SURAT

સુરત આપના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા

સુરત: ભાજપે (BJP) ઓપરેશન ડિમોલીશન (Operation Demolition) હેઠળ સુરતમાં (Surat) આપની (AAP) સ્ટ્રેન્થને નેસ્તનાબૂદ કરી દીધી છે. આજે આમ આદમી પાર્ટીના સુરત ખાતેના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા છે. હજુ તો છ દિવસ પહેલાં જ આપના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. આમ એક જ અઠવાડિયામાં 8 કોર્પોરેટરે આપ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ પહેરી લીધો છે.

આજે કનુ ગેડિયા અને અલ્પેશ પટેલ આપમાંથી ભાજપમાં જોડાયા છે. આ સાથે અત્યાર સુધીમાં આપના 12 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આમ, હવે સુરત મનપામાં આપના કોર્પોરેટરનું સંખ્યાબળ 27થી ઘટીને 15 થઈ ગયું છે. આ બે કોર્પોરેટરો સાથે આપના 10 સભ્યો પણ ભાજપમાં જોડાયા છે.

અત્યાર સુધી આ કોર્પોરેટરો આપ છોડી ભાજપમાં જોડાયા

  1. અલ્પેશ પટેલ (વોર્ડ નં. 2)
  2. ભાવના સોલંકી (વોર્ડ નં.2)
  3. કનુ ગેડીયા (વોર્ડ નં.3)
  4. ઋતા ખેની (વોર્ડ નં. 3)
  5. ધર્મેન્દ્ર વાવલિયા (વોર્ડ નં. 4)
  6. ઘનશ્યામ મકવાણા (વોર્ડ નં. 4)
  7. અશોક ધામી (વોર્ડ નં. 5)
  8. કિરણ ખોખાણી (વોર્ડ નં. 5)
  9. નિરાલી પટેલ (વોર્ડ નં. 5)
  10. જ્યોતિ લાઠિયા (વોર્ડ નં. 8)
  11. વિપુલ મોવલિયા (વોર્ડ નં. 16)
  12. સ્વાતિ ક્યાડા (વોર્ડ નં. 17)

ભાજપના મજૂરાના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે દેશ હિત અને રાજ્યના હિતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે યોગ્ય દિશામાં આગળ વધી ભાજપમાં જોડાયા છે. ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈ આપના વધુ બે કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ હવે ભાજપ પરિવારના સભ્યો બન્યા છે.

સુરતના આમ આદમી પાર્ટીના બે નગરસેવકોને પક્ષમાંથી હાંકી કઢાયા : પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ કાર્યવાહી
આ તરફ બે કોર્પોરેટરોની હકાલપટ્ટી કરી દેવામાં આવી હોવાની સુરત આપ દ્વારા જાહેરાત કરાઈ હતી. સુરત આપના સંગઠન દ્વારા સુરત મનપાના વોર્ડ નં. 2ના રાજુ મોરડીયા અને વોર્ડ નં. 3ના કનુ ગેડિયાની હકાલપટ્ટી કરાઈ હોવાની પ્રેસનોટ રિલિઝ કરાઈ છે. આ બંને કોર્પોરેટરો દ્વારા ભાજપ પાસેથી નાણાં લઈ પક્ષના અન્ય કોર્પોરેટરોને લાલચ આપી પક્ષપલટા માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. ભાજપ પાસેથી અમુક કરોડ રૂપિયા મેળવીને આમ આદમી પાર્ટી તોડવાના કામ કરનારા બંને કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીના તમામ પદ ઉપરથી તેમજ પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી હાંકી કાઢવાની જાહેરાત કરાઈ છે.

Most Popular

To Top