Columns

દેશમાં ઇ-સ્કૂટરો અને ઇ-રિક્ષાઓની સવારીઓ આવી પહોંચી છે: અવાજ કર્યા વગર

ભારતમાં સર્વત્ર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું વાહન દ્વિચક્રી મોટર સાઈકલ, બાઇક કે સ્કૂટર છે. આથી ભારતમાં લોકોને એ જાણીને ખાસ વધુ નવાઇ લાગશે કે જગતભરનાં વાહનોમાં દ્વિચક્રી અથવા ટુ-વ્હીલર વાહનોની સંખ્યા સૌથી વધુ નથી પરંતુ 4 પૈંડાંનાં વાહનો સૌથી વધુ છે. જગતભરમાં 70 કરોડ મોટર સાઈકલો છે તેની સામે લગભગ એક અબજ જેટલી મોટર ગાડીઓ છે. મોટર સાઈકલો કરતાં 30 કરોડ વધારે મોટરકારો છે પરંતુ ભારતમાં લગભગ 21 કરોડ મોટર સાઈકલો છે. આટલી મોટી સંખ્યામાં મોટર સાઈકલો ધરાવતો ભારત પ્રથમ ક્રમાંકે છે. તેની સામે ભારતમાં 7 કરોડ 4 પૈંડાનાં વાહન છે. મજાની વાત એ છે કે ભારતમાં 3 પૈંડાંના વાહનોની સંખ્યા વધુ છે પરંતુ આ બધાં વાહનો વસતિના પ્રમાણ સામે પહોંચી વળે એટલાં નથી. ભારત પછી ચીન, ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં ટુ વ્હીલરોનું પ્રમાણ ક્રમ પ્રમાણે વધુ છે.

યુરોપ-અમેરિકા વગેરેમાં ટુ વ્હીલરનું પ્રમાણ મોટું નથી. ભારતની વસતિ 143 કરોડ છે અને તેમાં 7 કરોડ નવીજૂની 4 પૈડાની મોટરગાડીઓ છે. અમેરિકાની વસતિ 33 કરોડની આસપાસ છે અને ફોર વ્હીલરોની સંખ્યા 30 કરોડથી વધુ છે. સ્વાભાવિકપણે જ ભારત હજી ઘણું પાછળ છે. બંને દેશોની પ્રજામાં માથાદીઠ આવકના પ્રમાણમાં ખૂબ મોટો ફરક છે. ભારતના લોકો ટ્રાન્સપોર્ટ માટે એવી સસ્તી ટેકનોલોજી ઇજાજ કરતા રહે અને તે માટે ટેકનોલોજીની બાબતમાં ઘણા સમાધાનો શોધી કાઢે. ઘણી વખત ટેકનોલોજી અસલામત હોય તો ભલે હોય પણ ચાલવું જોઇએ. આ પ્રકારના એટિટયુડમાં, ભલે કુલ વાહનોની સંખ્યા ખૂબ ઓછી હોય પણ રસ્તાઓ પર અકસ્માતોમાં વરસે દોઢ લાખ લોકો ભરખાઇ જાય છે. આ એક અલગ વાત થઇ, છતાં ભારતનો તેમાં પ્રથમ ક્રમાંક આવે છે.

જે સસ્તી પડે અને અમુક અગવડતાઓ અનુભવવી પડે તે અનુભવીને પણ ભારતના લોકો સસ્તી ચીજો પ્રથમ અપનાવે. ગેસથી ચાલતી ગાડીઓ પણ ભારતમાં સૌથી વધુ હશે. તેઓનું ચાલે તો મર્સિડિઝમાં પણ સિલિન્ડર ફીટ કરાવે. તેમાંય હવે ઇલેકટ્રીક મોટરગાડીઓનો, સ્કૂટરોનો પ્રમાણમાં થોડો સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થઇ રહ્યો છે તેથી ભારતમાં તેનું ઉત્પાદન અને વેચાણ વધ્યા છે. અમેરિકામાં તમને મોટરગાડીઓ અને લોરીઓની ડિઝાઇનોમાં વિવિધતા જોવા મળે. ભારતમાં તો વાહનોના પ્રકારમાં વધુ જોવા મળે. હમણાં સૌરાષ્ટ્રમાં જવાનું થયું અને અતુલ કંપનીની રિક્ષામાં બેસવાનો વખત આવ્યો ત્યારે અસહ્ય અવાજ કરતું બળદગાડું જોઇ લો. તેમાં વળી ચાલકને ઊંચા અવાજે ટેપ વગાડવા જોઇએ.

ભારતનાં વાહનોની નંબરપ્લેટોમાં પણ વિવિધતા છે જેનાથી કદાચ સામાન્ય જન (વાહન ન ધરાવતા હોય તે) અજાણ હશે. જે ખાનગી વાહનો હોય તેઓની નંબરપ્લેટ પર સફેદ બેકગ્રાઉન્ડ અર્થાત પ્લેટ પર કાળા રંગમાં નંબરો લખેલા હોય. વેપારી અર્થાત કોમર્શિયલ વાહનોની નંબર પ્લેટો પીળી હોય અને તેના પર કાળા રંગમાં નંબરો અક્ષરો લખ્યા હોય. ભાડે આપવાનાં વાહનોનાં નંબર કાળી પ્લેટ પર પીળા અક્ષરમાં લખ્યા હોય. એટલે ભાડાની સામાન્ય રંગની ટેકસીસમાં કોઇના ઘરે પહોંચ્યા પછી શેખી ન મારવી કે આ મારી પોતાની ગાડી છે.

યજમાન કે મિત્ર જાણકાર હોય તો પોલ જાણી જાય. એ સિવાય ભારતમાં જે રાજદ્વારી કર્મચારીઓ, ઓફિસરો વસતા હોય તેઓના વાહન પરની લાઇસન્સ પ્લેટ પર સફેદ અને બ્લ્યુ રંગમાં નંબરો લખેલાં હોય છે પરંતુ આજકાલ ભારતમાં નંબરપ્લેટની એક ચોથી કલર સ્કીમ ખૂબ પ્રચલિત થતી જોવા મળી રહી છે તે છે લીલા રંગની પ્લેટ અને તેના પર સફેદ રંગથી નંબરો લખેલા હોય છે. આ રંગની નંબર પ્લેટો ઇલેકટ્રીક વાહનો માટે અબાધિત રખાઇ છે કારણ કે તે હવામાં પ્રદૂષણ ફેલાવતી નથી તેથી તેને લીલો (ગ્રીન) રંગ અપાયો છે પરંતુ એમ કહેવું કે ઇલેકટ્રીક વ્હીકલ્સ (EV) પૃથ્વીના પર્યાવરણને બગાડતું નથી તે ખોટી વાત છે. વીજળીના ઉત્પાદનમાં પણ કોલસો, ગેસ વગેરે વપરાય તો તે પર્યાવરણ બગાડે છે. હવામાં કાર્બન ભળે જ છે. છતાં જે સ્થળ પર આ વાહન દોડે ત્યાં હવા પ્રદૂષિત થતી નથી અને અવાજનું પ્રદૂષણ થતું નથી. જો કે તરેહ તરેહના હોર્ન, પિપૂડા, મ્યુઝિક સિસ્ટમથી ઘોંઘાટનું પ્રદૂષણ વધારવાનાં સાધનો આપણા લોકો તેમાં ઉમેરી દેશે તો પણ ઘોંઘાટમાં ઘણી કમી આવશે.

ભારતમાં 2 અને 3 પૈંડાંવાળા વાહનોમાં આ ગ્રીન પ્લેટ હવે સર્વત્ર જોવા મળી રહી છે. ભારતનાં વાહનોમાં 10 % તો 3 પૈંડાંની રિક્ષાઓ છે. ગયા વરસે ભારતમાં જે નવાં વાહનોની નોંધણી થઇ તેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનો સરવાળો મળીને કુલ વાહનોનો 92% થયો હતો. આ વિકાસ અથવા વૃધ્ધિ નજરે ચડે એવી છે. ભારતની એક માર્કેટ રિસર્ચ સંસ્થા ‘કાઉન્ટર પોઇન્ટ’ દ્વારા આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં ઇ રિક્ષાઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. ગયા 2022ના વરસમાં કુલ 6,32000 રિક્ષાઓ વેચાઇ હતી તેમાંની 40% ઇલેકટ્રીક રીક્ષાઓ હતી. સંસ્થાના આંકડા પ્રમાણે આ દશક પૂરો થશે ત્યાં સુધીમાં 95% રીક્ષાઓ ઇ-રીક્ષા અથવા ઇલેકટ્રીસિટીથી ચાલતી હશે.

જો કે ભારત સરકાર અને દુનિયાનું ધ્યેય પણ 2035 સુધીમાં ગેસથી ચાલતાં વાહનોને તિલાંજલિ આપવાનું છે. ભારત તેમાં સરસ રીતે આગળ વધી રહ્યું છે. ઇલેકટ્રીક રિક્ષાઓ અને સ્કૂટરોમાં EVનું પ્રમાણ જે ઝડપથી વધી રહ્યું છે તે માત્રામાં EV ફોર વ્હીલરોનું પ્રમાણ વધી રહ્યું નથી. તેનું મુખ્ય કારણ ચાર્જિંગ સ્ટેશનોનો અભાવ અને ચાર્જિંગની ટેકનોલોજી છે. રિક્ષા, સ્કૂટરો એક સીમિત વિસ્તારમાં ફેરવવાના હોય, કયારેય ચાર્જ કરી શકાય. ફોર વ્હીલરો દૂર લઇ જવાના હોય. ચાર્જિંગની સુવિધા ન હોય તો વાહનને ખેંચીને લઇ જવાની નોબત આવી શકે.

કેટલીક અડચણો દૂર થશે ત્યાર બાદ EV ફોર વ્હીલરોનું વેચાણ વધશે. EV ફોર વ્હીલરો પેટ્રોલ આધારિત વાહનોની સરખામણીમાં ઊંચી કિંમતે મળે છે તે પણ એક કારણ છે. લોકો વિચારે છે કે EV ટેકનોલોજી પરફેકટ થાય ત્યારે EV ખરીદીશું. ત્યાં સુધી પેટ્રોલ વાહન રાખીને જોયું જાય છે. આ કારણથી ગયા વરસે ભારતમાં 38 લાખ નવી મોટરગાડીઓનું વેચાણ થયું તેમાં માત્ર 1.3 %થી થોડી વધારે EV ગાડીઓ હતી. જો કે તેના આગળના વરસ 2021માં માત્ર અડધો ટકો EV ફોર વ્હીલરો વેચાઇ હતી. પરંતુ ગ્રામીણ વિસ્તારો અને નાનાં શહેરોમાં EV ટુ વ્હીલરોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે.

ગુજરાત-સૌરાષ્ટ્રના નાનાં નગરોમાં EV સ્કૂટરોના શો રૂમ અસ્તિત્વમાં આવ્યા છે. સાવરકુંડલામાં હયુન્ડાઇ કારનો શો રૂમ પણ આવી ગયો છે. નાના નગરોમાં પ્રગતિ નજરે ચડી રહી છે. ભારત સરકારે EV ની નિર્માતા કંપનીઓ અને વાપરનારાઓને જે સબસીડીના તેમ જ અન્ય લાભો આપ્યા છે તેનો જાદુ પણ વર્તાઇ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ FAME (ફેમ) નામથી માંગણી આધારિત સ્કીમ લોન્ચ કરી અને દેશના તમામ રાજયોએ ઇલેકટ્રીક વ્હીકલ પર રાહતો આપી તેથી તેના નિર્માણ અને વેચાણમાં તેજી આવી છે. વળી EV સ્કૂટરો એ પ્રકારનાં આવ્યાં છે જેમાં ગ્રામીણ લોકો ઘરે ચાર્જ કરી શકે છે. ગામડામાં પણ પેટ્રોલ પમ્પ સાવ નજીક હોતા નથી. આ EV તેમાં વધુ સુવિધાજનક પુરવાર થાય છે.

સરકારી ઉત્તેજનો અને રાહતોથી પ્રેરાઇને ઓલા અને ઓકીનાવા જેવી નામી કંપનીઓ પણ EV સ્કૂટરોના નિર્માણ વેચાણમાં આગળ આવી છે અને ઉદ્યોગમાં પ્રથમ આવવાનો સારો એવો લાભ તેઓને મળી રહ્યો છે. હજી વધુ નવી નવી કંપનીઓ આવી રહી છે. ભારત સરકારના આયોજન મુજબ વરસ 2030 સુધીમાં EV કારનું વેચાણ 30% પર, કોમર્શિયલ વાહનોનું પ્રમાણ 70% પર તેમજ 2 અને 3 પૈંડાંના વાહનોનું વેચાણ પ્રમાણ 80% સુધી લઇ જવાનો ઇરાદો છે. અમુક અભ્યાસુ સંસ્થાઓ અને નિષ્ણાતોનો દાવો છે કે કદાચ એટલું ઊંચું પ્રમાણ હાંસલ નહીં કરી શકાય તો પણ 50 થી 60% સુધી કુલ EVનું પ્રમાણ લઇ જઇ શકાશે.

માત્ર સરકાર દ્વારા અપાતી રાહતો કે પ્રોત્સાહનોને કારણે EVની લોકપ્રિયતા નહીં વધે.
બેટરી ચાર્જ કરવાની કે બદલવાની ટેકનોલોજી સરળ અને સાર્વત્રિક બનાવવી પડશે. તે થશે તો ઘણી ઝડપી પ્રગતિ સાધી શકાશે. હાલમાં ઇ-રિક્ષાઓમાં જે બેટરી વપરાય છે તે પણ જૂની ટેકનોલોજી આધારિત છે અને કાર્યક્ષમ નથી. પરંતુ નવી અને સુધારેલી ટેકનોલજીથી ભારતને ઘણો ફાયદો થશે. ભારત એની જરૂરિયાતનું 85% તેલ આયાત કરે છે અને ભારત જે સમગ્ર ચીજોની આયાત કરે છે તેમાં 25% રકમ તો ક્રુડ તેલ આયાત કરવામાં વેડફાઇ જાય છે. આ રકમ ભારત બચાવી શકે તો સર્વત્ર સમૃધ્ધિ જ નજરે ચડતી થાય.પ્રદૂષણ ઘટવાથી લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થશે. ભારતમાં ટકાઉ અને અપ્રદૂષણ માધ્યમો દ્વારા વીજળી અને બેટરીના નિર્માણમાં પ્રગતિ થઇ રહી છે. તેનું પ્રમાણ વધશે તેમ તેમ પૃથ્વીનું પર્યાવરણ જાળવવામાં પણ ભારતનું પ્રચંડ યોગદાન ગણાશે.

Most Popular

To Top