નવી દિલ્હી: હાલ સમગ્ર ભારત IPL મગ્ન બનયું છે. ભારતની 12 અલગ અલગ જગ્યાઓ ઉપર મેચ રમાઈ રહી છે. 10 ટીમો વચ્ચે 29 મેચ રમાઈ ચૂકી છે. ત્યારે આ વચ્ચે ખેલાડીની સુરક્ષામાં ચૂક થઈ હોય તેવો મામલો સામે આવ્યો છે. IPLની ટીમ જયાં રોકાઈ હતી તે હોટલમાં પ્લેયર્સની સાથે હિસ્ટ્રી શીટરો પણ રોકાયા હોવાની જાણકારી સામે આવી છે.
જાણકારી મુજબ મોહાલીમાં ગુરુવારે પંજાબ અને બેંગ્લોરની મેચ રમાઈ હતી. મેચ પછી RCBના વિરાટ કોહલી તેમજ અન્ય એક પ્લેયર્સ એક હોટલમાં રોકાયા હતા. ત્યારે જ એકાએક પોલીસ વિભાગમાં હડકંપ મચી હતી. ચંદીગઢ પોલીસ અધિકારીઓને જાણકારી મળી આવી હતી કે પ્લેયર્સ જે હોટલમાં રોકાયા છે તે જ હોટલમાં 3 ગુનેગારોએ પર રૂમ બુક કરાવ્યાં છે. જો કે પોલીસને જાણકારી મળી આવતા જ તરત જ એકશન લઈ ત્રણેય ગુનેગારોને પકડી લીધા હતા.જાણકારી મળી આવી છે કે ઝડપાયેલા ત્રણેય આરોપીઓના ક્રિમિનલ રેકોર્ડ હતા. જેમાંથી એકનો અગાઉ ફાયરિંગના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસને ગુનેગારોના જૂના ગુનાહિત રેકોર્ડને ધ્યાનમાં રાખીને શંકા હતી કે કસ્ટડીમાં લેવાયેલા યુવકો પાસે ગેરકાયદેસર હથિયાર હોઈ શકે છે. જેના કારણે પોલીસે મોડી રાત્રે આરોપીઓના રૂમ સહિત સમગ્ર હોટલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીની સાથે હાજર બ્રેઝા કારની તલાશી લીધા બાદ તેને જપ્ત કરી લીધી છે. જોકે, આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને તેમના રૂમ અને હોટલમાંથી શું ખાસ મળી આવ્યું ન હતું. આ સમગ્ર મામલે હોટલના તમામ કર્મચારીઓએ મૌન સેવી લીધું હતું.
પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે તેમના તાર આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથે જોડાયેલા છે કે કેમ. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હોટલના ચોથા અને પાંચમા માળે ક્રિકેટ ટીમ રોકાઈ હતી. પાંચમા માળે વિરાટ કોહલી અને ટીમના અન્ય ખેલાડીઓના રૂમ હતા. ક્રિકેટ ટીમ સાથે આવેલો સ્ટાફ ચોથા માળે હતો. તે જ સમયે, પોલીસે આરોપીની હોટલના ત્રીજા માળે બુક કરાયેલ રૂમમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓએ રૂમ એક દિવસ માટે બુક કરાવ્યો હતો. આરોપીઓ લગભગ 1:30 વાગે હોટલ પર પહોંચ્યા હતા. બુકિંગ 1 દિવસ માટે કરવામાં આવ્યું હતું.