નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની (IPL) હાલની સિઝનમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલી દિલ્હી કેપિટલ્સ (DC) જ્યારે આવતીકાલે ગુરૂવારે સાંજે 7.30 વાગ્યે ડબલ હેડરની બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) (કેકેઆર) સામે મેદાને ઉતરશે ત્યારે તેમના માટે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે આ મેચ કરો યા મરો સમાન હશે અને તેમણે કોઇપણ ભોગે કેકેઆરને હરાવવું પડશે. આવતીકાલની આ મેચમાં દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવનમાંથી સંભવત: પૃથ્વી શોને બહાર મુકવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. દિલ્હી આ સિઝનમાં અત્યાર સુધીમાં તમામ પાંચ મેચ હારી ચૂક્યું છે, જેના કારણે ગુરૂવારની મેચમાં ટોપ ઓર્ડરમાં ફેરફાર જોવા મળી શકે છે.
- અત્યાર સુધી આઇપીએલમાં એકપણ મેચ જીતી ન શકેલી દિલ્હી કેપિટલ્સ કેકેઆર સામેની મેચમાં પહેલી જીત મેળવવાના ઇરાદે મેદાને પડશે
- દિલ્હી કેપિટલ્સની સામે કોલકાતા નાઇટ રાઇડર્સના નીતિશ રાણા, વેંકટેશ અય્યર, રિન્કુ સિંહ અને આન્દ્રે રસેલ બની શકે છે મોટો અવરોધ
વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ સરફરાઝ ખાનને નિષ્ણાત ઓપનર તરીકે ઉતારવામાં આવી શકે છે, આ ઉપરાંત અનુભવી મનીષ પાંડે તેમના માટે બીજો વિકલ્પ બની શકે છે. જો ડેવિડ વોર્નરની આગેવાનીવાળી ટીમ આ મેચ હારી જશે તો પ્લેઓફમાં પહોંચવાના તમામ દરવાજા લગભગ બંધ થઈ જશે. બીજી તરફ કેકેઆર છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મળેલી હારને ભૂલી જવા માંગશે. દિલ્હી માટે ચિંતાનો વિષય પૃથ્વીનું ખરાબ ફોર્મ છે. છેલ્લી બે સિઝનમાં જોરદાર પ્રદર્શન કરનાર પૃથ્વી આ વખતે જરા પણ રંગમાં નથી.
ઓસ્ટ્રેલિયાનો મિશેલ માર્શ ત્રીજા નંબર પર ચાલી શક્યો ન હતો. આવી સ્થિતિમાં રિલે રોસોઉ અથવા રોવમેન પોવેલને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. દિલ્હીની બેન્ચ સ્ટ્રેન્થ પણ ઘણી નબળી હોવાથી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ખેલાડીઓ માટે કોઈ વિકલ્પ નથી. કેકેઆરની ટીમમાં રહેમાનુલ્લા ગુરબાઝને સ્થાને ઈંગ્લેન્ડના જેસન રોયને તક મળી શકે છે. લેગ સ્પિનર સુયશ શર્માની તેના હોમ ગ્રાઉન્ડ પર આ પ્રથમ મેચ હશે.