આજે આપણે અહીં એવી 2 વ્યક્તિ વિશે વાત કરવી છે, જેમણે હમણાં આ જગતમાંથી વિદાય લીધી. ઘણા ખરા લોકો એમને જાણતા નથી અને જે એમને નામથી પણ જાણતા-ઓળખતા હતા એમણે પેલી બન્ને વ્યક્તિના પ્રદાનને યાદ કરીને મનોમન વિદાય આપી છે. એ બન્નેએ પોતાના જીવનકાળ દરમિયાન એવું કંઈક તો યાદગાર કામ કર્યું હતું કે દુનિયાનાં ઘણાં અખબાર, TV-ચેનલો અને ડિજિટલ મીડિયાએ પણ એમની સ્મૃતિને તાજી કરી છે. જોગાનુજોગ વિદાય લેનારી એ બન્ને વ્યક્તિ મહિલા છે. આમાંથી એક છે ફૅશન-ગ્લેમરની દુનિયાની નોખી-અનોખી નારી. નામ એનું મેરી ક્વાંટ્ અને બીજી વ્યક્તિ છે એની પેરી, જેણે એક હત્યાના આરોપસર સજા પણ ભોગવી હતી અને પાછળથી આ જ એની પેરી મર્ડર-મિસ્ટ્રીના કુશળ લેખક તરીકે પુષ્કળ નામના મેળવી.
વાતની શરૂઆત આપણે મેરી ક્વાંટ્થી કરીએ. આજનું ફૅશનજગત પણ મેરીને યાદ કરે છે મિની સ્કર્ટના ડિઝાઈનર તરીકે. ‘મધર ઑફ મિની સ્કર્ટ ’તરીકે ઓળખાતી આ ડિઝાઈનરે શોર્ટ સ્કર્ટની સ્ટાઈલ માર્કેટમાં મૂકીને ફૅશનની દુનિયામાં રીતસરનો તહેલકો મચાવી દીધો હતો. નારીનું પ્રત્યેક અંગ લોકોની નજરથી ઢંકાયેલું રહેવું જોઈએ એવા માન્યતા-મર્યાદાના વિકટોરિયન યુગમાં ગોઠણથી ઊંચાં સ્કર્ટનો વિચાર માત્ર એ જમાનાના રૂઢિચુસ્ત પુરુષો વિરુદ્ધ જાણે બળવો હતો. તનબદન ઢંકાઈ રહે એવા લોંગ ગાઉન ડ્રેસ ફૅશન ગણાતા. અરે, ત્યારે તો ગોઠણ સુધીના સ્કર્ટ પહેરવાં પણ એ જમાનામાં ‘ક્રાન્તિકારી’ ગણાતા. મિની સ્કર્ટના આગમન પછી પુરુષોને ‘ખબર’ પડી કે સ્ત્રીઓ બે નમણાં-નાજુક સેકસી પગ પણ ધરાવે છે!
આ મિની સ્કર્ટની પાછળ એક તસવીર કારણભૂત હતી. કહે છે કે 1950ની આસપાસ એક જર્મન ફોટોગ્રાફરે પેરિસની અવાવરૂ સ્ટ્રીટમાં જેકેટ ધારણ કરેલી એક યુવતીની તસવીર ઝડપી હતી, જેણે ગોઠણથી પણ ઘણું ઊંચું સ્કર્ટ પહેર્યું હતું. એ વખતે આવી કોઈ ફૅશન નહોતી પણ પેલીએ આવો ડ્રેસ એ વખતે કેમ પહેરેલો એ કોઈને ખબર નહોતી. એ વખતે આજના જેવું સોશ્યલ મીડિયા પણ નહોતું કે તસવીર ઝડપથી વાયરલ થાય છતાં અનાયાસ ઝડપાયેલી એ તસવીરે ઘણાનું ધ્યાન ખેંચ્યું હતું. સમય જતાં આ તસવીર પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ’60ના દાયકામાં આવનારી મિની ડ્રેસ ફૅશન માટે કારણભૂત બની હતી. એ તસવીર ભલે પેરિસમાં ઝડપાયેલી પરંતુ મિની સ્કર્ટની માસ્ટરમાઈન્ડ બની બ્રિટિશ ફૅશન ડિઝાઈનર મેરી ક્વાંટ.
1955ની આસપાસ મેરીએ 21 વર્ષની વયે એના અમીર પરિવારના બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર ગ્રીન સાથે લંડનમાં એક ફૅશન બુટિક ‘બાઝાર’ શરૂ કર્યું. નાનપણનો એનો ફ્રેન્ડ એલેકઝાન્ડર અને મેરી એ જમાનામાં બિન્ધાસ્ત વિચારઘારા ધરાવતા. એકેમેક્ને પરણી ગયાં પછી એ બન્ને ફૅશનના નામે અનેક ચિત્ર-વિચિત્ર પ્રયોગ કરતા રહેતાં. જાતભાતના કાપડ ખરીદી લાવીને એમાંથી ડ્રેસ ખુદ સીવીને તૈયાર કરતા. આ દરમિયાન, મેરીની કાતર એની ધુનકીમાં એવી ચાલી કે સ્કર્ટની લંબાઈ ઘટતી ગઈ. એમાંથી સર્જાયું મિની સ્કર્ટ. પરંપરાગત ફૅશનવાળા દરજી ચોંકી ઊઠ્યા રૂઢિવાદી ગોરાઓએ ઊહાપોહ મચાવ્યો પણ મેરીનાં આવા અલ્લડ ડિઝાઈનર્સ ડ્રેસ ત્યારની યુવા પેઢીમાં સુપરહીટ પુરવાર થયા. એમનું બુટિક ‘બાઝાર’ ફૅશન સેન્ટર બની ગયું. નવી ફૅશનનો ડ્રેસ માર્કેટમાં મુકાય એ પહેલાં મેરીના ‘બાઝાર’માં યોજાતી વાઈન-ચીઝ અને જાઝ મ્યુઝિકની પાર્ટીઓ ‘ટૉક ઑફ ધ ટાઉન ’બની ગઈ અને જોતજોતાંમાં મેરી ક્વાંટ્ના ડિઝાઈનર્સ ડ્રેસની સાથે ફૅશનને લગતી અનેકવિધ ચીજ-વસ્તુઓ (accessory) ગ્લોબલ બ્રાન્ડ બની ગઈ.
સૌથી ટૂંકા સ્કર્ટ સરજીને ફૅશનની વિશ્વબજારનો પ્રવાહ પલટાવી 93 વર્ષની લાંબી આવરદાએ મેરી ક્વાંટે્ તાજેતરમાં છેલ્લા શ્વાસ લીધા છે. આ પહેલાં બ્રિટિશ સરકારે પોસ્ટલ સ્ટેમ્પ સહિત એને અનેક પ્રતિષ્ઠિત માન-અકરામ એનાયત કર્યા છે. મજાની વાત એ છે કે મેરી કવાંટ્ના મિની સ્કર્ટે જગતભરના આર્થિક ક્ષેત્રે અનેક ‘પરાક્રમ’ પણ કર્યા છે. ઉદાહરણ તરીકે, તમને કોઈ પૂછે કે ટૂંકા સ્કર્ટને શેરબજાર સાથે શું લાગેવળગે?! તો તમને આ સવાલ અચરજભર્યો લાગશે પણ કેટલાંક ‘જ્ઞાની’ અર્થશાસ્ત્રીઓએ યુવતીના એ મોડર્ન ડ્રેસ અને શુષ્ક શેરમાર્કેટ વચ્ચે રંગીલો સંબંધ શોધી કાઢ્યો છે!
આજે કોરોના પહેલાં અને કોરોના દરમિયાનનો આર્થિક સિનારિયો જોયા પછી ઘણા અર્થશાસ્ત્રીઓ અત્યારે ફ્લેશબૅકમાં જઈને છેક 1920નો દાયકો યાદ કરે છે. એ સમયે જાણીતા ઈકોનોમિસ્ટ જ્યોર્જ ટેલરે એક વિચિત્ર થિયરી વહેતી કરી હતી કે યુવતીના સ્કર્ટની ટૂંકાઈ પર શેરમાર્કેટની મંદી-તેજીનો આધાર હોય છે! જ્યોર્જ ટેલરની આ ‘હેમલાઈન ઈન્ડેક્સ’ થિયરીએ ત્યારે આર્થિક જગતમાં તહેલકો મચાવી દીધો હતો. આ ટેલર (ઊર્ફે દરજી !) સાહેબે સાવ આડેધડ કેંચી ચલાવીને સાવ ઊંધું વેંતરી નહોતું નાખ્યું. એ વખતે એમની ‘ગાંડી’ ગણાતી આ થિયરીમાં કંઈક તો શાણપણ હતું.
એમના સંશોધન કે નિરીક્ષણ અનુસાર હેમલાઈન એટલે સ્કર્ટની ઓટેલી કિનાર જેટલી લાંબી એટલું શેરબજાર નબળું-મંદું અને હેમલાઈન જેટલી ટૂંકી એટલી શેરમાર્કેટ તેજીમાં! એ અનુસાર 1920-21માં યુવતી-મહિલાઓ લાંબાં સ્કર્ટ પહેરતી હતી ત્યારે માર્કેટમાં મંદી હતી અને પછીના ગાળામાં તેજી આવી ત્યારે યોગાનુયોગ યુવતીઓમાં ટૂંકાં – શોર્ટ કે મિની સ્કર્ટની ધૂમ ફેશન ચાલતી હતી!
બીજી તરફ, છેલ્લાં ત્રણેક વર્ષની કોરોનાની મહામારીને લીધે જગતભરનું આર્થિક માળખું અસ્તવ્યસ્ત થઈને લગભગ પડી ભાંગ્યું છતાં બધાના આશ્ચર્ય વચ્ચે શેરમાર્કેટ અડીખમ ખડું છે ત્યારે આપણને સહેજે જિજ્ઞાસા એ જાગે કે તો પછી વૈશ્વિક ફૅશન બજારમાં અત્યારે સ્કર્ટના હાલચાલ શું છે? વેલ, લૅટેસ્ટ ફૅશનના સમાચાર માટે વિખ્યાત મેગેઝિન ‘વૉગ’ અનુસાર આ વિતી રહેલા વર્ષ-2023માં પણ મિની સ્કર્ટનો અગાઉ જેટલો જ દબદબો રહેશે. એટલું જ નહીં, આગામી વર્ષમાં તો સ્કર્ટની લંબાઈ મિડી નહીં મિની પણ નહીં, માઈક્રો સુધી ઘટી જવાના વાવડ છે! આ ઉત્તેજક સમાચારથી ફૅશન શોખીન જુવાન હૈયાંઓ તો ઝૂમી ઊઠશે અને એની સાથે શેરબજારના ખાંટી ખેલાડીઓ પણ નવા નવા ખેલ માટે ખુશી ખુશી તૈયાર થઈ જશે.
મિની સ્કર્ટ પછી હવે આપણે વાત કરીએ એવી મહિલાની, જેને એક હત્યા માટે સજા પણ થઈ હતી અને કારાવાસ ભોગવ્યા પછી એણે મર્ડર–મિસ્ટ્રી, સસ્પેન્સની કુશળ લેખિકા તરીકે અણધારી નામના પણ મેળવી હતી. થોડા દિવસ પહેલાં લોસ એન્જિલસમાં 84ની વયે જેના છેલ્લા શ્વાસ ખૂટ્યા એ લેખિકા એની પેરીનું આમ તો મૂળ નામ હતું જુલિયટ હુલ્મ, બ્રિટનમાં જન્મેલી પણ પોતાની એક સહેલીની માતાની હત્યાના આરોપસર સહેલી સાથે એને પણ 5 વર્ષની સજા થઈ હતી. હત્યા વખતે એ અને સહેલી બન્ને તરુણાવસ્થામાં હોવાથી એમણે લાંબી સજા ન ભોગવવી પડી.
કારાવાસમાંથી નીકળીને જુલિયટે થોડો સમય ઍર હૉસ્ટેસની જોબ કરી. એ દરમિયાન વાંચવાની શોખીન જુલિયટે વાર્તાઓ લખવાની શરૂ કરી અને લેખિકા તરીકે પોતાનું ઉપનામ નામ રાખ્યું ‘એની પેરી’. 1979માં પ્રગટ થયેલી એની પહેલી નવલકથા ‘કાર્ટર સ્ટ્રીટ હેંગમેન’ને જબરી સફળતા મળી. મર્ડર-સસ્પેન્સ કથાઓ પર એની અચ્છી હથોટી હતી. એનાં બે ડિટેક્ટિવ પાત્ર થોમસ પીટ અને વિલિયમ મોન્કની કથાઓ બહુ લોકપ્રિય નીવડી. એ બે પાત્રો ધરાવતી એની નોવેલ્સની અઢી કરોડથી વધુ નકલ વેચાઈ હતી.
થોડાં વર્ષ અગાઉ લંડનના ‘ટાઈમ્સ’ દૈનિક દ્વારા આ સદીના ‘હન્ડ્રેડ માસ્ટર્સ ઑફ ક્રાઈમ્સ’ની એક યાદી પ્રગટ કરી એમાં જાસૂસ શેરલોક હૉમ્સના સર્જક આર્થર ડોનલ કોયલ અને ડિટેક્ટિવ પૉયરોના સર્જક આગાથા ક્રિસ્ટી જેવા મશહૂર સસ્પેન્સ – ક્રાઈમ લેખકોની હરોળમાં એની પેરીનું પણ નામ હતું ! એની પેરી લેખિકા તરીક આટલી બધી જાણીતી થઈ ગઈ પણ ભાગ્યે જ સામાન્ય લોકો કે એના લાખો ચાહકોને જાણ હતી કે એની ઊર્ફે જ્યુલિયટે એક હત્યા માટે જેલની સજા પણ ભોગવી છે! પાછળથી અમેરિકા વસી ગયેલી એનીની એક નવલકથા પરથી 1994માં એક ફિલ્મ બની રહી હતી. આ ફિલ્મ ‘હેવનલી ક્રિચર્સ’માં કેટ વિન્સેટ ( ‘ટાઈટેનિક’ફેમ ) મુખ્ય ભૂમિકામાં હતી. એનું શૂટિંગ ચાલુ થયું ત્યારે બધાને જાણ થઈ કે એ ફિલ્મની કથા તો હત્યારી તરીકે સજા ભોગવી ચૂકવેલી ખુદ લેખિકા એની પેરીના બદનામ ભૂતકાળની છે! કયારેક એની પેરી જેવા હત્યા-રહસ્યના સર્જકે પણ પોતાની આસપાસ આવો ગેબી માહોલ ઊભો કરવો પડતો હોય છે!