Charchapatra

સ્વર, સૂર અને શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે સમર્પિત ચાર પેઢીની અનોખી પરંપરા

આમ તો છેલ્લા કેટલાક સમયથી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો ઓછા થાય છે.અને એનુ એક કારણ એ પણ ખરૂં કે આ કળા ‘કલાસ’ માટે છે ‘માસ’ માટે નથી. પરિણામે એનો ચાહક અને ભાવક વર્ગ ઓછો જ રહેવાનો.આમ છતાં એનો વ્યાપ ધીમે ધીમે વધી શકે છે.સંગીત એ ઈશ્વર તરફ દોરી જનારી એક માત્ર કળા છે.અને એની તાલીમ પરિશ્રમ અને ધીરજ માગી લે છે. કઈંક અંશે એ વારસાગત પણ ઉતરી આવે છે. પણ આજના લગભગ ઘોંઘાટિયા સંગીત વચ્ચે શાસ્ત્રીય ગાયન અને વાદન ક્ષેત્રે ચાર ચાર પેઢીની પરંપરા જળવાઈ રહે એવું તો કદાચ ગુજરાતના સૂરતમા જ જોવા મળે.

પંડિત મહાદેવ શર્મા શાસ્ત્રીથી શરૂ થયેલી અને શાસ્ત્રીય રાગ રાગિણીના ,સંગીતના વિવિધ સ્વરૂપોમા વટવૃક્ષની શાખાની જેમ વિસ્તરિત આ પરંપરા ત્રીજી ચોથી પેઢી સુધી પહોંચે એનાથી રૂડી વાત સુરતના સંગીત જગતમાં બીજી કઈ હોઈ શકે ? શહેરની અડધો ડઝન સંસ્થાઓના સહયોગથી ગત પખવાડિયે જીવન ભારતી હોલમા યોજાઈ ગયેલ આ કાર્યક્રમના બીજા પાસાંઓની સમીક્ષા કર્ટનકોલમા આ દૈનિકમા જ થઈ ગઈ છે.એટલે પુનરૂકતિ ટાળું છું.પરંતુ આજીવન સંગીત ઉપાસક ,ઘર દિવડા ડો.ઋષિકુમાર શાસ્ત્રી અને સંગીતાચાર્ય ડો. સુનિલ મોદીનુ સન્માન એવા જ સંગીત વિદુષી , વારાણસીમા સંગીત કોલેજમાં પ્રાધ્યાપકની લાબી સેવા આપ્યા બાદ સૂરતમાં સ્થાયી થયેલ ડો.અર્ચના દીક્ષિતના શુભ હસ્તે થયું એની નોંધ લેવી ઘટે.
સુરત     – પ્રભાકર ધોળકિયા- – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અધિકારી હોય તો આવા
તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારી મામલતદારશ્રી હતા. એમની ઓફિસમાં એક સામાન્ય જણાતી વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. મામલતદારશ્રીએ પેલી સ્ત્રીને પૂછયું બોલો, શું કામ છે? તે સ્ત્રીએ કહ્યું, રેશનના કાર્ડ લેવા આવી છું. મામલતદારશ્રીએ પૂછયું, જરૂરી કાગળો લાવ્યા છો? પેલી સ્રીએ તેની પાસે જે કાગળો હતા તે આપ્યા. એમાં જે ખૂબ જરૂરી  અરજીપત્રક ન હતું. મામલતદારશ્રીએ પોતે જ પોતાને અરજી લખી એમના એક કર્મચારીએ કહ્યું, સાહેબ, બહાર અરજી લખી આપનાર માણસ છે. તેમની પાસે એને મોકલવી જોઈતી હતી. સાહેબે કહ્યું, એની હાલત જોતાં તમને લાગે છે કે એની પાસે અરજી લખનારને ફી આપી શકાય. એટલા પૈસા હશે?

એ સમયે ચૂંટણીનું કામકાજ ચાલતું હતું તેમ છતાં મામલતદારશ્રીએ એમના એક કર્મચારીને રેશનકાર્ડ બનાવી આપવાનું કામ સોંપ્યું. વૃદ્ધાનો કાર્ડ બની ગયો. ત્યાર બાદ સાહેબે વૃદ્ધાને પૂછયું, તમે ઘરે કેવી રીતે જશો? વૃદ્ધાએ કહ્યું, ચાલતી આવી હતી અને ચાલતી જ જઈશ. સાહેબે પોતાના ખિસ્સામાંથી રીક્ષાનું ભાડું ચુકવવા પૈસા કાઢયા અને પોતાના કર્મચારીને કહ્યું, જાઓ માજીને રીક્ષામાં બેસાડી આવો. આ જોતાં આપણાથી કહેવાઈ જાય કે અધિકારીઓ હોય તો આવા. સેવાભાવી માણસોની આજે જરૂર છે. સત્તા સેવા કરવા માટે છે નહીં કે સત્તાનો કેફ બતાવવા કે રૂઆબ છાંટવા, સત્તા સાથે શાણપણ હોવું જરૂરી છે. માનવતા જરૂરી છે. આવા સેવાભાવી માણસોને સૌ હંમેશા આદરથી યાદ કરે છે. લોકો એને ખરા દિલથી યાદ કરે અને સાથે આશીર્વાદ પણ આપે છે.
નવસારી           – મહેશ નાયક – – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top