નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ (BCCI) સ્ટાર ઇન્ડિયા (Star India) સાથેના પોતાના 2018થી 2023 સુધીના મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટ (એમઆરએ)માંથી એક મેચ હટાવી દેવાનો નિર્ણય કર્યો છે, જેનાથી સ્ટાર ઇન્ડિયાને 78.90 કરોડની છૂટ મળશે. બીસીસીઆઇ અને સ્ટાર ઇન્ડિયા વચ્ચેના મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટ 2018થી 2023 સુધીના હતા, જે 31 માર્ચે પુર્ણ થયો છે. આ એગ્રીમેન્ટ હેઠળ 102 મેચ માટે રૂ. 6138.1 કરોડનો કરાર કરાયો હતો, જો કે બીસીસીઆઇએ પાંચ વર્ષની સાયકલમાં 103 મેચ રમી હતી.
- મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટમાંથી એક મેચ હટાવવાના બીસીસીઆઇના નિર્ણયને કારણે સ્ટારને આ છૂટ મળશે
- મીડિયા રાઇટ્સ 102 મેચ માટેના જ હતા તેથી મેચ ફી માફ કરવાનો કોઇ સવાલ જ નથી આવતો : સ્ટાર ઇન્ડિયા
બીસીસીઆઇની નોટમાં કહેવાયું હતું કે બીસીસીઆઇએ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક મેચ માટે 5 એપ્રિલ 2018ના રોજ બીસીસીઆઇ અને સ્ટાર ઇન્ડિયા વચ્ચે થયેલા મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટ હેઠળ સ્ચાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમીટેડને એક મેચની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ મેચની સંખ્યા 103થી ઘટાડીને 102 કરવામાં આવી છે. જો કે સ્ટાર ઇન્ડિયાના સૂત્રોએ કહ્યું હતું કે 2018માં જે મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરાયા હતા તેમાં 102 મેચના આયોજનની જ સંભાવના હતી. તેથી એક મેચની ફી માફ કરવાનો સવાલ જ ઉઠવો ન જોઇએ. સૂત્રોએ પીટીઆઇને કહ્યું હતું કે મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટ 102 મેચ માટે હતો અને સ્ટાર એ મેચ માટે જ ચુકવણી કરશે, મને અહીં કોઇ એવો મુદ્દો જણાતો નથી.