સુરત: કોવિડ-19 કોરોનાં સંક્રમણનાં બે નાણાંકીય વર્ષ પછી સુરત સહિત રાજ્યની સહકારી બેંકોમાં 15 ટકા સુધીના ગ્રોથ સાથે થાપણો વધતાં બેંકોના ધીરાણમાં પણ 12 થી 14 ટકાનો વધારો નોંધાયો છે.
ગુજરાત અર્બન કો.ઓપ.બેન્ક ફેડરેશનના સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રાઇવેટ અને રાષ્ટ્રીયકૃત બેંકોની તુલનામાં ઓછા વ્યાજ દર અને કોઈ હિડન ચાર્જ કે ફાઇલ ચાર્જની ઝંઝટ ન હોવાને લીધે મધ્યમવર્ગની પહેલી પસંદગી કો.ઓપરેટિવ બેંકો બની રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં હાઉસિંગ,વેહિકલ અને એજ્યુકેશન લોન માટે સહકારી બેંકો પર ગરીબ,નોકરિયાત,નાના વેપારીની નિર્ભરતા વધી છે જેને લીધે કોરોનાકાળનાં બે નાણાંકીય વર્ષ પછી સહકારી બેંકોનું 12 થી 14% ટકા ધિરાણ વધ્યું છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષના આંકડાઓ મુજબ વર્ષ 2020-21માં 8287 કરોડ, 2021-22માં 9408 કરોડ અને 2022-23માં સહકારી બેંકોએ 10870 કરોડનું ધિરાણ કર્યું છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં સુરતની અગ્રણી સહકારી બેંકોનું ધીરાણ (આંકડા કરોડમાં)
//બેન્કનું નામ// // 31-3-2021// //31-3-2022// // 31-3-2023//
- અખંડ આનંદ કો.ઓપરેટીવ બેન્ક 90.04 101.38 133.35
- આદિનાથ કો.ઓપરેટીવ બેન્ક 07.57 10.23 08.68
- એસોસિએસટ કો.ઓપરેટીવ બેન્ક 93.54 103.58 117.20
- પ્રાઈમ કો.ઓપરેટીવ બેન્ક 840.75 1113.92 1233.55
- રાંદેર પિપલ્સ કો.ઓપરેટીવ બેન્ક 25.54 26.10 41.01
- સર્વોદય સહકારી બેન્ક 362.43 403.92 470.77
- સુરત મર્કન્ટાઈલ કો.ઓપરેટીવ બેન્ક 337.83 374.83 389.42
- સુરત નેશનલ કો.ઓપરેટીવ બેન્ક 602.30 646.11 747.59
- સુરત પીપલ્સ કો.ઓપરેટીવ બેન્ક 3341.26 3753.23 4211.07
- સુટેક્ષ કો.ઓપરેટીવ બેન્ક 1313.94 1409.75 1477.92
- વરાછા કો.ઓપરેટીવ બેન્ક 985.19 1162.94 1703.51
- ફાઈનાન્સિયલ કો.ઓપરેટીવ બેન્ક 29.95 39.63 47.03
- પંચશીલ કો.ઓપરેટીવ બેન્ક 42.35 40.35 40.57
- બારડોલી નાગરીક બેન્ક 146.75 154.56 181.30
- કોસંબા મર્કન્ટાઈલ બેન્ક 10.03 08.87 08.14
- માંડવી નાગરીક બેન્ક 57.61 58.66 58.97
- કુલ : 8287 કરોડ 9408 કરોડ 10870 કરોડ
8067 કરોડની થાપણો સામે સુરત ડિસ્ટ્રીકટ બેંકે 3136 કરોડનું ધિરાણ કર્યું
સુરત શહેર,જિલ્લા અને તાપી જિલ્લામાં 111 બ્રાન્ચ,115 એટીએમ અને 13 લાખ ગ્રહકોનું વિશાળ નેટવર્ક ઊભું કરનાર ધી સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપરેટિવ બેંકે નાણાંકીય વર્ષ 2022-23 માં 132 કરોડથી વધુનાં ચોખ્ખા નફા સાથે 8067 કરોડની થાપણો સામે સુરત ડિસ્ટ્રીકટ બેંકે 3136 કરોડનું ધિરાણ કર્યું છે.
ચેરમેન નરેશભાઈ બી.પટેલ અને વાઇસ ચેરમેન સંદીપ જે.દેસાઈનાં નેતૃત્વમાં સુરત અને તાપી જિલ્લામાં 450 જેટલા અંતરિયાળ આદિવાસી ગામો સુધી બેન્કિંગ સુવિધા આપનાર સુરત ડિસ્ટ્રીકટ બેંકે નાણાંકીય વર્ષનાં અંતે 11,203.91 કરોડનું ઐતિહાસિક ટર્ન ઓવર કર્યું છે. બંનેની જોડીએ બેંકમાં શાસનની ધૂરા સાંભળી ત્યારે 5200 કરોડનું ટર્ન ઓવર હતું. જે હવે 11,203.91 કરોડ થયું છે. 4400 કરોડની થાપણો વધીને 8067.45 કરોડ,કુલ ધિરાણ અંદાજીત 1200 કરોડથી વધી 3136.46 કરોડ થયું છે. 67 બ્રાન્ચની સંખ્યા ટૂંકાગાળામાં વધીને 111 થઈ છે.