ચેન્નાઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 29મી મેચમાં આવતીકાલે શુક્રવારે જ્યારે ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) (CSK) સામે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) મેદાને ઉતરશે ત્યારે તેમનો ઇરાદો સીએસકેને તેના હોમ ગ્રાઉન્ડ પર પછાડવાનો રહેશે. સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આખરે ફિટ થઈને મેદાનમાં ઉતરવાનો હોવાથી સીએસકેની તાકાતમાં વધારો થશે. સ્ટોક્સે બુધવારે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો.
- સનરાઇઝર્સ સામે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થનારી મેચમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની વાપસી સીએસકેની તાકાત વધારી જશે
- ચેપોકની વિકેટ પર ચેન્નાઇ સુપર કિંગ્સને પછાડવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે મુખ્ય ભૂમિકા ભજવવી પડશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામે જીત મેળવ્યા પછી ચેન્નાઈની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પરત ફરી રહી છે. સનરાઈઝર્સે છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈએ છેલ્લી મેચમાં ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડની ઓપનિંગ જોડી અને શિવમ દુબેની આક્રમક ઈનિંગ્સની મદદથી મોટો સ્કોર બનાવ્યો હતો.
અજિંક્ય રહાણે જે રીતે ચિંતા કર્યા વિના આક્રમક રીતે બેટિંગ કરી રહ્યો છે તેનાથી સીએસકેની મજબૂતાઇ વધી છે. જો કે તેના અન્ય બેટ્સમેનો વધુ યોગદાન આપી શક્યા નથી. બેટીંગમાં પાવરફુલ સીએસકેના બોલરો એટલા સફળ રહ્યા નથી અને સીએસકે માટે ફિલ્ડીંગ પણ ચિંતાનો વિષય છે. શ્રીલંકાનો ઝડપી બોલર મથિશા પથિરાનાએ આરસીબી સામે સારી બોલિંગ કરી હતી અને તેના સિવાય તુષાર દેશપાંડે દરેક મેચમાં સુધારો કરતો રહ્યો છે. ચેન્નાઈએ સનરાઈઝર્સ સામેની છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીતી છે અને તે આ રેકોર્ડને સુધારવાનો પ્રયાસ કરશે. બીજી તરફ સનરાઇઝર્સ પોતાના બેટ્સમેનો પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખશે અને સુકાની એડન માર્કરામે આમાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. જો સનરાઇઝર્સે ચેન્નાઇને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવવું હોય તો તેના તમામ બેટ્સમેનોએ ઉપયોગી યોગદાન આપવું પડશે.