Business

ટ્વિટરે અનેક પ્રસિદ્ધ હસ્તીઓને પાછી આપી બ્લૂ ટીક, ફીની ચૂકવણી ર્ક્યા વગર આ લોકોને મળી બ્લૂ ટીક  

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) એપ ટ્વિટરે (Twitter) કરોડો ફોલોઅર્સ ધરાવતી અનેક પ્રસિદ્ધ હસ્તીઓને બ્લૂ ટીક પાછી આપી દીધી છે. થોડા દિવસો પહેલા જ કંપનીએ ફીની ચૂકવણી નહીં કરનાર એકાઉન્ટ હોલ્ડરોની બ્લૂ ટીક હટાવી દીધી હતી. આ નિર્ણય આ કારણે પણ મહત્વનો છે કેમ કે આ જ અઠવાડિયે શાહરૂખ ખાન અને સલમાન ખાનથી લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જેવા ચર્ચિત હસ્તીઓ અને રાજનેતાઓના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી દેવામાં આવી હતી. ટ્વિટરના માલિક એલન મસ્કની (Elon Musk) માઈક્રોબ્લોગિંગ સાઈટે આ જ અઠવાડિયામાં ફીની ચૂકવણી નહીં કરનાર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવવાની શરૂઆત કરી દીધી હતી.

હવે અનેક પ્રસિદ્ધ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટીક આશ્ચર્યજનક રીતે પાછી આવી ગઈ છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા ઉચ્ચ ક્રિકેટરોના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી દેવામાં આવી હતી પણ હવે તેમના ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટીક પાછી આવી ગઈ છે. જો કે, આ અત્યાર સુધી સ્પષ્ટ નથી થયું કે શું આ લોકોએ ફીની ચૂકવણી કરી છે? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખતાં બર્લિનના એક સોફ્ટવેર ડેવલપર ટ્રેવિસ બ્રાઉનના અનુસાર, આ લોકોએ બ્લૂ ટીક પાછી મેળવવા માટે કોઈ પણ પ્રયાસ કર્યા નથી.

આ ભારતીયોએ ફીની ચૂકવણી નથી કરી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાના ટ્વિટર એકાઉન્ટ પર પણ બ્લૂ ટીક પાછી આવી ગઈ છે. જોકે તેમણે કહ્યું કે મેં આના માટે ફીની ચૂકવણી નથી કરી. નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યૂસુફજઈએ બ્લૂ ટીક પાછી મળતાં ટ્વિટર પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે. જોકે બ્લૂ ટીક પાછી આપવાને લઈને ટ્વિટર તરફથી કોઈ પણ નિવેદન આપવામાં નથી આવ્યું.

આ લોકોને પણ પાછી મળી બ્લૂ ટીક
અનેક એવા પ્રખ્યાત લોકોના ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટીક પાછી આપી દેવામાં આવી છે જેમનું નિધન થઈ ચૂક્યું છે. તેમાં ચૈડવિક બોસમૈન, કોબે બ્રાયંટ અને માઈકલ જૈક્સન શામેલ છે. આ ઉપરાંત વિદેશી હસ્તીઓમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બાસ્કેટબોલ પ્લેયર લેબ્રોન જેમ્સ અને લેખક સ્ટીફન કિંગનું નામ શામેલ છે.

એલન મસ્ક કરી રહ્યા છે ફીની ચૂકવણી
કંપનીના માલિક એલન મસ્કે એક ટ્વિટનો જવાબ આપતાં 21 એપ્રિલે કહ્યું હતું કે તે કેટલાક એકાઉન્ટ માટે પોતે ફીની ચૂકવણી કરી રહ્યા છે. ટેક વેબસાઈટ ધ વર્જના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટ્વિટર કહી રહ્યો છે કે લેબ્રોન જૈમ્સ અને અન્ય હસ્તીઓએ બ્લૂ ટીક માટે ફીની ચૂકવણી કરી છે. જ્યારે તેઓ પોતે કહી રહ્યા છે કે અમે ફીની ચૂકવણી નથી કરી રહ્યા.

Most Popular

To Top