વડોદરા: વડોદરા ના સભ્ય સમાજ ને લાલ બત્તી બતાવે તેવો અને ભણેલા ગણેલા લોકોની આંખ ઉઘાડનાર કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક ડોક્ટર દંપતિના સુખી દાંપત્ય જીવનમાં પ્રવેશેલી અપરિણીત ડોક્ટર યુવતીના કારણે ડોક્ટર દંપતીનું દાંપત્ય જીવન ભંગાણના આરે આવી ગયું હતું. સુખી દાંપત્ય જીવનમાં અપરિણીત ડોક્ટર યુવતીના પ્રવેશના કારણે દંપતી વચ્ચે રોજેરોજ ઝઘડાઓ થતાં, જેમાં પરિણીતાને તબીબ પતિના ત્રાસથી આપઘાતનો માર્ગ અપનાવવો પડ્યો હતો. તબીબી દંપતી અને અન્ય અપરિણીત તબીબના આ કિસ્સાએ છાણી વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી છે
આ બનાવની વિગત એવી છે કે, ડો. સૌરભ (નામ બદલ્યું છે) ડો. મિતાલી (નામ બદલ્યું છે) પતિ-પત્ની છે. બંને ખાનગી ક્લિનીક ચલાવે છે. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ તબીબ દંપતિ સૌરભ અને મિતાલી સુખમય દાંપત્ય જીવન પસાર કરી રહ્યા હતા. દરમિયાન ડો. સૌરભના જીવનમાં અપરિણીત ડો.શેફાલી (નામ બદલ્યું છે) આવતા ડોક્ટર દંપતિના સુખી દાંપત્ય જીવનમાં દુઃખના દિવસો શરૂ થઇ ગયા હતા.
અપરિણીત ડોકટર યુવતીનો પ્રવેશ
પતિના અપરિણીત ડો.શેફાલી સાથે આડાસબંધ હોવાની જાણ થતાં જ ડો. મિતાલીના પગ નીચેથી જમીન નીકળી ગઇ હતી. વ્યથિત ડો. મિતાલીએ ડોક્ટર પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પતિ પોતાની ભૂલ સ્વિકારવાને બદલે પત્ની સાથે અમાનવીય વ્યવહાર કર્યો હતો. અને ડો. શેફાલી સાથેના સબંધ તોડશે નહિં તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું. તે દિવસથી ડોક્ટર દંપતીના જીવનમાં ઝઘડાએ ઘર કરી લીધું હતું. લગ્નેતર સબંધને લઇ રોજેરોજ ડોક્ટર દંપતિ વચ્ચે ઝઘડાઓ શરૂ થઇ ગયા હતા. ક્યારેક ઝગડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હતો. ઝઘડામાં પતિ-પત્ની મર્યાદા ભૂલી જતા હતા. અને એકબીજાને અપશબ્દો પણ બોલતા હતા. આમ ડો. શેફાલીના પ્રવેશથી ડો.મિતાલી નાસીપાસ થઇ ગઇ હતી.
રોજબરોજના ઝઘડા અને ડો. સૌરભના અપરિણીત ડો. શેફાલીના સબંધોથી ત્રસ્ત થઇ ગયેલી ડો. મિતાલીને જિંદગી જીવવી મુશ્કેલ જણાતા તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ 181 અભયમને થતાં સયાજીગંજની રેસ્ક્યુ ટીમ ડો. મિતાલીની મદદે પહોંચી ગઇ હતી. અને તેઓ પાસેથી સંપૂર્ણ વિગત મેળવ્યા બાદ ભંગાણના આરે આવી પહોંચેલા દાંપત્ય જીવનને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. અને તેમાં અભયમને સફળતા મળી હતી.
સયાજીગંજ પોલીસ સ્ટેશનની અભયમ ટીમે લગ્ન જીવન બચાવ્યું
મળેલી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાંક સમયથી ડો. સૌરભનું વર્તન ડો. પત્ની મિતાલી સાથે બદલાઇ ગયું હતું. ડો. સૌરભ પત્ની મિતાલીને પત્ની તરીકેનું સુખ પણ આપતો ન હતો. અને નાની નાની બાબતોમાં ઝઘડો કરતા હતા. એકાએક ડો. સૌરભના બદલાયેલા વર્તનથી ડો. મિતાલીને શંકા ગઇ હતી. આથી તેઓએ તપાસ કરતા ખબર પડી કે, પતિને અપરિણીત ડો. શેફાલી સાથે પ્રેમ સબંધ બંધાયો છે.