Madhya Gujarat

ખંભાતના ત્રણ શખસે બોગસ દસ્તાવેજથી 21 સીમકાર્ડ બનાવ્યાં

આણંદ : ખંભાતના કંસારીમાં દિયા મોબાઇલ નામની દુકાનના વેપારી સહિત ત્રણ શખસે એક યુવકના દસ્તાવેજો મેળવી તેનો દુરૂપયોગ કરી 21 જેટલા સીમકાર્ડ બનાવી બારોબાર વેચી દીધાં હતાં. જેમાં એકની ધરપકડ કરી છે. આણંદ સાયબર ક્રાઇમ પોલીસને પીઓએસ દ્વારા અલગ અલગ વ્યક્તિના નામે સીમકાર્ડ એક્ટીવ કરવામાં આવેલા હોય, જેમાં એક જ વ્યક્તિના ફોટાનો ઉપયોગ કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી, શંકાસ્પદ મોબાઇલ સીમકાર્ડ નંબરની માહિતી એકત્રીત કરી, કસ્ટમર એપ્લીકેશન ફોર્મ મેળવી જોતા તેમાં એક જ વ્યક્તિના ફોટાઓ હોય તેમજ સીમકાર્ડ ધારકના કેવાયસી ડોક્યુમેન્ટ અલગ અલગ વ્યક્તિના હોય જે બાબતે શંકાસ્પદ સીમકાર્ડ ધારકની વિગત મેળવતા તે સીમકાર્ડ ધારક હર્ષીલ વિપુલકુમાર પટેલ (ઉ.વ.33, રહે. શકરપુર)ના ફોટાવાળા કુલ 30 સીમકાર્ડ મળી આવ્યાં હતાં.

જેની ખરાઇ કરતાં 21 સીમકાર્ડ જેની જાણ બહાર ફોટાનો ઉપયોગ કરી એક્ટીવ કરવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. આ 21 સીમકાર્ડ બનાવવા પાછળ દિયા મોબાઇલનું નામ બહાર આવ્યું હતું. આથી, સાયબર ક્રાઇમની ટીમ ખંભાતના કંસારી ગામના ઉદ્યોગનગર ચોકડી ખાતે આવેલા દિયા મોબાઇલ પર પહોંચી હતી. જ્યાં માલિક ચંદ્રસિંહ ઉર્ફે દીપક હિંમત પરમાર (રહે. કંસારી)ની અટક કરી પુછપરછ કરતાં હર્ષીલના ફોટાનો ઉપયોગ વૈભવ દીપક પટેલ અને ધ્રુવ પરેશ પટેલે કર્યો હોવાનું કબુલ્યું હતું. જોકે, આ સીમકાર્ડ કોને વેચ્યાં ? તે હજુ જાણવા મળ્યું નથી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ચંદ્રસિંહ ઉર્ફે દીપક હિંમતસિંહ પરમાર, વૈભવ દીપક પટેલ અને ધ્રુવ પરેશ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top