IPLની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli) અને ગૌતમ ગંભીર (Gautam Gambhir) વચ્ચેનો ઝઘડો સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે ત્યારે બંને વચ્ચેની મિત્રતાનો (Frindship) વર્ષ 2009નો કિસ્સો પણ હવે સૌથી વધુ ચર્ચા જગાવી રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં એવું કાંઈક બન્યું હતું કે જેણે દર્શકોના મન જીતી લીધા હતા. ગૌતમ ગંભીરે પોતાના સાથી ખેલાડી વિરાટ કોહલીને પોતાના એવોર્ડ આપી દીધો હતો.
ગંભીર અને કોહલી બંને દિલ્હીના છે. ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ ઘણી મેચો સાથે રમી છે. અને સાથે રમવા દરમ્યાન તેમની વચ્ચે ઘણી વાર વિવાદ પણ સર્જાયા છે. એવું કહી શકાય કે ગંભીર-કોહલી જ્યારે પણ એકબીજાનો સામનો કરે છે ત્યારે વિવાદ સર્જાય છે. જોકે એક મેચ એવી પણ હતી જ્યારે બંને વચ્ચે મેદાન પર સર્જાયેલા વિવાદ બાદ ગૌતમ ગંભીરે લીધેલું એક મોટું પગલું દર્શકોનું મન જીતી ગયું હતું. વાત 24 ડિસેમ્બર 2009ના દિવસે રમાયેલ ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચની છે. ઈડન ગાર્ડન ખાતે આ બંને ટીમો વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં ભારતને 315 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતનો સ્કોર એક સમયે બે વિકેટે 23 રન હતો. ત્યારબાદ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ પીચ પર વર્ચસ્વ જમાવ્યું હતું અને ભાગીદારીમાં 224 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 11 બોલ બાકી હતા ત્યારે સાત વિકેટે જીત મેળવી હતી.
આ મેચમાં ખાસ વાત એ રહી હતી કે ગૌતમ ગંભીરે ઉતકૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. તે 14 ચોગ્ગાની મદદથી 150 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા. કહેવાય છે કે વિરાટ કોહલીની આ પ્રથમ વન-ડે સદી હતી. પરંતુ ગંભીરના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે મેચના અંતે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. બસ આ જ એ ક્ષણ હતી જ્યારે ગંભીરની દિલદારીના દર્શન થયા હતા.
ગંભીરને જ્યારે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો ત્યારે તેણે કહ્યું હતું કે મારાથી વધારે આ એવોર્ડનો હકદાર વિરાટ કોહલી છે. કારણકે તેણે પોતાની પહેલી વન-ડે સદી ફટકારી છે. જેથી હું આ મેન ઓફ ધ મેચ વિરાટને આપવા માગુ છું. ગૌતમ ગંભીરે તે સમયે વિરાટને બોલાવીને એવોર્ડ આપ્યો હતો. એટલું જ નહીં મેદાન પર થયેલા વિવાદને અવગણતા ગંભીરે જણાવ્યું હતું કે વિરાટ એક સકારાત્મક ખેલાડી છે. તે ઝડપથી રન કરે છે. તેણે મને મેદાન પર ટકી રહેવાની તક આપી હતી. અને મેચમાં મેં સદી ફટકારીને ટીમની જીતમાં ફાળો આપ્યો. તેણે કહ્યું હતું કે અહીં ઇડન ગાર્ડનમાં અમારી સદીની ઉજવણી કરવાનો આનંદ અનોખો છે.