વિરસદ : બોરસદના એસટી ડેપોના વહીવટી તંત્રને ડિજિટલ વ્યવસ્થા અનુકૂળ ન હોય તેવી ફરિયાદો ઉઠી છે. પાસ ધારકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર બનવું પડ્યું છે. સર્વર પ્રોબ્લેમ અને લાંબી લાઈનોથી ત્રસ્ત મુસાફરો પોતાની સુવિધા અનુસાર ઓનલાઇન સર્વિસ પાસ માટે નોંધણી કરાવી લે છે. પરંતુ ઓનલાઇન નોંધણી બાદ પણ સર્વિસ પાસ માટે નિયમોનું મનધડત અર્થઘટન બતાવી મુસાફરોને પરેશાન કરવામાં આવે છે.. ઓનલાઇન સર્વિસ માટે નોંધણી કેમ કરાવો છો ? એવા પ્રશ્નો પુછવામાં આવતા મુસાફરો માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઇ છે.
બોરસદના એસ.ટી. ડેપો દ્વારા બસ પાસ મામલે મનસ્વીપણે કામગીરી કરવામાં આવતા રોજીંદા કામકાજ અને નોકરી માટે અપ ડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું હોવાનો ગણગણાટ શરૂ થયો છે. બોરસદના એસ.ટી. ડેપોના પાસ કાઉન્ટર પરથી પાસ માટે આવતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને એનકેન પ્રકારે પરેશાન કરવામાં આવતા હોવાથી ભારે રોષની લાગણી ભભૂકી ઊઠી છે. એસટી વિભાગના અધિકારીઓ લાઈનમાં ઊભા રહીને જ પાસ કઢાવવાનો આગ્રહ રાખે છે. બીજી તરફ લાઈનમાં ઉભા રહેવા માટે સમયનો અભાવ હોય તેવા નોકરીયાત વ્યક્તિઓ ઘરે બેઠા ઓનલાઈન સર્વિસ પાસ માટે નોંધણી કરાવી પાસ માટે અને ઓળખકાર્ડ માટે ડેપો ખાતે સંપર્ક કરે ત્યારે અણછાજતું વર્તન કરવામાં આવતું હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું છે.
બોરસદના એસટી બસ ડેપો ખાતે બસ પાસની કામગીરી કરતા કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ મનસ્વીપણે કામગીરી કરવામાં આવી રહી હોવાથી છેલ્લા ઘણા સમયથી રોજીંદી અવર જવર કરતા મુસાફરોને સર્વિસ પાસ મામલે ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. બોરસદ ડેપોના સંચાલન વ્યવસ્થા ખાડે જઈ રહ્યાની બાબતો અવાર નવાર પ્રકાશમાં આવતી હોય છે. બોરસદના બસ રૂટ મામલે વહીવટી તંત્ર દ્વારા છાશવારે ફેરફાર કરી દેવામાં આવતા હોવાનો ગણગણાટ શમતો નથી.તેવા સંજોગોમાં નવો વિવાદ સર્જાયો છે.
બોરસદ ડેપોના પાસ ક્લાર્ક દ્વારા સર્વર પ્રોબ્લેમ હોવાનું જણાવી બસ પાસ માટે આવતા ઘણા બધાને ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ મુસાફરો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. સર્વર પ્રોબ્લેમ અને લાંબી લાઈનોથી ત્રસ્ત મુસાફરો પોતાની સુવિધા અનુસાર ઓનલાઇન સર્વિસ પાસ માટે નોંધણી કરાવી લે છે. પરંતુ ઓનલાઇન નોંધણી બાદ પણ સર્વિસ પાસ માટે નિયમોનું મનધડત અર્થઘટન બતાવી મુસાફરોને પરેશાન કરવામાં આવે છે. ઓનલાઇન સર્વિસ માટે નોંધણી કેમ કરાવો છો એવા પ્રશ્નો પુછવામાં આવે છે. પાસ કેન્દ્રની બારીયેથી જ પાસ કઢાવવાનો આગ્રહ રાખવામાં આવે છે.
બોરસદના ડેપો મેનેજર સાથે ઓનલાઇન પાસ મામલે સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો.સમગ્ર વહીવટી તંત્ર ડીજીટલ ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે બોરસદના એસ ટી બસ ડેપો દ્વારા ડીજીટલ વ્યવસ્થાનો ઉપયોગ કરનાર પ્રત્યે ભેદભાવ ભર્યું વલણ રાખવાની નીતિથી નોકરીયાત વર્ગને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું છે. બોરસદના બસ ડેપો દ્વારા બસ પાસની કામગીરી મામલે અવાર નવાર વિવાદો ઉદભવે છે. ક્યારેક ઘર્ષણ થાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે. જેથી સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા વહેલી તકે બોરસદ ડેપો ખાતે કાર્યરત પાસ કેન્દ્ર બાબત જનહિત માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.