મોહાલી: ગુરૂવારે અહીં રમાયેલી આઇપીએલની (IPL) એક મેચમાં ઇજાથી પિડાતા ફાફ ડુ પ્લેસિની ઇમ્પેક્ટ પ્લેયર તરીકેની ખાસ ઇનિંગ પછી મહંમદ સિરાજની આઇપીએલ કેરિયરની બેસ્ટ બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પંજાબ કિંગ્સને (PBKS) 24 રને હરાવીને ટીમને ફરી જીતને પાટે ચઢાવી હતી. ડુ પ્લેસિ અને વિરાટ કોહલીની 137 રનની ઓપનીંગ ભાગીદારીની મદદદથી આરસીબીએ 4 વિકેટે 174 રન બનાવ્યા હતા અને તે પછી સિરાજની આગેવાનીમાં બોલરોની જોરદાર બોલિંગથી પંજાબ કિંગ્સનો 150 રનમાં વિંટો વાળી દીધો હતો. 21 રનમાં 4 વિકેટ ઉપાડનાર સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
- ફાફ ડુ પ્લેસિ અને વિરાટ કોહલીની 137 રનની ઓપનીંગ ભાગીદારીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 વિકેટે 174 રન બનાવ્યા
- જીતેશ શર્માના 27 બોલમાં 41 રનના વળતા પ્રહાર છતાં આરસીબીના બોલરોની અંકુશિત બોલિંગથી પંજાબ કિંગ્સ 24 રને હાર્યું
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 174/4, ફાફ ડુ પ્લેસિ 56 બોલમાં 84 રન, વિરાટ કોહલી 47 બોલમાં 59 રન, પંજાબ કિંગ્સ 150, મહંમદ સિરાજ 4/21
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આરસીબીને ડુ પ્લેસિ અને કોહલીની જોડીએ 137 રનની ભાગીદારી કરીને જોરદાર શરૂઆત અપાવી હતી, ડુ પ્લેસિ 56 બોલમાં 84 રન કરીને આઉટ થયો હતો, જ્યારે કોહલી 47 બોલમાં 59 રન કરીને આઉટ થયો હતો. આ બે સિવાય અન્ય બેટ્સમેનો એટલા અસરકારક રહ્યા નહોતા. પંજાબ કિંગ્સ માટે લક્ષ્યાંક એટલો મોટો નહોતો પણ સિરાજે નવા બોલથી વિકેટ ખેરવવાની સાથે જ ડેથ ઓવરમાં પણ બે વિકેટ ખેરવીને મહત્વની ભૂમિકા ભજવી હતી. અંતિમ ઓવરોમાં જીતેશે 27 બોલમાં 41 રનની ઇનિંગ રમીને પંજાબ કિંગસને જીતડવાના પ્રયાસ કર્યા હતા પણ સામે છેડેથી તેને જોઇએ તેવો સાથ મળ્યો નહોતો. આરસીબીની છ મેચમાં આ ત્રીજી જીત હતી જ્યારે પંજાબ કિંગ્સની છ મેચમાં આ ત્રીજી હાર રહી હતી.