Vadodara

આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો, વા વૈશાખી પ્રબળ વહેતા ઊડતી…. અગ્નિઝાળો

વડોદરા: આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો; વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો. ઝોલાં ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની; પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.. કવિ ઉમાશંકર જોષીએ ઉનાળાની બળબળતી બપોરનું વર્ણન કર્યું છે.આજે રવિવારે બળબળતા બપોરની આવી જ અનુભૂતિ લોકોને થઇ હતી. ઉનાળાની બપોરે એટલે બળતી ભટ્ટીનો બફારો, અસહ્ય ઉકળાટ અને ગરમીની પરાકાષ્ઠા! આજે ધરતી અને આકાશ બન્ને પર જ્યારે ગરમીનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું અને ક્ષિતિજ જાણે હાંફતી ન હોય એવો ભાસ થયો હતો.

આજે ધોમધખતા બપોરે માનવીમાત્રના આનંદોલ્લાસમાં, વાહનવ્યવહારની ગતિવિધિમાં, પશું પંખીઓની ચહલપહલમાં અને સમસ્ત પ્રાકૃતિક વાતાવરણમાં ભારે ઓટ જોવા મળી હતી. એક બાજુ, સૂર્યનારાયણ ગરમીની પ્રચંડ અગ્નિવર્ષા વરસાવતા હોય અને બીજી બાજુ ઉના ઉના લૂભર્યા વૈશાખી વાયરા ફૂંકાતા હોય ત્યારે શહેરોના જ હ નહિ ગામડોના રસ્તાઓ પણ સુમસામ બની જાય છે. આજે રવિવારે બપોરે શહેરના રસ્તાઓ નિર્જન બન્યા હતા. લોકો ઘરમાં જ ભરાઈ રહ્યા હતા.

તડકાની પ્રચંડ સેરોથી ત્રાસી ગયેલા મૂંગા પશુઓ ઝાડની આછીપાતળી છાયામાં વાગોળતાં, અળોટતાં કે હાંફતાં નજરે પડ્યા હતા. લાચાર ભોળા પંખીડા બિચારા પોતપોતાના માળાઓમાં, મકાનોની બખોલોમાં કે ઘટાદાર વૃક્ષની ડાળીઓમાં ડોક ઢાળીને, લપાઈને કે સંતાઈને મધ્યાહન ઢળવાની રાહ જોતા હતા.શ્રીમંત વર્ગના માનવીઓ પોતપોતાના વ્યવસાય-સ્થળે યા ઘેર બપોરના બે-ચાર કલાકનો સમય આરામમાં કે ઉંઘવામાં પસાર કરી નાખે નાખ્યો હતો બાકી એ વર્ગ સિવાયના મધ્યમવર્ગના અને ગરીબવર્ગના માનવીઓ તો પરસેવો રેબઝેબ થતા-થતા પણ પોતાના કામ -ધંધાને વળગેલા જોવા મળ્યા.

Most Popular

To Top