Sports

શૉ અને વોર્નરથી જ દિલ્હી કેપિટલ્સની સમસ્યાની શરૂઆત

હાલની IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ઋષભ પંત વગર જાણે કે સાવ નબળી બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. જે દિલ્હી કેપિટલ્સની ટીમ IPLની શરૂઆતથી ટોપ ફોરમાં રહેતી આવી છે તે આ સિઝનમાં સાવ તળીયે બેઠી છે. ડેવિડ વોર્નર કેપ્ટનશિપ સારી કરવા જાય તો બેટીંગ બગડી જાય છે અને બેટીંગ સારી કરે તો કેપ્ટનશિપમાં ફાંફા પડવા માગે છે. જો કે દિલ્હી કેપિટલ્સ માટે સૌથી મોટી જો કોઇ સમસ્યા હોય તો તે છે પૃથ્વી શો. આઇપીએલની હાલની સિઝન શરૂ થઇ ત્યારથી લઇને્ અત્યાર સુધી પૃથ્વી જે રીતે બેટીંગ કરી રહ્યો છે તેને જોતા એવું કહી શકાય કે તે હવે બેટીંગ કરવાનું ભુલી ગયો છે.

સૌથી પહેલા તો તેની ફિટનેસ તેના માટે સૌથી મોટી સમસ્યા છે અને તેની અસર તેની બેટીંગ પર દેખાવા માંડી છે. પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી રમેલી IPLની હાલની સિઝનની તમામ મેચોમાં પાવરપ્લે પહેલા પેવેલિયન ભેગો થઇ જાય છે અને તેના કારણે ડેવિડ વોર્નર પર પ્રેશર આવી જાય છે અને તે પોતાની જે આક્રમકતા છે તે મુજબ બેટીંગ કરી શકતો નથી. વાત જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચની કરીએ તો , 30.67ની T20 એવરેજ અને 137.82ની સ્ટ્રાઈક રેટ ધરાવતો લલિત યાદવ નવમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તે દિલ્હીની ટીમની બેટીંગની ઊંડાઈ દર્શાવે છે.

પરંતુ સત્ય એ નથી. લલિતને નવમા નંબરે રાખવામાં આવ્યો હતો જેથી જો બેટિંગ પડી ભાંગે તો તે આટલા નીચા આવ્યા પછી પણ ટીમને બચાવી શકે. જો કે તેના કારણે ટીમ પાસે માત્ર ચાર બોલરરહ્યા હતા અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે લલિત અને મિચેલ માર્શ પાંચમા બોલરનો ક્વોટા પૂરો કરશે. જોકે તેનાથી દિલ્હીને કોઈ ફાયદો ન થયો. 175 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમનો સ્કોર પ્રથમ ત્રણ ઓવરમાં બે રનમાં ત્રણ વિકેટે થઈ ગયો હતો.

તેની અડધી ટીમ 53 રનમાં પેવેલિયનમાં હતી, જ્યારે 175 રનનો પીછો કરતા ટીમ નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 151 રન જ બનાવી શકી હતી. આ તેમની સળંગ પાંચમી હાર હતી અને હવે તેમની પ્લે-ઓફમાં પહોંચવાની શક્યતા ઓછી છે. પાવરપ્લેમાં વિકેટ પડવી એ દિલ્હીની સૌથી મોટી સમસ્યા રહી છે. આ સિઝનમાં કોઈ ટીમે પાવરપ્લેમાં દિલ્હી કરતાં વધુ વિકેટ ગુમાવી નથી અને સનરાઈઝર્સ હૈદરાબાદ સિવાય કોઈ પણ ટીમનો પાવરપ્લે સ્ટ્રાઈક રેટ દિલ્હી કરતાં ઓછો નથી. તેનું મુખ્ય કારણ ડેવિડ વોર્નર અને પૃથ્વી શોની તેમની ઓપનિંગ જોડી છે. વોર્નર હાલમાં આ સિઝનમાં 228 રન સાથે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

વોર્નરની સ્ટ્રાઈક રેટ 116.92 હોવા છતાં, તેણે હજુ સુધી ટૂર્નામેન્ટમાં એકપણ છગ્ગો માર્યો નથી. એવું કહી શકાય કે વોર્નરની સામે વિકેટો પડતી રહે છે, તેથી તે પોતાની કુદરતી રમત રમી શકતો નથી. પરંતુ એવું નથી. વોર્નર જ્યારે દાવને વેગ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે પણ તે સફળ થતો નથી. દિલ્હીના સહાયક કોચ શેન વોટસને પહેલા કહ્યું હતું કે વોર્નર આ વર્ષે ટૂર્નામેન્ટમાં આગ લગાવશે. તે શનિવારે પણ શક્ય હતું, જ્યારે ત્રણ વિકેટ ગુમાવવા છતાં વોર્નર એક છેડે પોઝિટિવ દેખાતો હતો. તેણે ઇનિંગ્સની પાંચમી ઓવરમાં મહંમદ સિરાજ ની ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તે પછી તરત જ તે શોર્ટ મિડવિકેટ પર નવોદિત વિજયકુમાર વૈશાખના બોલે કેચ આઉટ થયો હતો .

દરેક વ્યક્તિને વોર્નરનો સંઘર્ષ તો જોવા મળી રહ્યો છે પણ પૃથ્વી શૉ વિશે કંઈ જાણી શકાયું નથી. દિલ્હીના મુખ્ય કોચ રિકી પોન્ટિંગના મતે, શૉ નેટ્સમાં અલગ બેટ્સમેન છે. જોકે, તે પાંચ ઇનિંગ્સમાં માત્ર 34 રન જ બનાવી શક્યો છે. છેલ્લી ત્રણ મેચો માટે, શૉને ઇમ્પેક્ટ પ્લેયર બનાવવામાં આવી રહ્યો છે અને તે ફક્ત બેટિંગ કરવા મેદાન પર આવે છે. શનિવારે પણ તે લક્ષ્યનો પીછો કરવા માટે માત્ર બીજી ઇનિંગમાં ઉતર્યો હતો અને બિલકુલ રંગમાં દેખાતો નહોતો. ઇનિંગના બીજા બોલ પર બે રન આવે તેમ હતા પરંતુ તેણે વોર્નરને અડધેથી પરત મોકલી દીધો હતો. બે બોલ બાદ તે અનુજ રાવતના સીધા થ્રો પર રનઆઉટ થયો હતો.

આ મેચ બાદ વોટસને કહ્યું હતું કે પૃથ્વી 20 ઓવર બેઠા બાદ બેટિંગ કરવા આવ્યો હતો. જો તે ફિલ્ડિંગમાં આવ્યો હોત, તો તે સક્રિય હોત અને થોડો ઝડપી દોડ્યો હોત. આ ઇમ્પેક્ટ પ્લેયર નિયમની ખામી છે. હા, એક ટીમ તરીકે. આપણે પણ સારું કરવું પડશે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું શૉ સાથે તેની બેટિંગ વિશે વાત કરવામાં આવી છે, તો વોટસને કહ્યું હતું કે પૃથ્વીને કહેવામાં આવ્યું છે કે તે મુક્તપણે રમે અને તેની કુશળતા પર વિશ્વાસ રાખે. તે કોઈપણ ભારતીય બેટ્સમેન જેટલો જ કુશળ છે. ડર્યા વિના તેની શક્તિ પ્રમાણે રમવાનું તેને કહેવાયું છે. જ્યારે તે સર્વશ્રેષ્ઠ હોય છે ત્યારે મોટામાં મોટા બોલર તેની સામે પાણી ભરતા થઇ જાય છે. તેના જેવો બેટ્સમેન ઝાડ પર ઉગતો નથી, તેથી અમે તેને શક્ય તેટલી બધી મદદ કરવા માંગીએ છીએ. જો કે વોટ્સનની આ વાતો માત્ર સાંભળવા પુરતી સારી લાગે છે. હકીકત એ છે કે પૃથ્વી શોનું મનોબળ હાલ સાવ તળિયે છે અને તેને કોઇ સારા પ્રોત્સાહકની જરૂર છે.

Most Popular

To Top