નવી અભિનેત્રીઓ આવે છે પણ લોકો તેને જ જાણે છે જે સફળ રહી હોય. ફિલ્મોમાં સ્થાન મળવું સરળ નથી અને મળી જાય પછી સ્થાન ઊભું કરવું તો તેનાથી ય કપરુ છે. કોઈ અભિનેતા યા અભિનેત્રીનાં સંતાન હોવાથી ફિલ્મો મળે પણ પછી ટેલેન્ટ જ કામ કરે છે. આવતા અઠવાડિયે ‘બડે બોય’ ફિલ્મ રજૂ થઈ રહી છે જેમાં અમરીન કુરેશી છે. આ અમરીનને હુમા કુરેશી સાથે કોઈ સંબંધ નથી. તે ફિલ્મ નિર્માતા સાજીદ કુરેશીની દિકરી છે. તેણે બિઝનેસવુમન બનવું હતું પણ હવે અભિનેત્રી તરીકે શરૂઆત કરી રહી છે. રાજકુમાર સંતોષી લિખીત આ ફિલ્મમાં તે મિથુન ચક્રવર્તીના દિકરા નમશી ચક્રવર્તીની હીરોઈન બની છે.
રાજકુમાર સંતોષીએ જ દિગ્દર્શીત કરેલી આ ફિલ્મમાં તે એવી છોકરી બની છે જેનું કુટુંબ રૂઢીઓમાં માનનારું છે અને તે એક છોકરાના પ્રેમમાં પડે છે. રાજકુમાર સંતોષી ‘અંદાઝ અપના અપના’ અને ‘અજબ પ્રેમકી ગજબ કહાની’માં રોમાન્સ સાથે કોમેડી અજમાવી ચુકયા છે એટલે અમરીન આશા રાખી શકે કે તેને સફળતા મળે. મુંબઈમાં જન્મી છે ને અહીં જ મોટી થઈ છે એટલે તે સ્વાભાવિક મોર્ડન છે અને આત્મવિશ્વાસ પણ ઓછો નથી. રાજકુમાર સંતોષી જેવા દિગ્દર્શક સાથે કામ કરવાના અનુભવને તે મહત્વનો ગણે છે. તે કહે છે કે સંતોષીજીની પોતાની જ કથા-પટકથા હોવાથી તેમના મનમાં અમારા પાત્ર વિશે એકદમ સ્પષ્ટતા હતી એટલે સેટ પર મઝા આવતી. નમશી પણ ઘણો ઉત્સાહી છે એટલે તે ફ્રેશ જોડી તરીકે પોતાને ગણાવી રહી છે.
શ્રીદેવીને પોતાની પ્રેરણા માનતી અમરીન કહે છે કે મેં તેમની ઘણી ફિલ્મો જોઈ છે અને પરદા પર તેમનો કેવો કરિશ્મા હતો તે અનુભવ્યો છે. પોતે જે એવું થોડું પણ કરી શકશે તો પોતાને ભાગ્યવાન માનશે. અમરીન એ બધી અભિનેત્રીઓ વિશે હમણાં વિચારતી નથી કે જે પણ કારકિર્દી શરૂ કરતી હોય. તે કહે છે કે ફિલ્મ રજૂ થાય અને પ્રેક્ષકો તેને સફળ બનાવે પછી વાત કરવાનો અર્થ છે. આરંભ કરનારા દરેકની જેમ તે પણ અત્યારે તો 28મી એપ્રિલની રાહ જોઈ રહી છે. પોતાની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર નહીં થિયેટરમાં જ રજૂ થશે તેનાથી ય તે ખુશ છે.