો ભાવ 76,900 રૂપિયા હતો, જેને લીધે ગત વર્ષ કરતાં વોલ્યુમમાં વેપાર 30 ટકા ઓછો રહ્યો હતો.

ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશનનાં ગુજરાત રિજયનના ડિરેક્ટર નૈનેશ પચ્ચિગરે જણાવ્યું હતું કે, વધતી મોંઘવારી અને સોના-ચાંદીના વધેલા ભાવને લઈને મધ્યમ વર્ગની ચિંતા વધી છે. વધેલા ભાવની ઇફેક્ટ ચોક્કસ જોવા મળી રહી છે અને માંડ 30% વેપાર રહી ગયો છે. સોનાનો ભાવ હજી 22થી 25% વધવાનાં અનુમાનનો રિપોર્ટ જાહેર થયો છે.

લગ્નસરાની સિઝનમાં જે ઘરમાં લગ્ન પ્રસંગ છે, ત્યાં દીકરીઓ માટે ખરીદીને લીધે માર્કેટ ટક્યું છે. કેટલાક જવેલર્સને ત્યાં સવારથી સાંજ સુધી કોઈ ખરીદી ન થઈ રહી હોવાની વર્ષો પછી ઘટના બની રહી છે. ડાયમંડ, જવેલરી સેક્ટરને થયેલી અસર રિટેલ બિઝનેસ સુધી પહોંચી છે. દિવાળી સુધી સોનાનો ભાવ 10 ગ્રામના 70,000 થવાની અને ચાંદી 90,000 સુધી પહોંચવાની ચર્ચાઓ ચાલી રહી છે.

Most Popular

To Top