અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અલ્પસંખ્યક વિભાગની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ (BJP) સરકારની અન્યાય કરતી નીતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કોંગ્રેસ ભાજપ સરકારની જન વિરોધી નીતિ સામે રાજ્યવ્યાપી જન આંદોલન કરશે. આજે અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના (Congress) કો-ઓર્ડિનેટર કે. રાજુના માર્ગદર્શન હેઠળ મહત્વની બેઠક બેઠકમાં ત્રણ મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
ઠરાવ ૧) રાયપુર મહાઅધિવેશનમાં કૉંગ્રેસ પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, અલ્પસંખ્યક સમાજ અને મહિલાઓ ને સંગઠનમાં ૫૦ ટકા અનામત આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે. આજે આ પ્રસંગે અમે બધાં આ નિર્ણય લેવા બદલ આપણા સૌના લોકલાડીલા કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ્ગેનો અને ભારત જોડો યાત્રાના રાહુલ ગાંધી તેમજ કૉંગ્રેસ પક્ષના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
ઠરાવ ૨) ગુજરાતમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી અને માઈનોરીટી સમાજ બહુમતી વસ્તીમાં છે. પણ વસ્તીના પ્રમાણમાં બજેટ અને રાજકીય પ્રતિનિધિત્વ મળી રહ્યું નથી. આ સમાજનો આર્થિક સામાજિક વિકાસ થાય અને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેના માટે જાતિ આધારીત વસ્તી ગણતરી થવી બહુ જ જરૂરી છે. ગુજરાત અને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસર થી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે એવી અમે માંગણી કરીએ છે.
ઠરાવ ૩) વર્તમાન સમયમાં દરેક સમાજનાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાનમાં સંસાધનો મહત્ત્વનો ભાગ ભજવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અલ્પસંખ્યક સમાજને તેમની જનસંખ્યાનાં પ્રમાણમાં બજેટ ફાળવતી નથી. અમે આ ઠરાવનાં માધ્યમથી રાજ્ય સરકાર પાસે બજેટ અને તમામ સંસાધનોમાં જનસંખ્યાનાં પ્રમાણમાં બજેટ ફાળવણી ની માંગણી કરીએ છીએ અને તેનાં માટે તાલુકા સ્તરથી રાજ્ય સ્તર સુધી આંદોલનો પણ કરીશું.