Dakshin Gujarat

દર ચાર દિવસે ઉકાઈ ડેમમાં આવું થઈ રહ્યું હોય તંત્ર ચિંતામાં મુકાયું

સુરતઃ (Surat) ઉનાળાનો (Summer) ધોમધખતો તડકો પડે તે મે મહિનો શરૂ થાય તે પહેલા જ દક્ષિણ ગુજરાતની (South Gujarat) જીવાદોરી સમાન ગણાતો ઉકાઇ ડેમ (Ukai Dam) 48 ટકા ખાલી થઇ ગયો છે. મે મહિનાના અંત સુધીમાં ઉકાઇ ડેમની જળસપાટી ઘટીને 314 ફૂટ થઇ જશે. જો આ વર્ષે ચોમાસું (Monsoon) નબળું રહ્યું તો આવતા વર્ષે પાણીની તંગી ઊભી થવાની શક્યતા છે. ડેમની જળ સપાટીમાં દર ચાર દિવસે એક ફૂટનો ઘટાડો થઇ રહ્યો છે, જે ચિંતાજનક છે.

ઉકાઈ ડેમ ગયા વર્ષે પાણીથી છલોછલ થઇ હતો. ઉપરવાસમાં અને ડેમના કેચમેન્ટમાં જેટલો વરસાદ પડ્યો અને ડેમ છલોછલ થયો એટલું જ પાણી દરિયામાં વહી ગયું હતું. તંત્રના આયોજનના અભાવે ડેમ બે વખત ભરાય એટલું પાણી છોડવાની નોબત આવી હતી. પરંતુ આ વર્ષે ચોમાસું નબળું રહે તેવી શક્યતા છે.

ડેમની સપાટી તા. 28 એપ્રિલના રોજ 321.59 ફૂટ હતી એટલે કે ડેમમાં 3,897.04 એમસીએમ પાણી છે. જે તેની કુલ સંગ્રહના 52 ટકા છે. ડેમ મે મહિનો બાકી છે ત્યારે 48 ટકા ખાલી થયો છે. જો ચોમાસું નબળું રહેશે તો આવતા વર્ષે પાણીની સ્થિતિ ખરાબ થઈ શકે છે. કારણ કે ઉકાઈ ડેમમાં 3,000 એમસીએમ પાણી તો દર વર્ષે ખેતી માટે વપરાય છે. અને અત્યારે જેટલો સંગ્રહ છે એટલું પાણી આવતા વર્ષે ખેતી માટે જો વપરાશે તો પીવા માટે અને ઉદ્યોગો માટે પાણીનો મોટો પ્રશ્ન ઉભો થશે.

જો આવુ થયું તો ખેતી અને ઉદ્યોગો માટે પાણીનો કાપ મુકવો પડશે
ઉકાઈ ડેમની કુલ સ્ટોરેજ ક્ષમતા 7414 એમસીએમ છે. અને અત્યારે ડેમમાં 3,897.04 એમસીએમ પાણી છે. એટલે કે કુલ ક્ષમતાનું માત્ર 52 ટકા પાણી ડેમમાં છે. સમગ્ર વર્ષ દરમિયાન ઉકાઈ ડેમમાંથી 3000 એમસીએમ પાણી તો માત્ર ખેતી માટે વપરાય છે. આ સિવાયનું પાણી પીવા અને ઉદ્યોગોના વપરાશમાં લેવાઇ છે.

હવે ડેમ જ્યારે ૫૨ ટકા જેટલો જ ભરેલો છે અને જો વરસાદ ઓછો પડે તો આવતા વર્ષે આટલું પાણી તો ખેતી માટે જ વપરાઈ જશે. તો પીવા અને ઉદ્યોગો માટે પાણીનો મોટો કાપ મૂકવો પડશે. અને જો પીવા માટે પાણી પૂરતું આપવામાં આવે તો ખેતી અને ઉદ્યોગો માટે પાણીનો કાપ મુકવો પણ પડશે.

ચોમાસું નબળું રહે તેવી શક્યતા
આઈએમડી દ્વારા ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. કારણ કે છેલ્લા દોઢ મહિનાથી એક પછી એક અનેક માવઠા દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યોમાં જોવા મળ્યા છે. આ માવઠાને કારણે ચોમાસાની સિસ્ટમ ઉપર તેની અસર થવાની શક્યતા રહી છે. કારણ કે દરિયામાં જેટલો ભેજ હતો. તે આ માવઠાએ ખેંચી લેતા હવે ચોમાસામાં નવી સિસ્ટમ નબળી બની શકે છે.

સેન્ટ્રલ વોટર કમિશન સાથે સંકલન બેઠક યોજાશે
દર વર્ષે ચોમાસુ શરૂ થાય તે પહેલા સિંચાઈ વિભાગ અને સેન્ટ્રલ વોટર કમિશન સહિતના સંબંધિત વિભાગોની એક બેઠક થાય છે. આગામી બે અઠવાડિયા બાદ આ બેઠક યોજાશે. જેમાં ઉકાઈ ડેમના ગેટ ઓઇલિંગ કરવા નવા ગેજ સ્ટેશનો બનાવવા કે નહીં તથા ડેમની હાલની પરિસ્થિતિ મુજબ જો વરસાદ વધતો ઓછો થાય તો ડેમને કઈ રીતે મેઇન્ટેઇન કરવો તે અંગે મિટિંગ થતી હોય છે. તેમજ ઉકાઇ ડેમમાં જે રાજ્યમાંથી પાણી છોડવામાં આવે છે તે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકારના સિંચાઇ વિભાગ સાથે સંકલન કરવામાં આવે છે.

ઉકાઇ ડેમમાં પાણીની આવક જાવક અંગે અપર કેચમેન્ટ એરિયામાંથી વિગતો મોકલવામાં આવે છે. આ માટે આગામી મહિને સંકલન બેઠક યોજાશે. ત્યારબાદ નવા ગેજ સ્ટેશન સહિત વરસાદના પાણીના ડેટા કલેકશન માટે પણ સિસ્ટમ ડેવલપ કરાશે.

Most Popular

To Top