National

ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોનાં દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ

દેહરાદૂન: ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી (Gangotri) અને યમુનોત્રી (Yamunotri) મંદિરોને યાત્રાળુઓ માટે ખોલવાની સાથે શનિવારે ચારધામ યાત્રા શરૂ થઈ હતી. ગંગોત્રીનાં દ્વાર બપોરે 12.35 વાગ્યે અને યમુનોત્રીના દરવાજા 12.41 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. એમ મંદિર સમિતિઓના અધિકારીઓએ જણાવ્યું હતું. છ મહિના લાંબા શિયાળામાં (Winter) બંધ રહ્યા બાદ તેના ઔપચારિક ઉદઘાટન પ્રસંગે મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીએ ગંગોત્રી મંદિરમાં પૂજા કરી હતી. દેવી યમુનાના શિયાળુ નિવાસસ્થાન ખરસાલીમાં ભક્તો પર પણ હેલિકોપ્ટરમાંથી ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવી હતી.

ધામીએ ખરસાલીમાં પણ પ્રાર્થના કરી હતી જ્યારે પૂજારીઓ દ્વારા સુશોભિત પાલખીમાં દેવી યમુનાની મૂર્તિ યમુનોત્રી ધામ માટે શોભાયાત્રામાં નીકળી હતી જ્યાં તેની આગામી છ મહિના સુધી પૂજા કરવામાં આવશે. ભક્તોનું સ્વાગત કરતાં ધામીએ જણાવ્યું હતું કે, તેઓની યાત્રા સરળ અને મુશ્કેલીમુક્ત થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ધામીએ શુક્રવારે ઉત્તરાખંડમાં હિમાલયનાં ચાર પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લેતા યાત્રાળુઓની સંખ્યા પર દૈનિક મર્યાદા લાદવાનો નિર્ણય પણ પાછો ખેંચી લીધો હતો. ધામીએ કહ્યું હતું કે, 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નોંધણી કરાવી છે અને સંખ્યા વધી રહી છે. જણાવી દઈએ કે કેદારનાથનાં દ્વાર 25 એપ્રિલે અને બદરીનાથના દ્વાર 27 એપ્રિલે ખુલશે.

Most Popular

To Top