જ્યારે પણ કોઇ રોમાંચક મેચની વાત આવતી ત્યારે જે તે સમયે રેડિયો કોમેન્ટેટર્સ હંમેશા એક લાઇન બોલતા હતા કે ‘જો તમે હાર્ટ પેશન્ટ છો તો, થોડા બચીને રહેજો.’. હવે મેચનો રોમાંચ અનુભવવાની રીત બદલાઈ ગઈ છે. રેડિયોનું સ્થાન મોબાઈલ અને ટીવીએ લઈ લીધું છે, જેણે ક્રિકેટના રોમાંચના સ્વાદમાં ઉમેરો કર્યો છે. રસપ્રદ વાત એ છે કે વર્તમાન IPL સિઝનમાં ઘણી સરપ્રાઈઝ મેચ જોવા મળી રહી છે. હવે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચને જ ધ્યાને લો. નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે છેલ્લી ઓવરના 5મા બોલ પર જીત મેળવી હતી. આ કંઇ પહેલી એવી મેચ નહોતી. આ પહેલા આવી 4 મેચ આવી હતી, જેનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું હતું. કોલકાતા અને ગુજરાત વચ્ચેની મેચ છેલ્લી ઓવરના છેલ્લા 5 બોલમાં સતત 5 છગ્ગા સાથે સમાપ્ત થઈ હતી. કદાચ IPLમાં જ નહીં પણ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ બેટ્સમેને છેલ્લા 5 બોલમાં સતત 5 સિક્સર ફટકારીને મેચની બાજી ફેરવી નાંખી હોવાનું બન્યું હશે. આવી હાર જોઈને ગુજરાતના ચાહકોને હાર્ટ એટેક આવી ગયો હશે. અહીં આપણે એવી જ કેટલીક મેચો પર નજર નાંખીશું.
09 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ (204/4) વિ કોલકાતા નાઇટ રાઇડર્સ (207/7)
ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ 9 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં કોલકાતાને જીતવા માટે છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી અને રિંકુ સિંહે તેના રણજી સાથી બોલર યશ દયાલને સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. રિંકુએ છેલ્લી સિક્સ પહેલા સતત 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. કોઈને આની અપેક્ષા નહોતી, પણ રિન્કુએ સતત પાંચ બોલમાં 5 છગ્ગા ફટકારીને કોલકાતા નાઇટ રાઇડર્સને વિજેતા બનાવ્યું હતું.
10 એપ્રિલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (212/2) વિ લખનઉ સુપર જાયન્ટ્સ (213/9)
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની છેલ્લી ઓવરમાં લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે 5 રનની જરૂર હતી. હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરી બે વિકેટ ઝડપી હતી. લખનઉને છેલ્લા બોલે જીતવા માટે એક રનની જરૂર હતી. અવેશ ખાન અને રવિ બિશ્નોઈએ અદ્દભૂત ડ્રામા વચ્ચે બાયનો વિજયી રન પૂર્ણ કર્યો હતો. આમ RCB છેલ્લા બોલ પર હારી ગયું હતું.
11 એપ્રિલ દિલ્હી કેપિટલ્સ (172) વિ મુંબઈ ઈન્ડિયન્સ (173/4)
RCB અને LSGની જેમ મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને છેલ્લા બોલ પર હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 5 રનની જરૂર હતી. એનરિક નોર્કિયાએ ખૂબ જ ચુસ્ત બોલિંગ કરી અને છેલ્લા બોલ પર મુંબઇને જીતવા માટે 2 રનની જરૂર હતી. કેમેરન ગ્રીન અને ટિમ ડેવિડે દિલ્હીના ચુસ્ત ફિલ્ડરો વચ્ચે બે રન દોડીને મેચ મુંબઇના ખોળામાં લાવી દીધી હતી.
12 એપ્રિલ રાજસ્થાન રોયલ્સ (175/8) વિ ચેન્નાઈ સુપર કિંગ્સ (172/6)
ચેન્નાઈ સુપર કિંગ્સના ગઢ ગણાતા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે છેલ્લા બોલે રોમાંચક જીત નોંધાવી હતી. અહીં, છેલ્લા બોલે જીતવા માટે પાંચ રનની જરૂર હતી અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશર ગણાતા એમએસ ધોની સંદીપ શર્માના બોલે સિક્સર ફટકારવામાં નિષ્ફળ ગયો. ધોની માત્ર એક રન લઈ શક્યો હતો. રાજસ્થાને આ મેચ 3 રને જીતી લીધી હતી.