નવી દિલ્હી: વિશ્વભરમાં રોજના હજારો-લાખો વિમાનો (planes) ઉડાઉડ કરતાં હશે અને તેમાં ક્યારેક ઈમરજન્સી (emergency) લેન્ડિંગની (landing) ઘટનાઓ પણ અવારનવાર બનતી રહે છે. અલબત્ત તેની પાછળના કારણો એન્જિનની ખરાબી, અન્ય ટેક્નીકલ (technical) ખામી કે બીજા ઘણાં હોઈ શકે. હવે ઓસ્ટ્રિયામાં (Osteria) વિમાનના ઈમરજન્સી લેન્ડિંગનું નવું અને વિચિત્ર (strange) કારણ (reason) સામે આવ્યું છે, જે કદાચ કોઈ જોક-મજાક જેવું લાગશે.
હકીકતમાં ઓસ્ટ્રિયાના વિયેના એરપોર્ટથી બોઈંગ 777એ 300 મુસાફરોને લઈને ઉડાન ભરી હતી અને આઠ કલાક બાદ ન્યૂયોર્ક પહોંચવાનું શિડ્યુઅલ હતું. જો કે બે જ કલાકમાં આ ફ્લાઈટના પાઈલટનો વિયેના એરપોર્ટને સંદેશો મળ્યો અને ઈમરજન્સી લેન્ડિંગ માટેની પરવાનગી માંગી.
પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગ માટે જે કારણ આપ્યું તે ચોંકાવનારૂં હતું. કારણકે તેણે એવું કહ્યું કે ટોયલેટને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડે તેમ છે. પાઈલટનો મેસેજ વિસ્તારથી આવ્યો ત્યારે જાણ થઈ કે બોઈંગ 777ની આ ફ્લાઈટમાં કુલ 8 ટોયલેટ હતાં, જે પૈકી 5 ટોયલેટના ફ્લશ ખરાબ થઈ ગયા હતાં, એટલે કે કામ કરતાં ન હતાં.
નોંધપાત્ર છે કે વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને ક્યારેક તે ડરાવનારી હોય છે. ગત જાન્યુઆરી માસમાં જ ઈંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયા જવા નીકળેલી એક ફ્લાઈટનું પણ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જેમાં હકીકત એવી હતી કે 100 જેટલા મુસાફરોને લઈને ઉડેલી આ ફ્લાઈટનું એન્જિન આકાશમાં અચાનક જ બંધ થઈ ગયું હતું. જેથી ઓસ્ટ્રેલિયાના સિડની એરપોર્ટ પહોંચતાં પૂર્વે જ પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લઈ મેસેજ પાસ કર્યાં હતાં.
ફ્લાઈટમાં હાજર 100 જેટલા મુસાફરો, ક્રૂ મેમ્બર્સના જીવ તાળવે ચોંટી ગયા હતાં. એટલું જ નહીં, સિડની એરપોર્ટ ઉપર એમ્બ્યુલન્સ સાથેની ઈમરજન્સી સેવાઓ દોડતી થઈ ગઈ હતી. સદનસીબે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરી શકાયું હતું. આવા ઈમરજન્સી લેન્ડિંગના અનેક કિસ્સાઓ બનતાં રહે છે, જેમાં ટોયલેટ બ્લોક્સ ખરાબ થઈ જવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ હોય તેવું કદાચ પહેલી વખત બન્યું છે.
મુસાફરો દ્વારા ટોયલેટ અંગેની આ ફરિયાદ ક્રૂ મેમ્બર્સને કરવામાં આવી હતી અને તે યોગ્ય લાગતાં પાઈલટને તે અંગે જાણ કરાઈ હતી. 8 કલાકની મુસાફરી અને 300 મુસાફરો હોય ત્યારે પાંચ ટોયલેટ બગડેલી હાલતમાં હોવાનું મુશ્કેલ સાબિત થાય તેમ હતું. જેથી પાઈલટે પોતાની ફ્લાઈટને વિયેના તરફ પાછી વાળી હતી અને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. ટૂંકમાં આઠ કલાકે ન્યૂયોર્ક પહોંચનારી ફ્લાઈટ બે કલાકમાં જ વિયેના પરત આવી ગઈ હતી.