ખેડા: ખેડામાં ગૌચર તેમજ પોલીસ ફાયરીંગ બેટ માટે નીમ કરેલી જગ્યામાંથી આર.આર એન્ટરપ્રાઈઝ નામની એજન્સીએ કુલ 7227 મેટ્રીક ટન માટીનું ગેરકાયદેસર રીતે ખનન કર્યુ હતું. જે બદલ ખાણ-ખનીજ વિભાગની ટીમે આર.આર એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને રૂ.41.80 લાખનો દંડ ફટકાર્યો છે. ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહીને પગલે ખનન માફીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ખેડા નગરપાલિકા વિસ્તારમાં આવેલ મલકણીયા વહેરાને સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ઉંડો કરવાનું કામ આર.આર એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને સોંપવામાં આવ્યું હતું. જેથી આર.આર એન્ટરપ્રાઈઝની ટીમ ખોદકામ માટેનું હિટાચી મશીન તેમજ માટી ભરવા માટેના ડમ્ફરો લઈને સ્થળ પર પહોંચી હતી.
જોકે, તે વખતે વહેરામાં વીસેક ફુટ જેટલું પાણી હોવાથી ખોદકામ શક્ય ન હતું. જેથી આર.આર એન્ટરપ્રાઈઝ દ્વારા વહેરો ઉંડો કરવાનું કામ પડતું મુક્યું હતું અને તેને બદલે વહેરાની ઉત્તર અને પશ્ચિમ બાજુમાં આવેલ સર્વે નં 415-અ વાળી ગૌચર માટે નીમ કરાયેલી જમીન તેમજ 415-બ વાળી પોલીસ ફાયરીંગ બેટ માટે નીમ કરાયેલી જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી, માટી કાઢવાનું શરૂ કરી દીધું હતું.
આ અંગેની જાણ તંત્રને થતાં, પોલીસ, ખાણ-ખનીજ વિભાગ, મામલતદાર અને નગરપાલિકાની ટીમે દશેક દિવસ અગાઉ દરોડો પાડ્યો પાડી, સ્થળ પરથી બે હિટાચી મશીન, માટી ભરેલાં 12 ડમ્ફર અને 1 ખાલી ડમ્ફર મળી રૂપિયા 3.20 કરોડ કિંમતના 15 વાહનો જપ્ત કર્યા હતાં. આ અંગેની તપાસમાં આર.આર.એજન્સીએ કુલ 7227 મેટ્રીક ટન માટીનું ગેરકાયદેસર રીતે ખનન કર્યુ હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે ખાણ-ખનીજ વિભાગે આર.આર.એજન્સીને રૂ.41.80 લાખનો દંડ ફટકાર્યો છે અને આ દંડની રકમ જો સાત દિવસમાં ભરવામાં નહીં આવે તો પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી છે.
ફાયરીંગ બટની જગ્યા પણ ન છોડી
ખેડા જિલ્લામાં બેફામ બનેલાં ખનન માફિયાઓ દ્વારા સરકારી જમીનોમાં મોટાપાયે ખોદકામ કરી, માટીની ચોરી કરવામાં આવી રહી છે. ખનન માફિયાઓ દ્વારા અત્યાર સુધી સરકાર હસ્તકની ખરાબાની જમીનો તેમજ ગૌચરની જમીનોમાં જ ગેરકાયદેસર રીતે ખોદકામ કરી, માટીની ચોરી કરવામાં આવતી હતી. જોકે, હદ વટાવી ચુકેલાં ખનન માફિયાઓએ હવે સરકાર દ્વારા પોલીસ ફાયરીંગ બેટ માટે નીમ કરેલી જગ્યામાં પણ ગેરકાયદેસર રીતે માટીખનન કરવાની હિંમત કરી હતી.
અનેક ગામની ગૌચરનો ખો બોલાવી દીધો
ખેડા જિલ્લામાં ગેરકાયદે માટી ખનન એ નવી બાબત નથી. ખાસ કરીને ખેડા તાલુકાની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અહીં દરેક ગામની ભાગોળમાં ઇંટના ભઠ્ઠા ધમધમી રહ્યાં છે. આ ભઠ્ઠાઓએ ખેતર માલીક પાસેથી લીઝ પર લીધેલી જગ્યામાં માટી પુરી થતાં ગૌચર અને સરકારી પડતર જમીન પર ડોળો માંડ્યો છે. તેઓ મોટા પાયે ડમ્પરોના ડમ્પરો ભરીને માટી ઉલેચી રહ્યા છે. આમ છતાં પોલીસ વિભાગ કે વહીવટી વિભાગ કોઇ પગલાં ભરતું નથી. જેના કારણે આ ગેરકાયદેસર માટી ખનન કરતાં તત્વોની હિંમત વધી છે. તેઓ સરકારી તિજોરીને નુકશાન કરશે. પરંતુ તેનાથી મોટું નુકશાન પર્યાવરણને કરી રહ્યાં છે. માટી ઉલેચવાના કારણે ગૌચર કે સરકારી પડતરમાં રહેલા વૃક્ષો સુકાઇ રહ્યાં છે. આ ઉપરાંત ખેતીને પણ ભારે નુકશાન થઇ રહ્યું છે.