Columns

યીન – યાંગ

એક યુવાન બિઝનેસમેન ચીનના પ્રવાસે ગયો હતો અને ત્યાંથી એક ટી શર્ટ ખરીદીને લાવ્યો. તે ટી શર્ટ પણ ચીનનું પ્રખ્યાત જીવનની સમતોલતા દેખાડતું ‘તાઈજીતું’તરીકે ઓળખાતું યીન અને યાંગ ચિહ્ન હતું. એક ગોળ ચક્રના એસ લખી બે ભાગ એક કાળો અને બીજો સફેદ અને સફેદ ભાગમાં કાળું અને કાળા ભાગમાં સફેદ ટપકું ….ચીનની માન્યતા પ્રમાણે આ ચિહ્ન ..સ્ત્રી-પુરુષ, સૂર્ય -ચંદ્ર, પ્રકાશ-અંધાર તથા પૃથ્વી અને સ્વર્ગ જેવાં તત્ત્વોને અને તેમની વચ્ચેના સમતોલનને દર્શાવે છે.એટલે આ ચિહ્નને સિમ્બોલ ઓફ બેલેન્સ પણ કહે છે. 

આ તો થઇ ચિહ્નની વાત. હવે વાત કરીએ પેલા યુવાન બિઝનેસમેને ખરીદેલા ટી શર્ટ વિષે..યુવાને રવિવારે સવારે નવું ટી શર્ટ પહેર્યું અને ઘરમાં બધાને યીન- યાંગ વિષે સમજાવવા લાગ્યો.યુવાનના દાદાએ બધી વાત સાંભળી. પછી બહુ સરસ વાત કરી.દાદાએ કહ્યું, ‘દીકરા, તું ચીનમાં કામ કરી આવ્યો અને ફરીને આવ્યો અને ત્યાંની સંસ્કૃતિની વાત કરે છે.પણ મને આ ચિહ્ન જોઈ મારા અનુભવથી શું સમજાયું તે કહું?’ યુવાને કહ્યું, ‘હા દાદા જણાવો …’દાદા બોલ્યા, ‘જો આખું ચક્ર સફેદ હોય તો બધું જ સારું છે અને આખું ચક્ર કાળું હોય તો બધું જ ખરાબ છે.

એમ અર્થ થાય, પણ જીવન માત્ર સારું કે માત્ર ખરાબ નથી. જીવન તો સારા- ખરાબ અને સુખ દુઃખનું મિશ્રણ છે અને સફેદમાં કાળું મીંડું એટલે સારામાં પણ કૈંક ખરાબ હોય છે અને કાળામાં સફેદ ટપકું એટલે બધું ખરાબ હોય ત્યાં પણ કૈંક સારું હોય છે અને આ જ આપણું જીવન છે.આપણું જીવન માત્ર સારું જ સારું કે માત્ર ખરાબ જ ખરાબ  નથી. થોડું મનગમતું તે સારું અને થોડું અણગમતું એટલે ખરાબ એવું મિશ્રણ છે અને જે કંઈ પણ ખરાબ થાય તેમાં પણ કૈંક સારું થવાની આશા હોય છે; બધી બાજુથી મુશ્કેલીઓ હોય ત્યાં જ કોઈ એક દ્વાર ખૂલવાની શક્યતા હોય છે.

બધું જ સારું હોય તો કૈંક ખરાબ આગળ છુપાયેલું હોય છે તેની પર ધ્યાન જતું નથી.જીવનમાં જે બધા વ્યક્તિઓ મળે છે તે પણ આવા જ હોય છે. થોડા સારા અને થોડા ખરાબ. કોઈ સંપૂર્ણપણે સારું નથી હોતું અને કોઈ સંપૂર્ણપણે ખરાબ.આપણે ખરાબમાં સારું શોધવું જોઈએ અને સારામાં જે ખરાબ હોય તેને અવગણીને આગળ વધવું જોઈએ.આપણું જીવન અને જીવનના સંજોગો અને જીવનમાં આવતા માણસો બધા માટે આ સમજ રાખવી જોઈએ.’દાદાએ યીન-યાંગના ચિહ્ન વિષે પોતાના અનુભવથી સચોટ સમજ આપી.
–  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top