નવી દિલ્હી: ભારતીય મૂળના અને માસ્ટરકાર્ડના પૂર્વ સીઈઓ અજયપાલસિંહ બંગા હવે વર્લ્ડ બેંકના પાંચ વર્ષ માટે પ્રમુખ બનશે. બંગાની અગાઉ સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં વર્લ્ડ બેંકના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. બંગાની પસંદગી અંગે વર્લ્ડ બેંક દ્વારા નિવેદન જારી કરાયું હતું કે, વિશ્વ બેંક બંગા સાથે કામ કરવા માટે ખૂબ આતુર છે. તેઓ 2 જૂનથી પોતાનું પદ સંભાળશે. આ સ્થાન પર પસંદગી પામનારમાં અજય બંગા પ્રથમ મૂળ ભારતીય વ્યકિતત્વ ધરાવે છે. હાલમાં વર્લ્ડ બેંકના જે પ્રમુખ છે તે ડેવિડ મલપાસ 189 દેશમાં ગરીબી ઓછી કરવા માટેનું કામ કરી રહ્યા છે. તેઓ જૂન-2023માં પોતાના પદ ઉપરથી રાજીનામુ આપશે. જેને પગલે બંગા તેમનું સ્થાન લેશે. અજય બંગાને વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
જાણો કોણ છે અજય બંગા
અજયપાલ બંગાનો જન્મ 10 નવેમ્બર 1959માં મહારાષ્ટ્રના પૂણેમાં થયો હતો. તેઓના પિતા હરભજન બંગા સેનામાં લેફટનન્ટ જનરલ હતા. બંગાનો પરિવાર મૂળ જલંધરનો છે. બંગાના અભ્યાસની વાત કરીએ તો તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક અને IIM અમદાવાદમાંથી MBA કર્યું છે. 2012માં પ્રખ્યાત મેગેઝિન ફોર્ચ્યુને બંગાને ‘પાવરફુલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ-2012’ તરીકે પસંદ કર્યા હતા. તેઓ હિન્દુસ્તાન યુનિલિવરના ભૂતપૂર્વ ચેરમેન માનવવિંદર સિંહ બંગાના ભાઈ છે. MBA પૂર્ણ કર્યા પછી તેઓ 1981માં નેસ્લે ઇન્ડિયામાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાયા અને 13 વર્ષમાં મેનેજરનું પદ પ્રાપ્ત કર્યું. ભારતમાં પિઝાહાટ અને કેએફસી લાવવામાં તેમનું મહત્વનું યોગદાન છે.
બાંગાને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન છે. તેમની પાસે 30 વર્ષથી વધુનો વ્યાવસાયિક અનુભવ છે. તેમણે માસ્ટરકાર્ડ અને અમેરિકન રેડ ક્રોસ, ક્રાફ્ટ ફૂડ્સ અને ડાઉ ઇન્કના બોર્ડમાં સેવા આપી છે. વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નામાંકિત થનાર તેઓ ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે.