નડિયાદ: નડિયાદ તાલુકાના વડતાલમાં આવેલ એક મોબાઈલની દુકાનમાં સબ એજન્ટ તરીકે નોકરી નોકરી કરતાં બામરોલીના બે યુવકોએ પોતાના આર્થિક ફાયદા માટે ગ્રાહકોની જાણ બહાર તેમના આધારકાર્ડના ફોટા પાડી લઈ, તેની વિગતો સાથે પોતાનો જ ફોટો અપલોડ કરી અન્ય સીમકાર્ડ એક્ટિવ કર્યાં હતાં. અત્યાર સુધીમાં આ બંને યુવકોએ આવા ૯૭ સીમકાર્ડ ખોટી રીતે એક્ટિવ કર્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે બે શખસ સામે ગુનો નોંધ્યો હતો.
ખેડા જિલ્લામાં મોબાઈલ સીમકાર્ડનું વેચાણ કરતાં પી.ઓ.એસ પૈકી નડિયાદ તાલુકાના વડતાલમાં આવેલ દેવમ મોબાઈલના બે ડેમોકાર્ડવાળા પી.ઓ.એસ થકી એક જ વ્યક્તિનો ફોટો કસ્ટમર એપ્લિકેશન ફોર્મ (સી.એ.એફ) માં અપલોડ કરી, કુલ ૯૭ સીમકાર્ડ અલગ-અલગ વ્યક્તિઓના નામે એક્ટિવ કરવામાં આવ્યાં હોવાની જાણ ગુજરાત એ.ટી.એસ અને કોસ્ટલ સીક્યુરીટીને થઈ હતી. જેથી તેઓએ આ અંગેની જાણ ખેડા જિલ્લા એસ.ઓ.જી પોલીસને કરી હતી. જેના આધારે ખેડા એસ.ઓ.જી પોલીસે વડતાલ સ્થિત દેવમ મોબાઈલની દુકાનમાં જઈ તેના માલિક સંદિપભાઈ રાજુભાઈ દરબાર (રહે.વડતાલ) ની પુછપરછ કરી હતી.
જેમાં તેઓએ ગામડે-ગામડે જઈ સીમકાર્ડનું વેચાણ કરવા માટે યોગેશ ચંન્દ્રસિંહ પરમાર અને રવિ વિનુભાઈ પરમાર (બંને રહે.બામરોલી, તા.પેટલાદ, જિ.આણંદ) ને સબ એજન્ટ તરીકે નોકરી પર રાખ્યાં હતાં અને તેઓ બંને યુવકો જ દુકાનના ડેમો નંબર થકી સીમકાર્ડ વેચતાં હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે બંને સબ એજન્ટ રવિ પરમાર અને યોગેશ પરમારની અટકાયત કરી, પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓ બંનેએ અન્યના ડોક્યુમેન્ટ સાથે પોતાના જ ફોટા અપલોડ કરીને ખોટી રીતે સીમકાર્ડ એક્ટિવ કર્યાં હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ફોટા સિવાયની તમામ વિગતો ગ્રાહકની જ હતી
પોલીસની ટીમે વેચાણ થયેલા CAF નંબરવાળા લિસ્ટ પૈકી એક ગ્રાહકને રૂબરૂ મળી, પુછપરછ કરી હતી. જેમાં ગ્રાહકે તેમના નામે રજીસ્ટર થયેલાં જે તે મોબાઈલ નંબરનો વપરાશ જ ન કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ પોલીસે ગ્રાહકને જે તે મોબાઈલ નંબરને ખરીદવામાં માટે ઉપયોગમાં લેવાયેલાં ડોક્યુમેન્ટ બતાવ્યાં હતાં. જેમાં નામ, સરનામા, આધાર કાર્ડ સહિતની વિગતો પોતાનાં જ હતાં તેમજ ફોટો અન્ય કોઈ વ્યક્તિનો હોવાથી ગ્રાહક પણ ચોંકી ઉઠ્યો હતો.
સ્કીમનો લાભ મેળવવા માટે કારસ્તાન આચર્યું
સીમકાર્ડના ગોરખધંધો કરનાર રવિ વિનુભાઈ પરમાર અને યોગેશ ચંન્દ્રસિંહ પરમારની પુછપરછ કરી હતી. જેમાં આ બંને જણાં અગાઉ વડતાલના દેવમ મોબાઈલમાં સબ એજન્ટ તરીકે જોડાઈને ગામડે-ગામડે જઈને છત્રી લગાવીને વોડાફોન કંપનીના સીમકાર્ડ વેચતાં હતાં. જે તે વખતે કંપની તરફથી તેઓને એકથી વધુ સીમકાર્ડ વેચવા ઉપર સ્કીમ આપવામાં આવતી હતી. પરંતુ, તેઓની પાસે આવતાં ગ્રાહકો માત્ર એક જ સીમકાર્ડની માંગણી કરતાં હતાં. જેથી તેઓ એક સીમકાર્ડ જે તે ગ્રાહકને એક્ટિવ તો કરી આપતાં હતાં. પરંતુ, સ્કીમનો લાભ લેવા માટે તેઓ ગ્રાહકની જાણ બહાર તેમના આધારકાર્ડનો બીજી વાર ફોટો પાડી, કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં તેની વિગત ભરી, ગ્રાહકના ફોટાની જગ્યાએ પોતાનો ફોટો અપલોડ કરી, બીજું સીમકાર્ડ એક્ટિવ કરતાં હતાં.