National

જંતરમંતર પર મધરાત્રે હંગામો, પોલીસે નશામાં કુસ્તીબાજોને માર્યા હોવાનો આક્ષેપ

નવી દિલ્હી: જંતર-મંતર પર કુસ્તીબાજોની ચાલી રહેલી હડતાળમાં બુધવારે રાત્રે ભારે હોબાળો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને કેટલાક પોલીસકર્મીઓ વચ્ચે કથિત રીતે ઝપાઝપી થઈ હતી. એટલું જ નહીં પોલીસકર્મીઓએ દારૂના નશામાં મારપીટ કરી હોવાનો આરોપ કુસ્તીબાજોએ લગાવ્યો છે. આ ઝપાઝપીમાં કેટલાક પ્રદર્શનકારીઓને માથામાં ઈજાઓ પણ થઈ હતી.

બુધવારે રાત્રે બનેલી ઘટના બાદ વિનેશ ફોગાટે જાહેરાત કરી છે કે કુસ્તીબાજો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીતેલા તમામ મેડલ પરત કરશે. હકીકતમાં, 23 એપ્રિલથી જંતર-મંતર પર કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે અને તેની ધરપકડની માંગ કરી રહ્યા છે.

આ ઝપાઝપી રાત્રે 11 વાગ્યે જંતર-મંતર પર થઈ હતી. તેની પાછળનું મુખ્ય કારણ ફોલ્ડિંગ બેડ હતું. વાસ્તવમાં, વરસાદને કારણે ગાદલા ભીના થઈ ગયા હતા, તેથી ફોલ્ડિંગ પથારી ધરણાં સ્થળ પર લાવવામાં આવી રહી હતી. જ્યારે પોલીસકર્મીઓએ તેમને રોક્યા તો આ આખો હંગામો શરૂ થયો હતો. રેસલર્સના કહેવા પ્રમાણે, પોલીસકર્મીઓએ તેમની સાથે ગેરવર્તણૂક કરી અને મહિલા રેસલરો સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી. મીડિયા સાથે વાત કરતા વિનેશ ફોગટ રડી પડી, તેણે કહ્યું, જો તેઓ અમને મારવા માંગતા હોય તો અમને મારી નાખો.

  • વિનેશ ફોગાટે જાહેરાત કરી હતી કે કુસ્તીબાજો તેમના તમામ મેડલ પરત કરશે.
  • કુસ્તીબાજોએ ખેડૂત સંગઠનોને વિરોધ સ્થળ પર પહોંચવાની અપીલ કરી છે.
  • દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલ હડતાળ પર ઉતરેલા કુસ્તીબાજોને મળવા પહોંચી હતી.
  • આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું છે કે તેઓ કુસ્તીબાજોના સમર્થનમાં પંચાયત યોજશે.

જ્યાં પોલીસનો દાવો છે કે AAP નેતા સોમનાથ ભારતી તેમના સમર્થકો સાથે પલંગ લઈને પહોંચ્યા હતા. તો ત્યાં જ બજરંગ પુનિયાએ દાવો કર્યો કે અમે બેડનો ઓર્ડર આપ્યો હતો. અમે તેને અંદર લાવતા હતા. જ્યારે મારામારી થઈ ત્યારે AAP નેતા સોમનાથ ભારતી ત્યાં ન હતા.

બીજી તરફ પોલીસ પર આરોપ લગાવતા પૂર્વ રેસલર રાજવીરે કહ્યું કે, વરસાદને કારણે અમારા ગાદલા ભીના થઈ ગયા હતા, તેથી અમે સૂવા માટે ફોલ્ડિંગ બેડ લાવી રહ્યા હતા, પરંતુ પોલીસે તેની મંજૂરી આપી ન હતી. નશામાં ધૂત પોલીસકર્મી ધર્મેન્દ્રએ વિનેશ ફોગાટ સાથે દુર્વ્યવહાર કર્યો અને અમારી સાથે મારપીટ કરી. તેઓએ અમને મારવાનું શરૂ કર્યું. બજરંગ પુનિયાના સાળા દુષ્યંત અને રાહુલને માથામાં ઈજા થઈ છે. પોલીસે તબીબોને સ્થળ પર પહોંચવા દીધા ન હતા. મહિલા કોન્સ્ટેબલ પણ અમારી સાથે ગેરવર્તન કરી રહી હતી.

વિનેશ ફોગાટે કહ્યું કે, પોલીસકર્મીઓએ મારી સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ કરી. આ સમયગાળા દરમિયાન ત્યાં કોઈ મહિલા પોલીસકર્મી પણ ન હતી. પુનિયાની પત્ની સંગીતા ફોગાટે દાવો કર્યો હતો કે પોલીસકર્મીઓએ તેની સાથે છેડછાડ કરી હતી.

બજરંગ પુનિયાએ ખેડૂતો અને તેમના નેતાઓને વિરોધ સ્થળ પર પહોંચવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, દિલ્હી પોલીસની ગુંડાગીરી હવે નહીં ચાલે. અમે ખેડૂતોને અહીં મોટી સંખ્યામાં ભેગા થવા બોલાવીશું. ટ્રેક્ટર હોય કે ટ્રોલી, ગમે તે મળે, બસ અહીં આવો. અમે હવે આ સહન નહીં કરીએ.

વિનેશ ફોગાટે પોલીસ કમિશનરને પત્ર લખ્યો
મહિલા રેસલર વિનેશ ફોગાટે દિલ્હીના પોલીસ કમિશનરને ફરિયાદ પત્ર લખીને પોલીસકર્મીઓ પર ખૂની હુમલાનો આરોપ લગાવ્યો છે. વિનેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વરિષ્ઠ ACP ધર્મેન્દ્રએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને જંતર-મંતર ખાલી કરવાની ધમકી પણ આપી હતી. વિનેશે સિનિયર એસીપી ધર્મેન્દ્ર પર પોતાની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ પણ લગાવ્યો છે અને પોલીસ કમિશનરને તમામ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ડેપ્યુટી કમિશનર પ્રણવ તયાલે કહ્યું કે, AAP નેતા સોમનાથ ભારતી ફોલ્ડિંગ બેડ લઈને પહોંચ્યા હતા. સોમનાથ ભારતીએ આ માટે પરવાનગી લીધી ન હતી. જેથી દિલ્હી પોલીસે તેને રોક્યો હતો. પોલીસકર્મીઓ દ્વારા રોકવામાં આવ્યા બાદ ત્યાં હાજર સોમનાથ ભારતીના સમર્થકો ઉશ્કેરાઈ ગયા અને ટ્રકમાંથી પથારી બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. તેણે જણાવ્યું કે આ પછી નજીવી તકરાર થઈ હતી જેના પછી ભારતી અને અન્ય બેડને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

એક પોલીસકર્મીએ કહ્યું, કેટલાક લોકોએ વિરોધ સ્થળ પર ફોલ્ડિંગ બેડ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસકર્મીઓએ તેમને પૂછ્યું તો તેઓ આક્રમક બની ગયા અને વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પણ તેમની સાથે જોડાયા હતા. તેઓએ ખોટી રીતે એક પોલીસકર્મીને રોક્યો અને તેના પર નશામાં હોવાનો આરોપ લગાવ્યો. ખરેખર એવું નહોતું. પોલીસ તૈનાત કરવામાં આવી છે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે. કોઈ પ્રદર્શનકારીઓ પર હુમલો થયો નથી.

AAP શું કહે છે?
જંતર-મંતર ખાતે મધરાતે બનેલી ઘટના બાદ રાજકારણ તેજ બન્યું છે. દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ રાત્રે જ જંતર-મંતર પહોંચ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે કોઈને પણ વિરોધ સ્થળ પર પહોંચવા દીધા ન હતા. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જંતર-મંતર પર બનેલી ઘટનાને લઈને કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સરકારે મહિલા કુસ્તીબાજો સાથે યોગ્ય નથી કર્યું. તેમણે કહ્યું કે શું આપણી બહેન-દીકરીઓ કાદવમાં સૂઈ જશે? શું તેમની પાસે ફોલ્ડિંગ બેડ પણ નહીં હોય? સૌરભ ભારદ્વાજે કહ્યું કે ભાજપનું અભિમાન ટૂંક સમયમાં તૂટી જશે.

Most Popular

To Top