Charchapatra

મેડિકલ કોલેજોમાં ફીની અસમાનતા પર સરકાર વિચારે

ગુજરાત રાજ્યમાં નર્સરીથી લઈને ધોરણ-12 સુધીમાં જેઓ ઊંચી ફી ભરી શકતા નથી તેવા ઓછી આવક ધરાવતાં લોકોનાં બાળકો અભ્યાસ કરવાની શરૂઆત સરકારી શાળામાંથી અને ધનવાન તેમજ ફી ભરી શકવાને સમર્થ હોય તેવાં લોકોનાં બાળકો ખાનગી શાળાઓમાંથી કરે છે. પરિણામ સ્વરૂપ તેવાં લોકોનાં બાળકો સરકારી શાળામાંથી અભ્યાસ કરતાં બાળકોની સરખામણીમાં રીઝલ્ટની ટકાવારીમાં તેઓની આગળ અથવા સમકક્ષ રહેતાં હોય છે. શરૂઆતથી ધનવાન તેમજ ફી ભરી શકવાને સમર્થ હોય તેવાં લોકોનાં બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરીને ધોરણ-12 સુધી અભ્યાસ કરતાં સારી ટકાવારી આવતા સરકારી મેડિકલ કોલેજોમાં કે જ્યાં ખૂબ જ ઓછી ફી અંદાજીત રૂા. 1,60,000/- ની આસપાસ ભરીને સહેલાઈથી એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવે છે.

જ્યારે ઊંચી ફી ભરી શકતાં નથી તેવાં ઓછી આવક ધરાવતાં લોકોનાં બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને ધોરણ-12 સુધી અભ્યાસ કરી સરકારી મેડિકલ કોલેજમાં મામૂલી ટકાવારીના તફાવતને કારણે પ્રવેશ મેળવી શકતાં નથી. આમ ધનવાન તેમજ ફી ભરી શકવાને સમર્થ હોય તેવાં લોકોનાં બાળકોનો રીઝર્વેશનનો ક્વોટા બાદ કરતાં પણ મોટા ભાગની સીટો ઉપર દબદબો રહે છે અને સરકારી મેડિકલ કોલેજોમાં અલગ અલગ કેટેગરી એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. વિગેરેનો મર્યાદિત ક્વોટા ભરાયા બાદ પણ પ્રવેશ ન મળતાં બાકી રહેતાં તમામ કેટેગરીનાં બાળકોએ ખાનગી મેડિકલ કોલેજો, મહાનગરપાલિકા સંચાલિત કોલેજો, જી.એમ.ઈ.આર.એસ. જેવી મેડિકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસની ફી રૂા. 13.50 લાખથી રૂા. 40 લાખ અને તેથી પણ વધુની ફી ચૂકવી પ્રવેશ મેળવવો પડે છે.

જે ફીની રકમ સરકારી મેડિકલ કોલેજોની ફીની સરખામણીમાં 10 ગણી અને તેથી વધુની છે. વાલીઓએ મકાન, ખેતીની જમીન, સોના ચાંદીના દાગીનાઓ વેચીને અથવા બેન્કમાંથી લોન લઈને પોતાના બાળકને અભ્યાસ કરાવવા મૂકવાં પડે છે નહિતર કારકિર્દી ઉપર પૂર્ણવિરામ સરકારી મેડીકલ કોલેજો અને ખાનગી મેડિકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટેની ફીમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. આ વાસ્તવિક હકીકત ધ્યાને લઈ નામદાર ગુજરાત સરકારશ્રીએ ગુજરાત રાજ્યની ખાનગી મેડિકલ કોલેજોમાં વસૂલવામાં આવતી ફીની સરખામણીમાં 25% ઓછી ફીનું ધોરણ સરકારી મેડિકલ કોલેજોમાં રાખવું જોઈએ.

તાજેતરનાં 2023-2024ના બજેટમાં નક્કી કરવામાં આવેલ આવકમર્યાદાના સ્લેબ મુજબ રૂા. 15/- લાખથી વધુ આવક ધરાવતાં સંપન્ન/ધનવાન હોય તેવાં લોકોનાં બાળકો પાસેથી 100% ફી વસૂલવા અને તે સિવાયનાં રૂા. 15/- લાખથી ઓછી આવક ધરાવતાં બાકી રહેતાં તમામ પ્રકારની અનામત કેટેગરીનાં બાળકો માટે ખાનગી મેડિકલ કોલેજોમાં અમલી હોય તેવી ફીના 50% ફી ગુજરાત રાજ્ય સરકાર ચૂકવે અને બાકીનાં 50% ફી જે તે અનામત કેટેગરીનાં બાળકો પાસેથી વસૂલ કરવામાં આવવી જોઈએ.
બારડોલી- હરેશ વી. સાગઠિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top