સુરત: શહેરમાં દબાણ અને ટ્રાફિકની સમસ્યાથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં આ સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. રસ્તા પર જ લારી-ગલ્લા અને પાથરણાવાળાઓના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.
- લોકો ત્રાસી ગયા હોવાથી સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણાના ઘરની બહાર પહોંચી હલ્લો મચાવ્યો હતો અને આ સમસ્યાનો કાયમી હલ લાવવા માંગ કરી હતી
- અશાંતધારાનો કડકાઈથી અમલ કરવા અને દબાણની સમસ્યા દૂર કરવા ઉગ્ર રજૂઆત
હાલ જ મનપાની ટીમ રાજમાર્ગ પરના દબાણો દુર કરવા પહોંચી હતી જ્યાં દબાણકર્તાઓ અને મનપાની ટીમ વચ્ચે ઝપાઝપી થઈ હતી. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મોડી સાંજે મનપાની ટીમે દબાણ દુર કર્યા હતા. પરંતુ તેમ છતાં પરિસ્થિતિ જેમ ની તેમ થઈ જતા હવે લોકો ત્રાસી ગયા હોવાથી સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણાના ઘરની બહાર પહોંચી હલ્લો મચાવ્યો હતો અને આ સમસ્યાનો કાયમી હલ લાવવા માંગ કરી હતી.
સુરત શહેરના રાજમાર્ગ અને કોટ વિસ્તારમાં દબાણ કરનારાઓએ જાણે સમગ્ર વિસ્તાર પર કબજો કરી લીધો હોય તેમ રસ્તા પર જ્યાં ને ત્યાં લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા બેસી જાય છે. મનપાની ટીમ દ્વારા વારંવાર દબાણો હટાવવામાં આવે છે પરંતુ ફરીવાર દબાણો થઈ જતા હોય હવે સ્થાનિક લોકો રોષે ભરાયા છે.
દબાણ અને ટ્રાફિકની સમસ્યાને કારણે વારંવાર આ વિસ્તારમાં રહેતા લોકો અને માથાભારે દબાણ કરનારાઓ વચ્ચે ઘર્ષણ થાય છે. તેમ છતાં શહેરના ચૌટા બજાર, કોટ વિસ્તારની અનેક જગ્યા પર દબાણ દૂર થઈ જ રહ્યાં નથી. જેથી હવે સ્થાનિકો સીધા ધારાસભ્યના ઘરે જ પહોંચી ગયા હતા.
ધારાસભ્યના ઘરે ભેગા થયેલા લોકોએ અશાંતધારાના નિયમોનો ભંગ થઈ રહ્યો છે તેને અટકાવવાની સાથે સાથે કોટ વિસ્તારને દબાણની સમસ્યાથી દુર કરવા માટેની માંગણી કરી હતી. અચાનક જ લોકોના ટોળા ધારાસભ્યના ઘરે પહોંચી જતાં રાજકારણ ગરમાયું હતું. લોકોએ ધારાસભ્યના ઘરે પહોંચી અશાંતધારાનો અમલ કડકાઈથી કરવા તેમજ દબાણ કરનારાઓ સામે પગલા લેવા માંગણી કરી હતી.
ધારાસભ્ય અરવિંદ રાણાએ રજુઆત કરનારાઓને શાંતિથી સાંભળી આ સમસ્યાનો નિવેડો આવશે તેવી ખાતરી આપતા લોકો શાંત થયા હતા. પરંતુ ધારાસભ્યની આ ખાતરીથી આ સમસ્યાનો હલ આવશે કે કેમ તે જોવું રહ્યું!!