Madhya Gujarat

ધર્મજના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સસ્પેન્ડ કરાયાં

પેટલાદ : ચરોતરના પેરિસ એવા ધર્મજ ગામને ભ્રષ્ટાચારનો લુણો લાગ્યો છે. ગ્રામ પંચાયતના માટી કૌભાંડમાં અગાઉ તલાટી સામે કાર્યવાહી બાદ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને પણ સસ્પેન્ડ કર્યાં છે. આ ઉપરાંત વિદેશ જતા રહેલા ડેપ્યુટી સરપંચ સામે પણ ગેરવર્તણૂંકની ફરિયાદોના પગલે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આમ ટુંકા ગાળામાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી સસ્પેન્ડ થતાં ગ્રામ પંચાયતમાં ચકચાર મચી ગઈ છે.

ચરોતરના પેરિસ અને પેટલાદ તાલુકાના સમૃદ્ધ ગામ ધર્મજના સરપંચ ભાવનાબેન પટેલ અને ડે.સરપંચ બિરજુભાઈ પટેલને તેઓના હોદ્દા ઉપરથી જીલ્લા વિકાસ અધિકારીએ દૂર કર્યાનો હુકમ કર્યો છે. આ હુકમમાં જણાવ્યું હતું કે, ધર્મજ ગ્રામ પંચાયતની 9મી સપ્ટેમ્બર, 2022ના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં કામ નં.12 હેઠળ ગામમાંથી નીકળતા ઘનકચરાનો નિકાલ કરવા ડમ્પીંગ સાઈટ બનાવવાનું હતું. જેની પાછળ રૂપિયા દોઢ લાખ મંજૂર કરતો ઠરાવ નં.35 કર્યો હતો. બાદમાં ગામના સૂરજ બા પાર્ક પાસે ખાડો ખોદી માટી પુરાણ કરી લેવલીંગ કરવામાં આવ્યું હતું.

પરંતુ આ કામ પેટે દોઢ લાખના બદલે રૂ.23.53 લાખનો જંગી ખર્ચ કરી ચુકવણું કરી નાંખ્યું હતું. જે બાબત તપાસ દરમ્યાન બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. ઠરાવ કરતાં વધુ ખર્ચ સ્વભંડોળમાંથી કરી દેતા અને બજેટમાં કોઈ જ જોગવાઈ નહીં કરતા નાણાંકીય ગેરરિતી આચરાઈ હોવાનું તાલુકા વિકાસ અધિકારીની સામે આવ્યું હતું. જેને કારણે ગત દિવસોમાં તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં જીલ્લા વિકાસ અધિકારીએ હુકમમાં જણાવ્યું છે કે, તેઓને મળેલી સત્તાઓ અને ફરજો બજાવવામાં કસૂરવાર જણાતા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 (1) હેઠળ ભાવનાબેન પટેલને સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યાં હતાં.
પેટલાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા રજુ કરવામાં આહેવાલ અને તેઓની સામે ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને સ્ટાફ સાથે મનફાવે અસભ્ય વર્તન બદલ ઉપસરપંચ બિરજુભાઈ ફરસુભાઈ પટેલ સામે પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 4થી નવેમ્બર,22થી ગુનો નોંધવામાં આવ્યો છે. જે અવલોકમાં લેતા બિરજુભાઈ પટેલ ઉપસરપંચની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તણૂંક, શરમજનક વર્તણૂંક બદલ ગુજરાત પંચાયત અધિનિયમ -1993ની કલમ 57 (1) હેઠળ ઉપસરપંચના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી સરપંચ બિરજુભાઈ પટેલ સામે પોલીસ કેસ હોવા છતાં તેઓ વિદેશ કેવી રીતે ગયાં ? તેમ મંજુરી કેવી રીતે ? તે પ્રશ્નો પણ ધર્મજ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે તો બીજા કૌભાંડ ખુલે તેવી શક્યતા છે.
રાજ્યના ગામડાંઓને ધર્મજ મોડલ પર વિકાસ કરવાની સલાહ અપાતી હતી
ચરોતરનું પેરિસ એવા ધર્મજ ગામમાં અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવ્યાં હતાં. આ વિકાસ કામો માઇલ સ્ટોન બરાબર ગણાય છે. એક સમયે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન ધર્મજ મોડલ પર રાજ્યના ગામડાંના વિકાસની વાત આગળ કરી હતી. જોકે, સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી દ્વારા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો લુણો લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે વિદેશમાં વસતા ધર્મજના વતનીઓ પણ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

Most Popular

To Top