Vadodara

MSUના 800 થી વધુ હંગામી કર્મચારીઓદ્વારા હેડ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીમાં કામ કરતા 800થી વધુ હંગામી કર્મચારીઓ આજે હેડ ઓફિસ ખાતે ધરણાં ઉપર ઉતરી ગયા હતા. અને રામધૂન બોલાવી કાયમી કરવાની અને પગાર વધારાની માગ કરી હતી. જો તેઓની માગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હંગામી કર્મચારી યુનિયન દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર 20 વર્ષ કરતાં વધારે સમયથી હંગામી કર્મચારીઓને કાયમી નથી કર્યા.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓ દ્વારા ઓગસ્ટ-2022માં એક આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય માગણી તમામ હંગામી કર્મચારીઓને સિનિયોરિટી પ્રમાણે કાયમી કરવામાં આવે અને જ્યાં સુધી કાયમી કરવાની પ્રક્રિયા ચાલે ત્યાં સુધી ફિક્સ કર્મચારીઓનો પગાર ગુજરાત સરકારના નિયમ મુજબ વર્ગ-3ને 19,500 અને વર્ગ- 4ને 16,500 છે, તે આપવામાં આવે. આંદોલન સમયે યુનિવર્સિટીના રજિસ્ટારે તમામ મુદ્દા સ્વીકારીને મૌખિક બાંયધરી આપી હતી. જેથી તેમની મૌખિક બાંયધરી સ્વીકારી આંદોલન સમેટ્યું હતું.

આ સાથે રજિસ્ટારને જાણ કરી હતી કે, જો તમે આપેલી મૌખિક બાંયધરીનું પાલન નહીં કરો તો આ આંદોલન ફરીથી ચાલુ કરીશું. હાલ છેલ્લા 8 મહિના વીતી ગયા કોઈ હજુ સુધી કાયમી થયું નથી અને જે પગાર વધારાની માગણી હતી, તે પણ પૂરેપૂરો પગાર નથી મળ્યો અને તેમાં પણ 24% પીએફ કાપવામાં આવે છે, જે ખૂબ જ ખોટું છે . રજિસ્ટ્રારે બાંયધરીનો ભંગ કર્યો છે.

800થી વધારે કર્મચારીઓની લાગણી દુભાઇ છે એટલે અમે અમારા હક માટે આંદોલન શરૂ કરીએ છીએ અને આજથી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન અમે રામધૂન કરીને હેડ આફિસથી શરૂ કર્યું છે અને આજે ધરણાં કર્યાં છે અને આગામી દિવસોમાં અચોક્ક્સ મુદતની હડતાલ તરફ આગળ વધીશું. આવનાર દિવસોમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી કોલેજોમાં પરીક્ષા અંગેની તમામ કાર્યવાહી અને જવાબદારીનો બહિષ્કાર કરીશું અને આ આંદોલનમાં વધુમાં વધુ કર્મચારીઓ જોડાશે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

તાત્કાલિક કાયમી કરવા એ યુનિવર્સિટીના નિયમમાં આવતું નથી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ટેમ્પરરી નોન ટીચિંગ કર્મચારીઓ આજે એકત્રિત થયા છે. જો કે, ગત અઠવાડિયે તેઓ દ્વારા યુનિવર્સિટીને એક પત્ર પાઠવવામાં આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે, કાયમી કરવાની ત્વરિત કાર્યવાહી કરવામાં આવે. સરકારના ધારાધોરણો યુનિવર્સિટીને લાગુ પડે છે, તેમની ચિંતા વ્યાજબી છે, પરંતુ તેમને તાત્કાલિક કાયમી કરવા એ યુનિવર્સિટીના નિયમમાં આવતું નથી. કોઈપણ પોસ્ટ પર નવી ભરતી હોય તેના નિયમો હોય છે. આ વાતથી તમામ કર્મચારીઓ અને સંગઠન માહિતગાર જ છે.
કે. એમ. ચુડાસમા, મ.સ.યુનિ.

હંગામી કર્મચારીઓ કઈ માંગણીઓને લઈને લડત આપી રહ્યા છે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના તમામ 800 હંગામી કર્મચારીઓને સિનિયોરિટી પ્રમાણે તાત્કાલિક કાયમી કરવાનો આદેશપત્ર આપવામાં આવે. સરકારી ભરતી તથા વિવિધ શૈક્ષણિક સંસ્થા દ્વારા આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવી રહી છે, તેનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગની પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ ન થાય તેના માટે માગણી કરીએ છે અને જો થશે તો કર્મચારીઓના હિતમાં હડતાલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમણે ‘સમાન કામ સમાન વેતન’ (Equal Work Equal Pay) સહુ હંગામી કર્મચારીઓને કાયમી કર્મચારી જેટલા જ પગારધોરણ​​ આપવામાં આવે. હંગામી કર્મચારીઓના રિટાયરમેન્ટ પછી તેઓને જે કંઈપણ રિટાયરમેન્ટ બેનિફિટ કાયદા પ્રમાણે મળવાપાત્ર હોય તે ચૂકવવામાં આવે.

Most Popular

To Top