Madhya Gujarat

પેટલાદ પાસે અકસ્માતમાં 2ના મોત

પેટલાદ : આણંદના વાસદ – તારાપુર ધોરી માર્ગ પર નાર ગામ પાસે મંગળવારની વ્હેલી સવારે પુરપાટ ઝડપે જતી પીકઅપ વાનના ચાલકે અચાનક કાબુ ગુમાવતા રોડ બાજુમાં પાર્ક કરેલી ટ્રકમાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે પીકઅપ વાહનનો આગળનો ભાગ સંપૂર્ણક્ષતિગ્રસ્ત બની ગયો હતો. આ અકસ્માતમાં પીકઅપ વાનમાં સવાર ચાલક અને ક્લીનર બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં.

પેટલાદ તાલુકામાંથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો વાસદ – બગોદરા સિક્સ લેન પસાર થાય છે. આ હાઈ – વે ઉપર ધર્મજ – તારાપુર વચ્ચે નાર ઓવરબ્રીજ આવેલો છે. જ્યાં સબરી હોટલ સામે રસ્તાની બાજુમાં ટ્રક ઉભી રહી હતી. મહારાષ્ટ્રથી રૂ ભરી રાજકોટ જવા નીકળેલી ટ્રકના ડ્રાઈવર અને કંટક્ટર નીચે ઉતર્યાં હતાં. તેવામાં ધર્મજ તરફથી આવતી એક સફેદ કલરની બોલેરો પીકઅપ વાન ઉભી રહેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેનો અવાજ સાંભળી ટ્રકના ડ્રાઈવર, કંડક્ટર સહિત સબરી હોટલના માણસો સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં જોતા પીકઅપ વાન જીજે 11 વીવી 2642 ના ડ્રાઈવર અને કંટક્ટર લોહીલુહાણ હાલતમાં હતા. જેઓને માથા અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જે બંન્નેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ બનાવની જાણ થતાં પેટલાદ ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી પટેલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ક્રેઇનની મદદથી બન્ને વાહનો જુદા પાડી ડ્રાઈવર – ક્લીનરની ઓળખ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં. પ્રાથમિક તપાસમાં પીકઅપ વાનનો ચાલક આફતાબ કાસમ મલગાણી (ઉ.વ.આ.22) અને ક્લીનર દલ જાવેદ (ઉ.વ.32) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પીકઅપ વાનનું ટાયર ફાટી જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રક ચાલક ભાગીને તારાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો
મહારાષ્ટ્રના ઉમરા ગામે રહેતા ભાગવત ઉર્ફે ભૈયા રોહિતદાસ બોડકે ટ્રક ડ્રાઈવીંગ કરે છે. તેઓ 18મી એપ્રિલના રોજ વાસદ થઇ તારાપુર વહેલી સાડા – પાંચેક વાગ્યાના સુમારે બોરસદ – તારાપુર રોડ પર નાર ઓવરબ્રિજ નજીક આવેલી સબર હોટલ પાસે થ્રી લેન રોડ મુકી સાઇડમાં ટ્રક પાર્ક કરી હતી. તેઓ હોટલના ગ્રાઉન્ડમાં હાજર હતાં, તે વખતે અચાનક બોલેરો પીકઅપ ગાડી ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ હતી. જેથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેથી ભાગવત ઉર્ફે ભૈયા ડરી જતાં તારાપુર પોલીસ સ્ટેશને જતો રહ્યો હતો. જોકે, ઘટના સ્થળ પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં પડતી હોવાથી તેને પેટલાદ ગ્રામ્ય પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top