સુરત: (Surat) સુરતના કામરેજમાં આવેલ ખોલવડ ગામમાં (Village) એમ્બ્રોઇડરીના કારખાનામાં એમ્બ્રોઈડરી મશીન (Embroidery Machine) ફેરવવા જતાં બે કારીગરોને કરંટ (Current) લાગતા મોત નીપજ્યા હતા. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે બન્ને કારીગરોને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ખોલવડ ગામમાં આવેલા અમૃત ઉદ્યોગનગરમાં રાજેશભાઈ સવજીભાઈ વરડિયાના એમ્બ્રોડરી કારખાનામાં આ ઘટના બની હતી. બંને કારીગરો મશીન પર કામ કરી રહ્યાં હતાં. તે સમયે મશીનમાં કાપડ ફેરવતી વખતે મશીનની ફેરબદલી કરી રહ્યાં હતાં. એમ્બ્રોઇડરીનું મશીન 30 ફૂટની લંબાઈનુ હોવાથી મશીનનો એક છેડો બારીની બહાર કાઢતા બહાર વીજ પુરવઠાની હાઈટેન્શનની લાઈન પસાર થતી હતી જે તેને અડી ગઈ હતી. જેના કારણે બન્ને કારીગરોને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ બન્ને કારીગરો જમીન પર ઢળી પડ્યા હતા. જે જોઈને કારખાનામાં કામ કરતા કારીગરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બન્નેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ ઘટનામાં મૂળ યુપીના વતની 27 વર્ષીય ભગવાનસિંહ રાજપૂત અને 28 વર્ષીય સતીષકુમાર રાજપૂતના મોત થયા હતા. બનાવની જાણ થતાં કામરેજ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં એમ્બ્રોઇડરીના કારખાનાના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન ગામજનોએ ભગવાનસિંહ રાજપૂત અને સતીષ રાજપૂતના મૃતદેહ વતન ઉત્તરપ્રદેશ લઈ જવાની કાર્યવાહી કરી હતી. કારખાનામાં કારીગરને લાગેલ કરંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં કરંટ લાગતા માત્ર એક જ સેકન્ડમાં કારીગર જમીન પર ઢળી પડ્યો હતો.