સુરત: સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર એક દુર્ઘટના બનતા ટળી ગઈ હતી. આરપીએફના (RPF) જવાનની સ્ફૂર્તિના લીધે એક મહિલાનો જીવ બચી ગયો હતો. આ દિલઘડક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે દોડતી ટ્રેન પકડવાની ઉતાવળમાં એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાય છે અને તે ટ્રેન નીચે ખેંચાય જાય તે પહેલાં જ આરપીએફના જવાન તેને બચાવી લે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે.
- મેમુ ટ્રેનમાં ચઢવા જતી એક મહિલાનું સંતુલન ખોરવાતાં તેનો પગ લપસી ગયો
- હેન્ડલ છૂટી જતાં મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાઈ
- આરપીએફના જવાને ફસાઈ ગયેલી મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી
- બે મિનિટ મોડું થયું હોત તો બચવું મુશ્કેલ હતું
છેલ્લાં કેટલાંક સમયથી રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. મુસાફરો દોડતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાના પ્રયાસમાં પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે, ક્યારેક હાથ છૂટી જવા કે પગ લપસી જવાના લીધે આવા મુસાફરો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડી જાય છે અને તેમના જીવ જોખમમાં મુકે છે. થોડા સમય પહેલાં ઉધના રેલવે સ્ટેશન પર એક યુવકનું ટ્રેન નીચે પડી કચડાઈ જવાના લીધે મોત થયું હતું. ત્યારે વધુ એક ઘટનામાં મહિલાનો બચાવ થયો છે. ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મહિલા ફસાતા RPFના જવાને બચાવી લીધી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે, બુધવારે સુરત રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેન દોડવા લાગી હતી અને બે મહિલાઓ તે ચૂકી જાય તેમ હોય દોડતી આવી હતી અને ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. બે પૈકી એક મહિલાએ બેલેન્સ ગુમાવ્યું હતું અને હેન્ડલ પરથી હાથ છૂટી ગયો હતો અને તેનો પગ લપસી ગયો હતો. મહિલા દરવાજાનો એંગલ બરોબર પકડી શકી ન હતી, તેના લીધે તે સીધી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ ગઈ હતી.
સારા નસીબે બે RPFના જવાન ત્યાંથી જ પસાર થઈ રહ્યા હતા, મહિલા પડી રહી હોવાનું જોતા એક જવાને સ્ફૂર્તિ દાખવીને મહિલાને તાત્કાલિક બહાર ખેંચી લઈને તેણીનો જીવ બચાવી લીધો હતો. જો થોડી સેકન્ડ પણ મોડું થયું હોત તો કદાચ આ મહિલાનું બચવું મુશ્કેલ બની ગયું હોત એવું રેલવે વિભાગનું કહેવું હતું.