Sports

સતત ચાર મેચ હારેલું દિલ્હી કેકેઆરને હરાવી પહેલી મેચ જીત્યું

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે અહીં રમાયેલી વરસાદથી પ્રભાવિત મેચમાં હાલની સિઝનમાં પોતાની પહેલી મેચ રમી રહેલા ઇશાંત શર્માની આગેવાનીમાં દિલ્હીના બોલરોએ કોલકાતા નાઇટ રાઇડર્સને 127 રન સુધી સિમિત રાખ્યા પછી કેકેઆરના બોલરોની કરકસરયુક્ત બોલિંગને કારણે દિલ્હી કેપિટલ્સ 6 વિકેટ ગુમાવીને અંતિમ ઓવરમાં કેકેઆરને હરાવીને પહેલી મેચ જીત્યું હતું.

ટૂંકો લક્ષ્યાંક આંબવા મેદાને પડેલા દિલ્હી કેપિટલ્સ વતી કેપ્ટન ડેવિડ વોર્નરે ફરી એકવાર અર્ધસદી ફટકારીને જીતની આશા જગાવી હતી. સામે છેડેથી ત્રણ વિકેટ પડી ત્યાં સુધી વોર્નરે પોતાનો છેડો સાચવી રાખ્યો હતો. 93 રનના સ્કોર પર તે આઉટ થયો ત્યારે દિલ્હી વિજયથી 35 રન દૂર હતું. અંતિમ બે ઓવરમાં 12 રન કરવાના આવ્યા હતા, જેમાં 19મી ઓવરમાં 5 જ રન આવતા અંતિમ ઓવરમાં 7 રન કરવાના આવ્યા હતા, જે અક્ષર પટેલે ત્રણ બોલમાં કરીને દિલ્હીને 4 વિકેટે જીતાડ્યું હતું.
વરસાદને કારણે એક કલાક મોડી શરૂ થયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દિલ્હી કેપિટલ્સના બોલરોએ પ્રભાવક બોલિંગ કરી હતી. કેકેઆર વતી આઇપીએલમાં પહેલી મેચ રમવા ઉતરેલો લિટન દાસ શરૂઆતમાં જ આઉટ થઇને પેવેલિયન ભેગો થયા પછી કેકેઆરની વિકેટ પડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો અને 70 રનના સ્કોર પર તેમણે ટોપ ઓર્ડરની 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનીંગમાં આવેલો જેસન રોય 43 રન કરીને 7મી વિકેટના રૂપે આઉટ થયો હતો. તેના ઉપરાંત આન્દ્રે રસેલે 38 રનની ઇનિંગ રમી હતી અને મનદીપ સિંહે 12 રન કર્યા હતા. આ સિવાય અન્ય કોઇ બેટ્સમેન બે આંકડે પણ પહોંચ્યા નહોતા. દિલ્હી કેપિટલ્સ વતી ઇશાંતે 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 2 વિકેટ ઉપાડી હતી. જ્યારે અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને એનરિક નોર્કિયાએ પણ 2-2 વિકેટ ખેરવી હતી.

Most Popular

To Top