Comments

ભાજપ નાગરિક સંગઠનને પણ ગાંઠતો નથી

આ મહિનાના પૂર્વાર્ધમાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો સામનો કરી રહેલા રાજકીય પક્ષોમાં ત્રણ ડઝન સ્વયંસેવક સંગઠનોએ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો. આ ‘સિવિલ સોસાયટી ફોરમ’માં દલિતો, સ્ત્રીઓ અને ઝૂંપડાંવાસીઓના હક માટે કામ કરતાં જૂથો, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા માટે સક્રિય જૂથો, ભારતના બંધારણની કલમમાં 73 અને 74ના સુધારાના પૂરા અમલ સાથે સત્તાના વિકેન્દ્રીકરણ માટે દબાણ કરતાં જૂથો વગેરેનો સમાવેશ થાય છે. તેમનો વીસ પાનાનો ચૂંટણી ઢંઢેરો કન્નડ અને અંગ્રેજી ભાષામાં પ્રગટ થયો છે. આ ઢંઢેરામાં ભાગ લેનાર જૂથોના જુદા જુદા અગ્રતા ક્રમનું પ્રતિબિંબ પડે છે. ‘સિવિલ સોસાયટી ફોરમે’ દરેક રાજકીય પક્ષોને તેમના ચૂંટણી ઢંઢેરામાં આ માગણીઓનો સમાવેશ કરી ચૂંટાયેલી ધારાસભાને તેની તરફેણમાં નિર્ણય લેવા જણાવ્યું છે.

ઢંઢેરો બહાર પડયા પછી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં શાસન, આરોગ્ય, શિક્ષણ, ખેતી, સામાજિક ન્યાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા થઇ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સંમત પણ થયા અને શ્રોતાઓ સાથે સવાલ જવાબ થયા. ચર્ચા રચનાત્મક અને સમજણની ભાવના સાથે થઇ હતી. પણ તેમાં કર્ણાટકના ત્રણ મોટા રાજકીય પક્ષોમાંથી બે મોટા પક્ષો ભારતીય જનતા પક્ષ અને જનતા દળ (સિકયુલર)ની ગેરહાજરી ખૂંચતી હતી. કોંગ્રેસે પોતાના પ્રતિનિધિને મોકલ્યો હતો. કર્ણાટકમાં હાજરી પુરાવવા મથી રહેલા આમ આદમી પક્ષ અને કામદાર વિસ્તારોમાં ટેકો ધરાવતા માર્કસવાદી પક્ષે પણ પ્રતિનિધિ મોકલ્યા હતા.

જનતા દળ અને ભારતીય જનતા પક્ષને આવા સંગઠનની કાંઇ પડી નથી? ભારતીય જનતા પક્ષના અણગમા પાછળ સર્વત્ર છવાઇ જવાની મનોવૃત્તિ ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા કામ કરતી લાગે છે. પક્ષ મોદી જેટલું પાણી પીવડાવે તેટલું જ પીવાની વૃત્તિથી પણ દોરવાયો હોઇ શકે. મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ નાગરિકોનાં સંગઠનોને કયાં સાંખી લેતા હતા? અરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુજરાત શાખાને પણ હરીફ ગણી શંકાની નજરે જોતા હતા. સંઘે મોદીના રાગ ગાવાનું કબૂલ્યું. પછી મોદી દિલ્હી ગયા ત્યારે સંબંધો સુધર્યા.

મોદી નવ વર્ષથી સત્તા પર છે અને સ્વયંસેવક સંગઠનો પર તેઓ તૂટી પડયા છે. શિક્ષણ, આરોગ્ય, નીતિ સંશોધન અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે સારી કામગીરી કરતા અને કોઇ રાજકીય કે ધાર્મિક જૂથ સાથે સંબંધ નહીં ધરાવતાં જૂથોને કરવેરા ખાતાના દરોડા અને વિદેશમાંથી દાન સ્વીકારવાના પ્રતિબંધ જેવા પગલાથી હેરાન કરવામાં આવે છે. આવાં સંગઠનોને વિદેશમાંથી મળતા દાન સ્વીકારવાની અપાયેલી છૂટ પાછી ખેંચી લેવાઇ છે જયારે બિનનિવાસી ભારતીય હિંદુઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંલગ્ન સંસ્થાઓને છૂટથી દાન આપે છે.

હકીકત એ છે કે 2004થી 2014 વચ્ચે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે ખાસ કરીને પર્યાવરણ અને માનવાધિકાર ક્ષેત્રે કામ કરતી બિનસરકારી સંસ્થાઓને વિદેશી ભંડોળ નિયંત્રણ કાયદા હેઠળ હેરાન કરતી હતી. કારણ કે તેને તેનો ડર લાગતો હતો. સાથોસાથ સરકાર બિનસરકારી સંસ્થાઓની સાથે સલાહ-મસલત પણ કરતી હતી. આવી સંસ્થાઓ સાથેના સરકારના સંબંધો સલુકાઇભર્યા રહેતા હતા. અત્યારની સરકાર હિંદુત્વવાદી સંગઠનો પ્રત્યે કૂણું વલણ ધરાવે છે.

વડાપ્રધાનપદે મોદી બિરાજયા તેને નવ વર્ષ થયાં. અત્યાર સુધી એક પણ પત્રકાર પરિષદ થઇ? ઉપરાંત અત્યાર સુધી મોટે ભાગે મુકત રહેલા પત્રકાર જગત પર રાજય હુમલા કરે છે અને પત્રકારો તેમ જ વિદ્યાર્થીઓ સમાજવિરોધી પ્રવૃત્તિ કરવાના કાયદાના નામે જેલમાં ધકેલવામાં આવે છે અને પ્રશંસનીય રીતે શાંત રહેલા ખેડૂતોના અને નાગરિકતા ધારા સુધારા આંદોલન સામે ઝેર ઓકવામાં આવે છે. વિદેશીઓને સંશોધન માટે આવવા દેવાતા નથી અને ભારતની યુનિવર્સિટીઓને કેવા પરિસંવાદ કરવા અને નહીં કરવા તેનાં નિયંત્રણો પાળવાં પડે છે.

ભારતીય જનતા પક્ષ સિવાયના અન્ય રાજકીય પક્ષો પણ પહોંચેલી માયા છે. તેમને પણ પોતાના સુરક્ષા છત્રમાંથી બહાર આવી લોકો સુધી પહોંચવું નથી. માર્કસવાદી શાસન હેઠળના તૃણમૂલ કોંગ્રેસના શાસન હેઠળના બંગાળમાં અન્ના દ્રવિડ મુનેત્ર કળગમ અને દ્રવિડ મુનેત્ર કળગમનો શાસન હેઠળના તામિલનાડમાં વાય.આર.એલ. કોંગ્રેસ હેઠળના આંધ્રમાં અને ટી.આર.એસ.ના શાસન હેઠળના તેલંગણામાં આ વાત સાચી છે. ભારતીય જનતા પક્ષનો દેશના ગણનાપાત્ર વિસ્તાર પર હકૂમત ચલાવતો હોવાથી નાગરિક સંગઠનોને કચડવાનું તેને માટે વધુ સહેલું છે.

1830ના દાયકામાં ફ્રેંચ વિચારક એલેકિસસ દ’ટોકવીલે લખ્યું હતું કે અમેરિકામાં સ્વયંસેવક સંગઠનોને કારણે લોકશાહી પાંગરી છે. તે સમયે ઉમરાવોનું વર્ચસ્વ ધરાવતા યુરોપિયન સમાજનાં ભવાં ઊંચાં ચડી ગયાં હતાં, પણ 19મી સદીના અંત સુધીમાં અસંખ્ય સ્વયંસેવક સંગઠનો પાંગર્યાં હતાં. તેમાંથી કેટલાક રચનાત્મક હતા તો કેટલાક ટીકાકાર. રચનાત્મક સંગઠનોએ ટીકાકાર સંગઠનોની પૂરક કામગીરી કરી ટીકાકાર સંગઠનો સરકારની ખામી અને ખોડ પર ભાર મૂકતા હતા તો રચનાત્મક સંગઠનો શાળાઓ, હોસ્પિટલો વગેરે જાતે બનાવી એ ખોટ પૂરી કરતા હતા. એ જ સુસભ્ય સમાજનું તંદુરસ્તી દર્પણ છે અને રાજકીય આરોગ્યનું સાચું ચિત્ર છે.

2014થી આપણા દેશમાં  રાજયે સ્વયંસેવક સંગઠનો સામે મોરચો માંડયો છે. એ સાચું છે કે કોઇ રાજકીય પક્ષો નાગરિક સેવા સંગઠનની જેમ સંપૂર્ણ આત્મનિર્ભર ન હોઇ શકે. આજે ભારતીય જનતા પક્ષ માત્ર શંકાશીલ જ નથી પણ સામે પડેલો છે. કર્ણાટકમાં સિવિલ સોસાયટી ફોરમની બેઠકમાં ભારતીય જનતા પક્ષે પોતાનો કોઇ પ્રતિનિધિ નથી મોકલ્યો તેમાં તેનું ભૂલકણાપણું કે બેદરકારી નહીં, પણ બદઇરાદો છતો થાય છે. ભારતીય જનતા પક્ષ વાણી-સ્વાતંત્ર્યને અને ઉત્સાહી સુસભ્ય સમાજને પોતાની વિચારધારાના સંવર્ધન અને અવિરત શાસનના વિરોધી તરીકે જુએ છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top