National

સરહદ પારથી ફેલાવાતા આતંકવાદને સહન નહીં કરીએ, SCO બેઠકમાં બિલાવલ સામે એસ. જયશંકરની સાફ વાત

પણજી: ભારતના (India) વિદેશ મંત્રી (Foreign Minister) ડૉ એસ જયશંકરે (Dr. S. Jayshankar) શુક્રવારે પણજીમાં SCO કાઉન્સિલ ઑફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકને સંબોધિત કરી હતી. ડો. એસ. જયશંકરે SCO સમિટમાં આતંકવાદનો (Terrorisam) મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પાકિસ્તાન (Pakistan) , ચીન (China) સહિત તમામ SCO સભ્ય દેશોની સામે સ્પષ્ટ કર્યું કે ભારત સરહદ પારથી આતંકવાદને સહન કરશે નહીં. તેમણે કહ્યું કે આપણે બધાએ સાથે મળીને આતંકવાદ સામે લડવું પડશે. હજુ પણ આતંકવાદને હરાવી શકાયો નથી. આતંકવાદ સામે લડવું એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

આ બેઠકને સંબોધતા ભારતના વિદેશ મંત્રી એસ. જ્યશંકરે કહ્યું કે, SCOના અધ્યક્ષ તરીકે અમે (ભારતે) SCO નિરીક્ષકો અને સંવાદ ભાગીદારો સાથે તમને (પાકિસ્તાનને) 14 થી વધુ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા આમંત્રણ આપીને અભૂતપૂર્વ જોડાણની શરૂઆત કરી છે.

જયશંકરે વધુમાં કહ્યું કે, આતંકવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમારું દ્રઢપણે માનવું છે કે આતંકવાદ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં બંધ થવો જોઈએ, જેમાં સરહદ પારના આતંકવાદનો પણ સમાવેશ થાય છે. આતંકવાદનો સામનો કરવો એ SCOના મુખ્ય આદેશોમાંનો એક છે.

જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું, જ્યારે વિશ્વ કોવિડ સામે લડી રહ્યું હતું, ત્યારે સરહદ પારના આતંકવાદ સહિત આતંકવાદનો ખતરો અવિરત ચાલુ રહ્યો હતો. અગાઉ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણજીમાં વિદેશ મંત્રીઓને મળ્યા હતા. વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું હતું . SCO કાઉન્સિલની બેઠક માટે રશિયા, ભારત, ચીન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના મંત્રીઓ ગોવાના પણજી ખાતે ભેગા થયા છે.

ચીન-રશિયા સાથે ભારતની દ્વિપક્ષીય વાતચીત
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ SCOની બાજુમાં ગોવામાં ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ભારત તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે SCO સમિટ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થશે નહીં. તે જ સમયે, પાકિસ્તાન તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે ભુટ્ટોની મુલાકાત દરમિયાન બિલાવલ ભારતના વિદેશ પ્રધાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે નહીં.

જોકે, બિલાવલ ભુટ્ટો (Bilaval Bhutto) SCOની બહાર ચીન અને રશિયાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી શકે છે. બિલાવલ ગોવામાં ભારતીય મીડિયાની સામે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તે ચીનનો જાપ કરી શકે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી 12 વર્ષ બાદ ભારતના પ્રવાસે છે
SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ ગોવા આવ્યા છે.12 વર્ષમાં પાકિસ્તાનના વિદેશ મંત્રીની આ પહેલી મુલાકાત છે. આ પહેલા હિના રબ્બાની જુલાઈ 2011માં શાંતિ મંત્રણા માટે ભારતની મુલાકાતે આવી હતી. બિલાવલ ભુટ્ટોએ તેમની મુલાકાત પહેલા એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, મારી ભારત મુલાકાત એ સંદેશ આપે છે કે પાકિસ્તાન SCOને કેટલું મહત્વ આપે છે.

SCO શું છે?
SCO ની સ્થાપના 15 જૂન 2001ના રોજ થઈ હતી. સભ્ય દેશો વચ્ચે આર્થિક, રાજકીય અને લશ્કરી સહયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી. સંગઠનના સભ્યોમાં રશિયા, ભારત, ચીન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. દર વર્ષે SCOની બેઠક યોજાય છે. હાલમાં ભારત SCO ના અધ્યક્ષ છે.

Most Popular

To Top