દુનિયાની ફર્સ્ટકલાસ મહિલા ક્રિકેટ ખેલાડીઓમાં 12 જોડીઓ અર્થાત 24 સ્ત્રી ખેલાડીઓ એવી છે જેમણે અંદરોઅંદર (સજાતીય) લગ્નો કર્યાં છે. ક્રિકેટની અન્ય કલાસની ટીમોમાં જે સજાતીય પતિ-પત્નીઓ હોય તે અલગ. આમાંની અમુક ખેલાડીઓ વિમેન્ઝ IPLમાં પણ હતી. જેમ કે નાતાલી સ્કાઈવર અને કેથેરીન બ્રન્ટ. નાતાલી ક્રિકેટ રમે ત્યારે તેના ખભાના અને બાવડાના સ્નાયુઓ જોઈને જ લાગે કે આ બહેન બહેનને બદલે ભાઈ જેવા વધુ જણાય છે. કાઠિયાવાડી ભાષામાં તેને ‘ભાયડાછાપ’ કહે પરંતુ ભાયડાછાપ અથવા મરદાના સ્ત્રીઓ માત્ર ક્રિકેટમાં જ નથી.
દરેક સ્પોર્ટસમાં અને એથ્લેટ્કિસમાં સ્ત્રીઓના વિભાગમાં તેઓનું આધિપત્ય છે. ગઈ ટોક્યો ઓલિમ્પિક્સમાં એક ઓસ્ટ્રેલિયન વેઈટ લિફટર મહિલા બાબતે એની જાતીયતા બાબતે વિવાદ સર્જાયો હતો. જન્મ વખતે એને પુરુષ તરીકેની ઓળખાણ અપાઈ હતી પરંતુ એ ઓળખ બાયોલોજિકલી સ્પષ્ટ ન હતી. એણે જાતીય પરિવર્તનની શસ્ત્રક્રિયા કરાવી અને સ્ત્રી તરીકે ઓળખ ઊભી કરી. શસ્ત્રક્રિયા કરાવવા પાછળનો એનો એક ઈરાદો એવો હતો કે એ સ્ત્રીઓના વિભાગમાં રમશે કે ભાગ લેશે તો ખૂબ આગળ નીકળી જશે.
આ પ્રકારની મહિલાઓમાં સામાન્ય મહિલાઓ કરતાં પુરુષત્વ માટેના જરૂરી ટેસ્ટેસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ વધુ હોય છે. જેની અસર ઘણી વખત તેઓના પ્રજનન અંગોના વિકાસ અને આકાર પર પણ પડે છે. આ ટેસ્ટેસ્ટેરોનનું ઊંચું પ્રમાણ અને અન્ય કારણો તેઓને સ્પોર્ટસ અને પુરુષો માટેનાં અન્ય ક્ષેત્રો તરફ ખેંચી જાય છે. પરંતુ પુરુષોના ક્ષેત્રોમાં કામ કરતી તમામ સ્ત્રીઓની પ્રકૃતિ અને બંધારણ આ પ્રકારના જ હોય તે જરૂરી નથી. સ્પોર્ટસ સહિત દરેક ક્ષેત્રોમાં બાયોલોજિકલી નોર્મલ ગણાતી સ્ત્રીઓ પણ હોય છે. જેમ કે સાનિયા મિરઝા કે સાઈના નેહવાલ. પરંતુ વિમ્બલડનમાં ખિતાબ જીતનારી સ્ત્રી ખેલાડીઓમાં માર્ટીના નવરાતીલોવા, ક્રિસ એવર્ટ લોઈડ કે બિલી જિન કિંગ ગે હતી અને તેઓએ મહિલા સાથીદારો સાથે જીવન ગુજારવાનું પસંદ કર્યું હતું. આ યાદી લાંબી છે. નાતાલી સ્કાઈવર બ્રન્ટ અને કેથેરીન બંનેએ લગ્ન કર્યા છે. બંને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ છે.
રમત-ગમત જગતમાં ગે મહિલાઓ વધુ સફળ થવા માંડી ત્યારથી એક વિવાદ પેદા થયો છે કે તેનાથી સહેજપણે અથવા પ્રાકૃતિકપણે મહિલાઓના હોર્મોન્સ (પ્રોજેસ્ટેરોન)નું નોર્મલ પ્રમાણ ધરાવતી સ્ત્રીઓને અન્યાય થાય છે. એક સમાન પ્લેઈંગ ફિલ્ડ મળતું નથી. ગે માટેની વ્યાખ્યા પણ સ્પષ્ટ નથી. જે છે તે સમાવેશી છે. જેમ કે LGBTQIA+. લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સપેટાઈટ અને ક્વીઅર અને તેમાં જેમનો સમાવેશ થતો ન હોય તેઓને પણ પ્લસ તરીકે ઉમેરવામાં આવ્યા છે. દરેક વ્યક્તિના હોર્મોન્સનું પ્રમાણ અલગ અલગ હોય, બદલાતું પણ રહે.
વિજ્ઞાને હવે સ્ત્રી-પુરુષની બાયોલોજિકલ ઓળખાણ માટેના માપદંડો નક્કી કર્યા છે પણ એ પરિધમાં ન સમાવી શકાય એવા લોકો પણ હોય છે. LGBTQમાં સજાતીયથી માંડીને ટ્રાન્સપેટાઈટ (વ્યંડળ) સુધીના તમામ આવી જાય. ઘણાંને સ્ત્રી કહેવી કે પુરુષ તે નક્કી ન થઈ શકે. શરીરમાં જેમ જેમ ટેસ્ટેસ્ટેરોનનું પ્રમાણ વધારે તેમ તેમ તાકાત અને શક્તિનું પ્રમાણ વધારે હોય. ગે લોકોમાં સ્ત્રીઓ જેવા દેખાતાં પુરુષોમાં સામાન્ય પુરુષ જેટલી તાકાત ન હોય પરંતુ સ્ત્રીઓ કરતાં વધુ હોય. આ તાકાતની માપણી એક ગ્રે એરિયા છે છતાં જાડું જાડું ગણિત માંડવું હોય તો એમ કહી શકાય કે એક મરદાના સ્ત્રી ખેલાડી એટલે 12 આના જેટલી તાકાત. જો પુરુષની 16 આના ગણીએ અને સ્ત્રીની 8 આના ગણીએ તો ગે ખેલાડીની તાકાત 12 આના જેટલી થાય. સ્ત્રીઓ, પુરુષો કે ગે માટેનું આ કોઈ પ્રમાણિત કે સાચું માપ નથી પરંતુ સ્થિતિ સમજાવવા માટે ઉદાહરણ તરીકે આપ્યું છે.
જો હવે સરેરાશ 8 આના શક્તિ ધરાવતી સ્ત્રીઓ વચ્ચે 12 આના તાકાત ધરાવતી સ્ત્રી સ્પોર્ટસમાં ભાગ લે તો એની જીતવાની શક્યતા વધુ રહે છે. મેરી કોમની જેમ સખત મહેનત વડે પણ સ્ત્રીઓ જીતે છે છતાં દુનિયામાં છેલ્લા ચારેક વરસથી આ વિવાદ પેદા થયો છે કે સ્ત્રી અને પુરુષ ખેલાડીઓ માટે સ્પષ્ટપણે અલગ ટીમો ઊભી કરવામાં આવે છે. જેથી ખેલાડીઓને સમાન મેદાન મળી રહે. તો પછી આ LGBTQના મેમ્બરોને સ્ત્રીઓની ટીમમાં શા માટે સમાવવા? LGBTQ + પ્રત્યે યુરોપ-અમેરિકાનો એક વર્ગ ભારે નફરત ધરાવે છે પરંતુ ભારતમાં એટલી નફરત નથી.
પશ્ચિમમાં તેઓ પ્રત્યે સહાનુભૂતિ અને આદર પણ હમણાંના વરસોથી વધ્યો છે અને તેઓ ગે વર્ગમાં છે તેમાં તેઓનો કોઈ દોષ નથી. તેઓ સામાન્ય લોકો કરતાં પણ વધુ ઉત્તમ વ્યક્તિઓ હોય છે. તેઓને પાટું મારવાને બદલે તમામ ક્ષેત્રોમાં તેઓનો સ્વીકાર થવો જોઈએ એ દ્રષ્ટિકોણ હમણાંના વરસોમાં જગતભરમાં સ્વીકારાઈ રહ્યો છે. જ્યાં સ્ત્રીઓ અને પુરુષોના ભેદભાવ ન હોય તેવા તમામ ક્ષેત્રોમાં તેઓને કામ મળવું જોઈએ એ વાતનો પણ સ્વીકાર થઈ રહ્યો છે. દુનિયાની અમુક ન્યૂઝ ચેનલોએ તેઓને ન્યૂઝ રીડર અને એંકર તરીકે કામે રાખ્યા છે. તેઓનો અવાજ વધુ સ્પષ્ટ હોય છે.
આમ જોઈએ તો આ ભેદભાવ પ્રકૃતિદત્ત છે. અર્થાત કુદરતે જ સર્જેલો છે. તેની પાછળનાં કુદરતના કારણો આપણે જાણતાં નથી. શારીરિક કારણો જાણતાં થયાં છીએ પરંતુ કુદરતી ભેદભાવ અનેક બાબતમાં જોવા મળતો હોય છે. અમુક વિદ્યાર્થીની યાદશક્તિ તીવ્ર હોય અને ઘણાંની બિલકુલ ન હોય તો આમ તો આ પણ સમાન મેદાન ન ગણાય. ઊંચી વ્યક્તિ વામન વ્યક્તિ કરતાં વધુ સારી રીતે બાસ્કેટ બોલ રમી શકે. વજન ઊંચકવાની સ્પર્ધામાં ખેલાડીના પોતાના વજનને આધારે વર્ગીકરણ થાય છે. એવું વર્ગીકરણ બાસ્કેટબોલમાં ઊંચાઈ મુજબ થાય તો સમાન તક ગણાય. આવી ડિમાન્ડ પણ ચાલતી થઈ છે. આ ક્રાઈટેરિયા અનેક સ્પોર્ટસને પણ લાગુ પડી શકે.
પરંતુ એવા સ્પષ્ટ 8 ક્ષેત્રો છે. જેમાં બાયોલોજિકલ મહિલાઓને સમાન તક મળતી નથી. તે માટેની માગણી એટલી પ્રબળ બની છે કે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે વડા પ્રધાનપદની સ્પર્ધા વખતે બ્રિટિશ પ્રજાને વચન આપવું પડ્યું હતું કે બાયોલોજિકલ મહિલાઓને થતો અન્યાય દૂર કરવા માટે બ્રિટનના કાયદાઓમાં તેઓ જરૂરી ફેરફાર કરશે જેમાં ટ્રાન્સસેકસ્યુઅલ (ટ્રાન્સ) મહિલાઓને ફિમેલ સ્પોર્ટસ અને જ્યાં માત્ર સ્ત્રીઓએ જ ભાગ લેવાનો હોય તેવી સિંગલ-સેક્સ પ્રવૃત્તિઓમાં પ્રવેશતી અટકાવાશે.
તેનો બીજો અર્થ એ થયો કે તેઓને માટે અલગ શ્રેણી ઊભી કરાશે. જો કાનૂનમાં આ સુધારો થાય તો નાતાલી અને કેથેરીન બંને IPLમાં રમી ન શકે. બ્રિટનના ઈક્વાલિટી એક્ટમાં ‘સેક્સ’ (જાતીયતા) ની વ્યાખ્યામાં સુધારો કરવાની દિશામાં સુનક સરકાર આગળ વધી રહી છે. સુનકના કહેવા મુજબ ટોઈલેટ્સ (ખાસ કરીને જાહેર ટોઈલેટસ) અને રમતગમતમાં પ્રવેશ માટે જાતીયતા નક્કી કરવી મહત્ત્વનું છે. પરંતુ આ ફેરફારો એટલા આસાન નથી. ખેલાડીઓ કે વ્યક્તિના હોર્મોન્સનું પ્રમાણ વૈજ્ઞાનિક ઢબે જાણીને તેઓને રમતગમતમાં પ્રવેશ અપાય તો ત્રીજો વર્ગ ઊભો કરવાની જરૂર ન પડે. ત્રીજો વર્ગ તેઓને વધુ અલાયદા અથવા અળગા પાડી દેશે. તેઓ સમાજ અભિમુખ બનવાને બદલે વિમુખ બનશે.
કપડાંના મોલમાં વસ્ત્રોની ટ્રાયલ માટે સ્ત્રીઓ અને પુરુષો માટેનાં અલગ અલગ ટ્રાયલ રૂમ હોય છે. હોસ્પિટલોમાં સ્ત્રીઓનો અલગ વોર્ડ હોય છે. તેઓને ક્યાં પ્રવેશ આપવો તે વિમાસણ રહે છે. જો કે મોલના ટ્રાયલ રૂમો હવે યુનિસેક્સ હોય છે. અમુક સંસ્થાઓનો આગ્રહ છે કે રમતગમતોમાં તેઓને સ્ત્રીઓના વિભાગમાં રમવા દેવા જોઈએ અને ભેદભાવ દાખવવો ન જોઈએ. આ લખનાર પણ માને છે કે તેઓને સ્ત્રીઓ માટેની સ્પર્ધામાં ભાગ લેવા દેવો જોઈએ. હૃદયથી કામ લેવાની જરૂર છે, બુધ્ધિનો વધુ વપરાશ ટાળવો જોઈએ. રમત-ગમત સ્પર્ધા કરતાં મજા માણવાનું પ્લેટફોર્મ છે. દિવ્યાંગોની ઓલિમ્પિક્સમાં દોડવાની સ્પર્ધામાં એક ખેલાડી પડી ગયો હતો તમામ કિશોર- ખેલાડી ઊભા રહી ગયા હતા. જે પડી ગયો તેને સાથે મળીને હસતાં હસતાં ઊભો કર્યો. આ પ્રસંગ જ ઘણું કહી જાય છે. જ્યાં જુઓ ત્યાં સ્પર્ધા ઘુસાડીને માણસ જાતે માણસ જાતને અતિ સ્વાર્થી બનાવી દીધી છે.